- Sports
- T20 વર્લ્ડ કપ રમવા ભારત આવવાની બાંગ્લાદેશે ના પાડી દીધી, આપ્યું આ કારણ
T20 વર્લ્ડ કપ રમવા ભારત આવવાની બાંગ્લાદેશે ના પાડી દીધી, આપ્યું આ કારણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 3 જાન્યુઆરીએ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રીલિઝ કરવાનો આદેશ આપ્યો હતો. BCCIના કહેવા પર KKRએ પણ મુસ્તફિઝુરને રીલિઝ કરી દીધો છે. BCCIએ બાંગ્લાદેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. આના પર બાંગ્લાદેશે મોટો નિર્ણય લેતા T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવાની જ ના પાડી દીધી છે. બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઇઝર આસિફ નજરુલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય અને અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, ભારતીય ક્રિકેટ બોર્ડની આક્રમક સાંપ્રદાયિક નીતિઓના જવાબમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ તેની બધી મેચો ભારતથી શ્રીલંકામાં શિફ્ટ કરવા માંગે છે. BCB આ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને પત્ર લખવાનું છે. 7 ફેબ્રુઆરીથી ICC T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત ભારત અને શ્રીલંકામાં થવાની છે.
ESPNcricinfoના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં ICCને પત્ર લખી શકે છે. બોર્ડ આ પત્રમાં કોલકાતામાં ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવશે. બાંગ્લાદેશની પ્રથમ 3 વર્લ્ડ કપ મેચ કોલકાતામાં થવાની છે. એવામાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ત્યાં તેના ખેલાડીઓની સુરક્ષાની ચિંતા છે.
BCB મીડિયા કમિટીના ચેરમેન અમજદ હુસૈને ESPNcricinfoને જણાવ્યું હતું કે, ‘કોલકાતામાં T20 વર્લ્ડ કપની 3 મેચ છે, એટલે અમે આજે જે કંઈ પણ થયું તે અંગે ICCને લખીશું.’ બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઇઝર આસિફ નજરુલે ફેસબુક પર લખ્યું હતું કે, ‘મેં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને ICCને આ મામલાને સમજાવવા કહ્યું છે. બોર્ડે એ બતાવવું જોઈએ કે જો કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર કરાર હોવા છતા ભારતમાં રમી શકતો નથી, તો આખી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ રમવા માટે ત્યાં જઈને સુરક્ષિત અનુભવી નહીં શકે. મેં બોર્ડને એવો પણ નિર્દેશ આપ્યો છે કે, તે બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં આયોજિત કરવાનો અનુરોધ કરે.’
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના ઘણા બનાવો સામે આવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. તાજેતરના દિવસોમાં KKR અને તેના સહ-માલિક શાહરૂખ ખાનને પણ બાંગ્લાદેશી ખેલાડી ખરીદવા બદલ નિશાન બનાવવામાં આવ્યો હતો. એવામાં, BCCIએ ફ્રેન્ચાઇઝીને મુસ્તફિઝુર રહેમાનને રીલિઝ કરવાનો આદેશ આપ્યો, જેને KKR દ્વારા IPL 2026ના મિની-ઓક્શનમાં 9.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

