- National
- ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સમાંથી CM નીતિશ કુમાર, નડ્ડા કેમ બોલ્યા વિના 26 સેકેન્ડમા...
ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સમાંથી CM નીતિશ કુમાર, નડ્ડા કેમ બોલ્યા વિના 26 સેકેન્ડમાં નીકળી ગયા?
બિહાર પટનામાં NDAનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડીને CM નીતિશ કુમાર, JP નડ્ડા, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા અને અન્ય ટોચના નેતાઓ શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધ્યા વિના મંચ છોડીને નીકળી ગયા હતા.

શુક્રવારે સવારે પટનામાં હોટલ મૌર્ય ખાતે બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAના સંયુક્ત ઘોષણાપત્રને જાહેર કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. CM નીતિશ કુમાર, BJP પ્રમુખ JP નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહા સહિત NDAના તમામ ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. સવારે બરાબર 10 વાગ્યે શરૂ થયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં NDAનો ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યો અને થોડીવારમાં જ NDAના તમામ નેતાઓ મંચ છોડીને નીકળી ગયા હતા. આમાંથી કોઈ પણ નેતાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી નહીં. ત્યાર પછી, DyCM સમ્રાટ ચૌધરીએ NDAના ચૂંટણી વચનો જનતા સમક્ષ રજૂ કર્યા.

NDAની આ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ પણ અગ્રણી નેતા હાજર ન હોવાને કારણે રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું હતું. વિપક્ષે આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. બિહાર ચૂંટણી માટે કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોતે શુક્રવારે પટનામાં જણાવ્યું હતું કે, NDAનો ઢંઢેરો માત્ર 26 સેકન્ડમાં જ બહાર પાડવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, NDAના નેતાઓ, મીડિયાના પ્રશ્નોથી ડરીને, ઉભા થઈને ભાગી ગયા. આ લોકશાહી માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

જોકે, પ્રેસ કોન્ફરન્સ છોડીને નીકળી ગયા પછી, રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના વડા ઉપેન્દ્ર કુશવાહાએ મીડિયાને જણાવ્યું હતું કે, બધાએ સાથે મળીને NDAનો ઢંઢેરો બહાર પાડ્યો છે. ચૂંટણી પ્રતિબદ્ધતાઓને કારણે, બધા નેતાઓને અલગ અલગ સ્થળોએ પ્રચાર કરવા જવાનું હતું. જો પ્રેસ કોન્ફરન્સમાં એક કલાકનો સમય થઇ ગયો હોતે તો ચૂંટણી પ્રચારમાં અવરોધ ઊભો થાય તેમ હતો.
https://twitter.com/BJP4Bihar/status/1984120537355055613
બેઠક પછી, DyCM સમ્રાટ ચૌધરીએ પણ કહ્યું, 'CM નીતિશ કુમારે આવીને NDAનો ઢંઢેરો બહાર પાડ્યો. હું તેમનો સાથી છું. મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને કહ્યું કે, CM નીતિશ કુમારના વિઝનને જ અમે આગળ ધપાવી રહ્યા છીએ.'
https://twitter.com/PTI_News/status/1984126009663213904
અત્રે ઉલ્લેખનીય છે કે, NDAની સામાન્ય સભા લગભગ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ ગુરુવારે સાંજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં NDA પ્રેસ કોન્ફરન્સ સવારે 9:30 વાગ્યે જાહેર કરી હતી. જોકે, પ્રેસ કોન્ફરન્સ સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું કે NDAના કોઈ પણ મોટા નેતા આ કોન્ફરન્સને સંબોધિત કરશે નહીં, અને ફક્ત DyCM સમ્રાટ ચૌધરી જ મીડિયા સમક્ષ સંકલ્પ પત્રની વાત રજૂ કરશે.

