- Politics
- ગુજરાત BJPમાં પાટીલ યુગ પૂરો, તેમના ખાસ MLA સંદીપ દેસાઇ, સંગીતા પાટીલનું શું થશે?
ગુજરાત BJPમાં પાટીલ યુગ પૂરો, તેમના ખાસ MLA સંદીપ દેસાઇ, સંગીતા પાટીલનું શું થશે?
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલે પદ સંભાળી લીધું છે. સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકે 5થી વધુ વર્ષ પૂર્ણ થયા. હવે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પાટીલ યુગનો અંત થયો. આખા ગુજરાતમાં જે તેમનો દબદબો હતો તે હવે ખતમ થઇ ગયો છે. જોકે, તેઓ હાલ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી છે. બિહાર ચૂંટણીના સહપ્રભારી પણ છે. એટલે હવે તેઓ કેન્દ્રના રાજકારણમાં સક્રિય છે અને રહેશે. જોકે, સૂરત અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ તેઓ સૌથી પાવરફૂલ નેતા તરીકે ગણાય છે. સૂરતના ભાજપ પ્રમુખ પરેશ પટેલ તેમના ખાસ માણસ છે. પરંતુ હવે પાટીલની ઊંમર 70 વર્ષની થઇ છે. આગામી લોકસભાની ચૂંટણી સુધી તેમની ઉંમર પણ 75 વર્ષની થઇ જશે. એટલે કે આનંદીબેન પટેલની જેમ ભાજપમાં માર્ગદર્શક મંડળમાં જવાની કે ગર્વનર બનવાની ઊંમર નજીક છે. તો શું આગામી 4 વર્ષમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી પણ પાટીલ યુગનો અંત થઇ જશે?

કહેવાય છે કે તેમના દીકરા જિગ્નેશ પાટીલને ચૂંટણીલક્ષી રાજકારણમાં એન્ટ્રી કરાવવાની તૈયારી થઇ રહી છે. આ ઉપરાંત તેમના સૌથી વિશ્વાસુ અને ખાસ ગણાતા છોટુભાઇ પાટીલ પણ ચૂંટણી લડે તેમ કહેવાઇ રહ્યું છે. બન્ને ને આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં લડાવાય તો નવાઇ નહીં. પરંતુ આ તો હજુ પ્લાનિંગ છે.
પરંતુ હાલમાં પણ ગુજરાતના રાજકારણમાં તેમની તાકાત જળવાઇ રહે તે માટે બે સૈનિકો તેમની પાસે છે. એક તો છે સંગીતા પાટીલ. જે સૂરતમાં લિંબાયત વિધાનસભામાંથી ધારાસભ્ય છે. તેઓ 3જી વારના ધારાસભ્ય છે. એટલે તેમને સિનિયર ધારાસભ્ય કહી શકાય. જાણકારો કહે છે કે હવે જ્યારે સી.આર. પાટીલ ગુજરાતના પ્રાદેશિક રાજકારણમાંથી દૂર થયા છે ત્યારે તેમના સૈનિક ગણાતા સંગીતા પાટીલની શક્તિ વધે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. આગામી સમયમાં ગુજરાત સરકારમાં ફેરફારો થવાના છે. સરકારમાં જે ફેરફારો થશે તેમાં સંગીતા પાટીલને કોઇ મંત્રીપદ મળે તેવી શક્યતા છે. આ માટે પાટીલ પ્રયત્નો કરે તે સ્વાભાવિક છે.

આ ઉપરાંત બીજા સૈનિક છે સંદીપ દેસાઇ. તેઓ ચોર્યાસી વિધાનસભા સીટ પરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. સૂત્રો કહે છે કે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં જો કોઇ નેતા ખૂબ જ ઝડપથી આગળ આવ્યા હોય તો તે છે સંદીપ દેસાઇ. તેઓ સૂરત જિલ્લાના રાજકારણમાંથી સૂરત શહેરમાં હવે એક શક્તિશાળી નેતા તરીકે ધીરે ધીરે સ્થાપિત થઇ રહ્યા છે. તેઓ સહકારી ક્ષેત્રના પણ ઊંડા ખેલાડી છે. એટલે સૂરતમાંથી ગુજરાત મંત્રીમંડળમાં કોઇ પદ મળે તો તેમાં સંદીપ દેસાઇની લાયકાત સૌથી વધારે હોવાનું કહેવાઇ રહ્યું છે. લાયકાત હોવા ઉપરાંત સી.આર. પાટીલના પણ ખાસમખાસ હોવાથી તેમના મંત્રીપદ મળે તેવા પ્રયત્નો કરાઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.
જો, આ બન્નેમાંથી કોઇ એકને પણ મંત્રીપદ મળે તો સી.આર. પાટીલની તાકાત રાજ્યના રાજકારણમાં પણ કેટલેક અંશે ટકી રહેશે. એવું નક્કી થઇ જશે કે ભલે તેઓ પ્રદેશના અધ્યક્ષ નથી રહ્યા પરંતુ આજે પણ તેમની પાસે તેમના ખાસ લોકોને મંત્રીપદ અપાવવાની તાકાત છે.

