- National
- તબાહીના એપીસેન્ટર હર્ષિલમાં સેનાની તૈનાતી કેમ રહે છે? વિદેશીઓની એન્ટ્રી પર પણ હતો પ્રતિબંધ
તબાહીના એપીસેન્ટર હર્ષિલમાં સેનાની તૈનાતી કેમ રહે છે? વિદેશીઓની એન્ટ્રી પર પણ હતો પ્રતિબંધ
ઉત્તરાખંડના હર્ષિલમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે. આકાશથી વરસેલી આ આફતમાં ઘણા ઘરો તબાહ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ભારતીય સેનાને પણ નુકસાન થયું છે. તેના ઘણા જવાન ગુમ થયા હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ સંકટના સમયમાં સેના રાહત અને બચાવ કાર્યમાં કરી રહી છે. આ આફતે મોદી સરકારના અભિયાનને પણ ઝટકો આપ્યો છે. હર્ષિલ અને ઉત્તરાખંડમાં ચીન સીમાની નજીક ઘણા સ્થળોએ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકાર એક અભિયાન ચલાવી રહી છે. પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની શરૂઆતમાં હર્ષિલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે આ અભિયાન શરૂ કર્યું હતું.
અહીં લોકોને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 1962ના યુદ્ધ દરમિયાન, ઉત્તરકાશી જિલ્લાના 2 ગામો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને સરકાર તેમને મુખ્ય પર્યટન સ્થળોમાં બદલવાનું કામ કરી રહી છે. લોકોને ખબર હશે કે, 1962માં જ્યારે ચીને ભારત પર હુમલો કર્યો હતો, ત્યારે આપણા આ 2 ગામો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. લોકો ભલે ભૂલી ગયા હશે, પરંતુ આપણે ભૂલી નહીં શકીએ. અમે આ 2 ગામોના પુનર્વાસ માટે એક અભિયાન શરૂ કર્યું છે અને તેમને મુખ્ય પર્યટન સ્થળો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.’
કેમ રહે છે સેનાની તૈનાતી?
આ બધા વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે, હર્ષિલમાં સેના શા માટે તૈનાત રહે છે. આ જાણવા માટે, આપણે ઇતિહાસ જાણવો પડશે. 1962ના યુદ્ધ બાદ, 2016 સુધી, હર્ષિલમાં ભારતીય અને વિદેશી બંનેએ પ્રવાસીઓને સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી, ખાસ કરીને 'ઇનર લાઇન પરમિટ' લેવી પડતી હતી. પરમિટ હોવા છતા વિદેશીઓને આ રણનીતિક રૂપે સંવેદનશીલ શહેરમાં રાત વિતાવવાની મંજૂરી નહોતી. 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ તરત જ લગાવવામાં આવેલા આ પ્રતિબંધો આખરે વર્ષ 2016માં હટાવી લેવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રાલયે હર્ષિલને ભારતીય અને વિદેશી પ્રવાસીઓ માટે ખોલ્યું અને 'પરમિટ સિસ્ટમ' પૂરી રીતે નાબૂદ કરી દીધી. 8600 ફૂટની ઊંચાઈ પર સ્થિત, હર્ષિલ ખીણમાં હિમાલયના 100 નાના-મોટા શિખરો, ગાઢ પાઈનના જંગલ, મનમોહક બરફથી ઢંકાયેલા પર્વતો અને લીલાછમ સફરજનના બગીચા છે. એટલું જ નહીં, આ સ્થળ એટલા માટે પણ આકર્ષક છે કારણ કે તે સૌથી પવિત્ર હિન્દુ તીર્થસ્થાન, ગંગોત્રીથી માત્ર 22 કિમી દૂર છે. ભાગીરથી નદીના કિનારે સ્થિત ગંગોત્રી ઉત્તરાખંડના 'ચાર ધામ'માંથી એક છે. અન્ય ત્રણ યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ છે.
સરકારે ત્યારે નેલોંગ ખીણની મુલાકાત પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો હતો. નેલોંગ ખીણ હર્ષિલથી માત્ર 30 કિમી દૂર છે. 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ પ્રવાસીઓ માટે તે પૂરી રીતે પ્રતિબંધિત હતી. નેલોંગમાં ITBP કેન્ટોનમેન્ટ વિસ્તારો પણ છે. ચીનની સરહદ હર્ષિલથી 100 કિમી દૂર છે, જ્યારે તે ખીણથી 60 કિમી દૂર છે.
યુદ્ધ દરમિયાન સરકારે નેલોંગ અને પડોશી જાડુંગ ગામને ખાલી કરાવી લીધું હતું અને સ્થાનિક લોકોને હર્ષિલ વિસ્તારના અન્ય ગામોમાં સ્થળાંતરિત કરી દીધા હતા. ચમોલી અને પિથોરાગઢ ઉત્તરાખંડના અન્ય 2 જિલ્લા છે જે ચીનની સીમા નજીક છે અને 'ઇનર-લાઇન ક્ષેત્ર' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર્ષિલમાં સૈનિકો સાથે વર્ષ 2018માં દિવાળી ઉજવી હતી. આ ઉપરાંત પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે 2023ની દિવાળીમાં અહીં પહોંચ્યા હતા. તેમણે હર્ષિલમાં ભારતીય સેના, ITBP અને BROના સૈનિકો સાથે પણ વાતચીત કરી હતી.

