- National
- મોદી સરકાર લાવી રહી છે એવું બિલ કે 30 દિવસ જેલમાં રહેનારા CM-મંત્રી-PMને પણ પદથી હટવું પડશે
મોદી સરકાર લાવી રહી છે એવું બિલ કે 30 દિવસ જેલમાં રહેનારા CM-મંત્રી-PMને પણ પદથી હટવું પડશે
કેન્દ્ર સરકાર લોકસભામાં બુધવારે એક બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો હેતુ વડાપ્રધાન, રાજ્યોના મુખ્યમંત્રીઓ, જમ્મુ-કાશ્મીર સહિત કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓને ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરવામાં આવે અથવા કસ્ટડીમાં લેવા આવે તો તેમને પદ પરથી દૂર કરવા માટે કાયદો બનાવવાનો છે. આ બિલની વાત સામે આવતા જ વિપક્ષે વિવાદ કરવાનો શરૂ કરી દીધો છે. એવો આરોપ છે કે તેનાથી કેન્દ્ર સરકારની મનમાની વધુ વધી શકે છે. વિપક્ષના આ દાવાઓની તપાસ એક્સપર્ટ્સ સાથે કરીએ.
પ્રસ્તાવિત જોગવાઈઓ હેઠળ જો કોઈ મંત્રી કોઈ ગંભીર ગુના (5 વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનો) ના આરોપમાં સતત 30 દિવસ જેલમાં રહે છે, તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર તેમને પદ પરથી હટાવી દેશે. જે 3 બિલ લોકસભામાં રજૂ થવાના છે તે બંધારણ 130મો સુધારો બિલ 2025, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ, 2025 છે.
સુપ્રીમ કોર્ટના વકીલ અનિલ કુમાર સિંહ શ્રીનેત કહે છે કે આ બિલમાં સૌથી મોટી મુશ્કેલી વડાપ્રધાનની સલાહ છે. તેના પર કોણ વિચાર કરશે કે વડાપ્રધાનની સલાહ સાચી છે કે નહીં. વડાપ્રધાનનીની સલાહને ટોચ પર રાખવામાં આવી છે. એટલે કે રાષ્ટ્રપતિથી પણ ઉપર. વડાપ્રધાન જેને જ્યારે ઇચ્છે ત્યારે કોઈપણને હટાવી શકે છે. એટલે કે કેન્દ્ર સરકારની મનમાની વધશે.
એડવોકેટ અનિલ સિંહના મતે, ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડ્રિંગના કેસોમાં 5 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય છે. એવામાં દરેક કેસ તેના હેઠળ આવી જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત દેશના ઘણા રાજ્યોના મંત્રીઓ ભ્રષ્ટાચારના કેટલાક કેસોમાં જેલમાં રહ્યા છે. આ બધા કેસોમાં 5 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. એવામાં, કોઈ પર પણ કાર્યવાહી થઈ શકે છે.
અનિલ સિંહ કહે છે કે, કેન્દ્ર સરકારના હાથમાં CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને NIA જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ છે. બદલાની કાર્યવાહીમાં કોઈપણ વિપક્ષી પાર્ટીના મુખ્યમંત્રી અથવા તેના મંત્રી પર આરોપ લગાવીને તપાસના નામે તેમને કસ્ટડીમાં રાખી શકે છે. એવામાં તપાસ દરમિયાન તેમને 30 દિવસ સુધી જેલમાં રાખવા એ કોઈ નવી વાત નથી. આ પણ એક મોટી મૂંઝવણ છે.
જો વડાપ્રધાન સલાહ નહીં આપે તો મંત્રી 31મા દિવસ બાદ આપમેળે હટી જશે. જો આવા આરોપોમાં વડાપ્રધાન પોતે 30 દિવસ સુધી જેલમાં રહે છે, તો તેમણે 31મા દિવસ સુધીમાં રાજીનામું આપવું પડશે, નહિતર તેમનું પદ આપમેળે સમાપ્ત થઈ જશે. એજ પ્રકારે જો રાજ્યમંત્રી 30 દિવસ સુધી જેલમાં રહે છે, તો રાજ્યપાલ તેમને મુખ્યમંત્રીની સલાહ પર પદ પરથી હટાવી દેશે. જો સલાહ નહીં આપવામાં આવે, તો મંત્રીનું પદ 31મા દિવસે આપમેળે સમાપ્ત થઈ જશે. જો મુખ્યમંત્રી પોતે 30 દિવસ સુધી જેલમાં રહે છે, તો તેમણે 31મા દિવસ સુધીમાં રાજીનામું આપવું પડશે, નહિતર તેમનું પદ આપમેળે સમાપ્ત થઈ જશે.

