સુરતનો મુકુંદ માવાણી યૂટ્યૂબના વીડિયો જોઈ બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પૂ બનાવતો
સુરત જિલ્લામાં નકલી શેમ્પૂના કૌભાંડો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં કામરેજ તાલુકાના નવાગામ ખાતે આવેલ નવકાર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-1 માંથી મોટા પ્રમાણમાં નકલી શેમ્પૂનો જથ્થો ઝડપાયો છે. મળેલી ગુપ્ત માહિતીના આધારે કામરેજ પોલીસે ગોડાઉનમાં દરોડો પાડી અંદરથી હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડના હજારો નકલી શેમ્પૂની બોટલો જપ્ત કરી હતી. ગોડાઉનમાં હાજર મુકુંદ હસમુખભાઈ માવાણી પાસેથી કોઈ પણ પ્રકારની પ્રમાણભૂત પરવાનગી કે ઓથોરાઈઝેશન ન મળતાં પોલીસે તરત જ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નકલી શેમ્પૂની ઓળખ કેવી રીતે થઇ?
શંકાસ્પદ શેમ્પૂની બોટલોની તલાશી દરમિયાન કંપનીના ઓથોરાઈઝ્ડ પ્રતિનિધીએ જણાવ્યું કે બોટલના નીચેના ભાગે હકીકત દર્શાવતો P&G કંપનીનો એંબોસ્ડ લોગો હાજર ન હતો. બોટલ પર બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ તારીખ કે એક્સપાયરી ડેટ પણ ના હોવાથી આ ઉત્પાદન સંપૂર્ણપણે નકલી હોવાનું પત્રકારો સામે સ્પષ્ટ થયું હતું. સાથે જ આરોપી મુકુંદે કંપની પાસેથી કોઈ ડિલરશીપ પણ લીધી ન હોવાની માહિતી મળી હતી.
49.76 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીની ધરપકડ
પોલીસે સ્થળ પરથી હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડના 4115 નકલી બોટલ, 30 સ્ટીકર વગરની બોટલ અને પેન્ટીન શેમ્પૂની 50 બોટલો મળી કુલ 49.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી મુકુંદ હસમુખભાઈ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે.
યુટ્યુબ પરખી શીખ્યો હતો શેમ્પૂ બનાવતા
23 વર્ષીય મુકુંદ માવાણી મૂળ બોટાદ જિલ્લાનો વતની છે અને હાલ લસકાણા વિસ્તારમાં રહે છે. તેણે માત્ર ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો છે અને તેને નકલી શેમ્પૂ બનાવવાની રીત યૂટ્યુબ પરથી શીખી હતી. કામરેજના નાવાગામ ખાતે ભાડાની જગ્યા લઈ ગોડાઉન શરૂ કર્યું હતું, જ્યાં લૂઝ મટીરીયલ લાવી નકલી શેમ્પૂ બનાવતો હતો. શરૂઆતમાં તેણે આ પ્રોડક્ટ ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રાહકોની ફરિયાદ બાદ માલ રિજેક્ટ થયો હતો.
હોલસેલ વેચાણની તૈયારીમાં હતો, પોલીસ પહોંચી ગઈ
ફ્લિપકાર્ટ પરથી વેચાણ બંધ થતા હવે તેણે નકલી માલ હોલસેલ વેપારીઓને સપ્લાય કરવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ એ પહેલા જ પોલીસના દરોડામાં સમગ્ર કૌભાંડ પકડાઈ ગયું.
ત્રણ મહિના પહેલાં અમરોલીમાં પણ કૌભાંડ પકડાયું હતું
આ પહેલા પણ, ત્રણ મહિના પહેલાં સુરતના અમરોલીના વરિયાવમાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતી એક કંપની પકડાઈ હતી.જાણીતી કંપનીના સ્ટીકર લગાવી 8 વર્ષથી નકલી શેમ્પૂ વેચાણ કરનાર ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડામાં 16.39 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં હિતેશ ધીરુભાઈ શેઠ નામના 50 વર્ષીય ઇસમની ધરપકડ કરવામાં આવી હતી, જે જણાવ્યા મુજબ માત્ર 12000 રૂપિયાની નોકરી કરતો કલાર્ક હતો. આ ફેક્ટરી ડેનિશ વિરાણી અને જૈમીલ ગાબાણી ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું, જેમને પણ ઝડપવામાં આવ્યા હતા.
આ ઘટનાઓથી સ્પષ્ટ છે કે સુરત જિલ્લો હવે નકલી પ્રોડક્ટના વેપાર માટે ડાર્ક ઝોન બની રહ્યો છે. પોલીસ અને કંપનીઓ વચ્ચે વધુ મજબૂત સહયોગ અને ચુસ્ત કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આવી પ્રવૃત્તિઓ રોકાતી જોવા નહીં મળે.

