- Politics
- રીવાબા જાડેજાઃ 34 વર્ષની ઉંમરે 3 જ વર્ષમાં મંત્રીપદ મળ્યું, એન્જિ.ની ડિગ્રી ધરાવે છે, 97 કરોડની પ્રો...
રીવાબા જાડેજાઃ 34 વર્ષની ઉંમરે 3 જ વર્ષમાં મંત્રીપદ મળ્યું, એન્જિ.ની ડિગ્રી ધરાવે છે, 97 કરોડની પ્રોપર્ટી
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તરના ધારાસભ્ય (MLA) રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા (Rivaba Ravindrasinh Jadeja),મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ગુજરાત મંત્રીમંડળના મોટા ફેરબદલમાં મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
રીવાબા જાડેજાએ ભાનુબેન બાબરિયાની લીધી છે. રીવાબા જાડેજા, જેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે, તેઓ 8 ડિસેમ્બર 2022ના રોજ જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા .આ બેઠક પર ભાજપે તેમના અગાઉના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાને ડ્રોપ કરીને તેમને ટિકિટ આપી હતી.
રીવાબા જાડેજાનો જન્મ 2 નવેમ્બર 1990ના રોજ રાજકોટમાં થયો હતો. તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU), અમદાવાદમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે 2011માં આત્મિય કોલેજ, રાજકોટમાંથી મિકેનિકલનો ડિપ્લોમા પણ મેળવ્યો હતો.
રાજકારણમાં જોડાતા પહેલા, તેઓ રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના મહિલા પાંખના પ્રમુખ/વડા રહી ચૂક્યા છે.

રીવાબા જાડેજાએ માર્ચ 2019માં ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો, જે પહેલાં તેમણે અને તેમના પતિએ નવેમ્બર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ, રવિન્દ્ર જાડેજાએ તેમને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કર્યા હતા, કારણ કે તેઓ વડાપ્રધાન મોદીના માર્ગને અનુસરીને લોકો માટે કામ કરવા માંગતા હતા.
તેઓ 'શ્રી માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ' નામનું NGO ચલાવે છે, જે મહિલા સશક્તિકરણ અને મદદ કરવા પર કેન્દ્રિત છે. ભાજપમાં જોડાયા પછી, તેઓ જામનગરની આસપાસના ગામડાઓમાં સરકારી કલ્યાણકારી યોજનાઓ , સેનિટરી નેપકિન્સનું વિતરણ કરવા અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવવામાં મદદ કરવા જેવા કાર્યોમાં સક્રિય રહ્યા છે.
રીવાબા જાડેજાએ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા અને તેમને નિધ્યાના જાડેજા નામની એક પુત્રી છે. જોકે, 2022ની ચૂંટણી દરમિયાન તેમના પરિવારમાં વૈચારિક મતભેદો સપાટી પર આવ્યા હતા, જ્યારે તેમની નણંદ (નયનાબા જાડેજા) અને સસરા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

આ અંગે રીવાબાએ સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર 'વિચારધારાનો મામલો' છે, પારિવારિક કોઈ મતભેદ નથી. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ અને તેમના પતિ રવિન્દ્ર જાડેજા એક જ વિચારધારા ધરાવે છે અને એકબીજાને પૂરક છે. જો કે, ફેબ્રુઆરી 2024માં તેમના સસરાએ લગ્ન પછી સંબંધો બગડ્યા હોવાનો દાવો કર્યો હતો, જેને રવિન્દ્ર જાડેજાએ "અર્થહીન અને અસત્ય" ગણાવીને ફગાવી દીધો હતો.
2022ની ચૂંટણીમાં રજૂ કરાયેલા સોગંદનામા મુજબ, રીવાબા જાડેજાની કુલ જાહેર કરેલ સંપત્તિ ₹97,35,59,222 (લગભગ 97 કરોડથી વધુ) હતી.

