- National
- આસામમાં 10 વર્ષથી જીતી રહેલી BJPને આ વખતે BTCની ચૂંટણીમાં મોટા ઝટકાઓ મળ્યા છે
આસામમાં 10 વર્ષથી જીતી રહેલી BJPને આ વખતે BTCની ચૂંટણીમાં મોટા ઝટકાઓ મળ્યા છે
આસામમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) ચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે ચિંતા વધારી છે. CM હિમંત બિસ્વા શર્માના આક્રમક પ્રચાર છતાં, BJPની બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો છે. અને વધુમાં જોવા જઈએ તો, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF)એ અડધાથી વધુ બેઠકો જીતીને BJPનો 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
જોકે BJPએ આને NDAના વિજય તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે BPF પહેલેથી જ (NDA) ગઠબંધનનો ભાગ છે, પરંતુ એ સ્પષ્ટ છે કે, BTC ચૂંટણીના પરિણામોએ 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા BJP માટે ચેતવણી તરીકેનું કામ કર્યું છે.
BTC ચૂંટણીઓને 2026ની આસામ વિધાનસભા ચૂંટણીની સેમિ-ફાઇનલ માનવામાં આવતી હતી. આ જ કારણ છે કે CM હિમંત બિસ્વા શર્માએ પોતે આ ચૂંટણીમાં આક્રમક રીતે પ્રચાર કર્યો હતો. પરંતુ પરિણામો જાહેર થયા પછી, તેમણે કહ્યું, 'હું હાગ્રામા મોહિલરી અને BPFને તેમની જીત બદલ અભિનંદન આપું છું. BPF NDAનો જ એક ભાગ છે અને હવે ગઠબંધન પાસે BTCની તમામ 40 બેઠકો છે. ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી, અને અમે સાથે મળીને કામ કરીશું.'
https://twitter.com/himantabiswa/status/1972306654676041822
BTC ચૂંટણીના પરિણામો આ પ્રમાણે આવ્યા: BPF (હાગ્રામા મોહિલરી)-28 બેઠકો, UPPL (યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ)-7 બેઠકો, BJP-5 બેઠકો.
છેલ્લી ચૂંટણીમાં, BJPએ 9 બેઠકો અને UPPLએ 12 બેઠકો જીતી હતી. આનો અર્થ એ થયો કે, આ વખતે BJPની તાકાતમાં ઘટાડો થયો છે, અને BPF જોરદાર રીતે પાછું ફર્યું છે.
BPFના વડા હાગ્રામા મોહિલરી એક સમયે બળવાખોર સંગઠન બોડોલેન્ડ લિબરેશન ટાઇગર્સના નેતા રહ્યા હતા. 2003ના બોડો કરાર પછી, તેમણે હથિયાર છોડી દીધા અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, 2005માં BPFની સ્થાપના કરી. તેઓ BTCના પ્રથમ CEM (મુખ્ય કાર્યકારી સભ્ય) બન્યા અને 2005થી 2020 સુધી એમ ત્રણ ટર્મ સુધી સેવા આપી. 2020માં પક્ષના વિભાજન પછી તેમણે સત્તા ગુમાવી દીધી હતી, પરંતુ આ વખતે તેમણે શાનદાર વાપસી કરી છે.
ચૂંટણી પરિણામો પછી, BPFએ BTCમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. હાગ્રામા મોહિલરીએ જણાવ્યું હતું કે, પક્ષ કોઈપણ સાથી પક્ષને નકારશે નહીં, પછી ભલે તે BJP હોય કે UPPL. તેમણે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય સાથે મુલાકાત કરીને પોતાનો દાવો રજૂ કર્યો, અને પક્ષની નીતિ-નિર્માણ સંસ્થાએ સર્વાનુમતે તેમને આગામી BTC પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા.

