- Politics
- શાળાની પ્રાર્થનામાં થાય હનુમાન ચાલીસા, ભાજપના ધારાસભ્યની માગ, પરંતુ શું આવું કોઇ રાજ્યમાં થાય છે?
શાળાની પ્રાર્થનામાં થાય હનુમાન ચાલીસા, ભાજપના ધારાસભ્યની માગ, પરંતુ શું આવું કોઇ રાજ્યમાં થાય છે?
દિલ્હી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહે માગ કરી હતી કે રાજધાનીની શાળાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન ‘હનુમાન ચાલીસા’નો પાઠ ફરજિયાત કરવામાં આવે. સરકાર દિલ્હીની તમામ સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) સંચાલિત શાળાઓને આ આદેશ આપે. મારવાહનો તર્ક હતો કે હનુમાન ચાલીસા માત્ર ધાર્મિક પાઠ નથી, પરંતુ નૈતિક મૂલ્યો, એકાગ્રતા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે. તેનાથી વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જા આવશે અને તેઓ માનસિક રીતે મજબૂત બનશે. સરકાર આ માટે માનશે કે નહીં, એ તો પછીથી ખબર પડશે. પરંતુ શું દેશના કોઈણ રાજ્યમાં આવું થાય છે?
ભાજપના ધારાસભ્યએ ગૃહમાં કહ્યું કે, આજે આપણી શાળાઓમાં નૈતિક શિક્ષણની ખૂબ જરૂરિયાત છે. બાળકોને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડવા પડશે. હનુમાન ચાલીસા માત્ર આરાધના નહીં, પરંતુ જીવન જીવવાની પ્રેરણા છે. મારવાહે એમ પણ કહ્યું કે ઘણા રાજ્યોમાં શાળાઓમાં ગીતાના શ્લોક અથવા અન્ય સાંસ્કૃતિક પાઠ કરાવવામાં આવી રહ્યા છે, એટલે દિલ્હીમાં પણ તેની શરૂ કરી શકાય છે. કેટલાક નેતાઓએ તેને ધાર્મિક એજન્ડા થોપવાનો પ્રયાસ ગણાવ્યો. કેટલાકે કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા ધર્મનિરપેક્ષ હોવી જોઈએ. શાળાઓમાં ધાર્મિક ગ્રંથોનું શિક્ષણ બંધારણની ભાવના વિરુદ્ધ છે.
કયા રાજ્યોમાં થાય છે ધાર્મિક પાઠ?
મધ્ય પ્રદેશ
સરકારી શાળાઓમાં 'ભારત માતા કી આરતી' અને ક્યારેક-ક્યારેક ગાયત્રી મંત્રનો પાઠ કરાવવામાં આવે છે. પૂર્વવર્તી શિવરાજ સિંહ ચૌહાણ સરકાર દરમિયાન શાળાઓમાં સૂર્ય નમસ્કાર અને ધ્યાન સત્ર પણ અનિવાર્ય કરવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશ
કેટલાક જિલ્લાઓમાં, શાળાઓમાં 'ગાયત્રી મંત્ર', ‘વંદે માતરમ’ અને ‘ભજન’ જેવી ધાર્મિક-સાંસ્કૃતિક બાબતો કરવવામાં આવે છે, ખાસ કરીને સરસ્વતી વંદના સામાન્ય છે. જો કે, યોગી સરકારે તેને અનિવાર્ય કર્યું ન હોવા છતા, કેટલીક જગ્યાએ સ્થાનિક શાળા પ્રશાસન તેને પ્રોત્સાહિત કરે છે.
ઉત્તરાખંડ
સરકારી શાળાઓમાં મોટા ભાગે પ્રાર્થના સભાઓ દરમિયાન શાંતિ પાઠ, ગાયત્રી મંત્ર અને ક્યારેક-ક્યારેક હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવામાં આવે છે, ખાસ કરીને ગ્રામીણ અથવા ધાર્મિક વિસ્તારોમાં તે દૈનિક દિનચર્યા છે.
ગુજરાત
સરકારી અને કેટલીક ખાનગી શાળાઓમાં રામધૂન, ગાયત્રી મંત્ર અને વંદે માતરમ જેવી પ્રાર્થનાઓ થાય છે. શિક્ષણ વિભાગ તેને ફરજિયાત કરતો નથી પરંતુ સાંસ્કૃતિક વારસાના ભાગ રૂપે તેને મંજૂરી આપે છે.
કાયદો શું કહે છે?
બંધારણની કલમ 28(1) કહે છે કે, રાજ્ય સરકાર તરફથી સંચાલિત કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ વિશેષ ધર્મનું ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં, જ્યાં સુધી એ સંસ્થા કોઈ ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન હોય. જો કે, નૈતિક શિક્ષણ, સાંસ્કૃતિક પાઠ અને માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અથવા યોગને 'ધાર્મિક શિક્ષણ'ની શ્રેણીમાં ગણવામાં આવતા નથી, અને તેના આધારે ઘણા રાજ્યોમાં ધાર્મિક પ્રાર્થનાઓ થતી રહી છે.

