- Russia-Ukraine Conflict
- યુક્રેન પર રશિયાના હુમલા બાબતે ફ્રાન્સે ભારતને આપી સલાહ-જો જો આ વખતે ધ્યાન રાખજો
યુક્રેન પર રશિયાના હુમલા બાબતે ફ્રાન્સે ભારતને આપી સલાહ-જો જો આ વખતે ધ્યાન રાખજો
ફ્રાન્સે કહ્યું છે કે ભારતે રશિયાના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વધુ શક્તિશાળી ભૂમિકા ભજવવી જોઇએ. ભારતમાં ફ્રાન્સના રાજદુત ઇમેન્યુઅલ લેનિને મંગળવારે કહ્યું કે ફ્રાન્સ એવં ઇચ્છે છે કે ભારત કોઇ પણ જાતના પક્ષપાત વગર પોતાનું સ્ટેન્ડ તમામની સામે રાખે.યુક્રેનમાં રશિયન હુમલા પછી ઉભી થયેલી માનવતાવાદી કટોકટીની ચર્ચા કરવા માટે ફ્રાન્સ યુએન સુરક્ષા પરિષદમાં ઠરાવ લઇને આવ્યું છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં ફ્રાન્સના રાજદુતે કહ્યું કે ફ્રાન્સ સ્વાયત્તતા પર ભારતના ફોકસને સમજે છે. પરંતુ યુક્રેનની કાર્યવાહી બિનજરૂરી રીતે આક્રમક હતી. ફ્રાન્સને આશા છે કે યુએન સુરક્ષા પરિષદની આગામી બેઠકમાં ભારત વધુ મજબુત રીતે પોતાની વાત રાખશે. તેમણે કહ્યું કે ભારત યુએનએસસીમાં એક શક્તિશાળી અવાજ છે. તેથી આગામી બેઠકોમાં તેનો વોટ તેના શબ્દો સાથે મેળ ખાય તે મહત્વપૂર્ણ છે.
ભારતે અત્યાર સુધી યુએનની અલગ અલગ સંસ્થાઓમાં યુક્રેન સંબંધિત તમામ 6 ઠરાવો પર મતદાન કરવાનું ટાળ્યું છે. ભારતે હજુ સુધી યુક્રેનમાં રશિયન હુમલાની નિંદા કરી નથી. જો કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર. આંતરરાષ્ટ્રીય કાયદા, દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા હાકલ કરી છે. લેનિને કહ્યું કે ફ્રાન્સ પણ રશિયા સાથે વાતચીત કરી રહ્યું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને છેલ્લાં મહિનામાં 11 વખત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. લેનિને કહ્યું કે મંત્રણા છતા ફ્રાન્સે રશિયા પર દબાણ લાવવા માટે પ્રતિબંધોનું સમર્થન કર્યું છે.
તેમણે કહ્યું કે અમે ભારત જેવા જ છીએ. અમે સાર્વભોમ દેશ છીએ. અને પોતાની તાકાત પર જ નિર્ણય લેવાનું પંસદ કરીએ છીએ. અમે પુરી રીતે સમજીએ છીએ અને એ વાતનું સન્માન પણ કરી છીએ કે ભારત પણ આવું જ કરે છે. પરંતુ જયારે કોઇ આક્રમણ થતું હોય ત્યારે તમારી સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે. અમને નથી લાગતું કે આ માત્ર બે દેશો વચ્ચેનું યુદ્ધ છે.
લેનિને કહ્યું કે કોઇ પણ ઉશ્કેરણી વિના લોકશાહી સામે આ એક અલોકતાંત્રિક દેશની લડાઇ છે. યુક્રેનમાં NATO સેનાઓ નહીં હતી અને યુક્રેનને NATOમાં સામેલ કરવાની કોઇ યોજના નહોતી. લેનિને કહ્યું કે અમે ફ્રાન્સ યુક્રેનના લોકો અને રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સકીના સાહસનું સન્માન કરીએ છીએ.
ફ્રાન્સના રાજદુતે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દેશોના જંગી મતથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે ભારત પણ તેમાં સામેલ થાય. તેમણે ઉમેર્યું હતું કે ફ્રાન્સ અને યુરોપિયન યુનિયન ઇચ્છે છે કે તેમના સહયોગીઓએ મૂલ્યોને જાળવી રાખે કે જેના પર તેમના સંબધો આધારિત છે.યુરોપિયન યુનિયનનું પ્રમુખપદ હાલમાં ફ્રાન્સ પાસે છે અને ભારત સાથે ફ્રાન્સના સંબંધો પણ ખુબ જ મજબુત છે. રાજદુતે કહ્યું કે ફ્રાન્સ રશિયા સાથે યુદ્ધમાં નથી અને રશિયાના લોકો સાથે સંબંધ ધરાવે છે. લેનિને કહ્યુંકે અમને એવી આશા છે કે યુક્રેનને માનવીય સહાયતાની અમારી દરખાસ્તમાં વધારે ને વધારે દેશોનું સમર્થન મળે.

