- Sports
- હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ
હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પાછા ફરવાની રાહ જોઈ રહેલા ચાહકોને થોડી વધુ રાહ જોવી પડી શકે છે. હાર્દિક પોતાની પાછલી ઈજામાંથી સ્વસ્થ થવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને જ્યારે મેદાનમાં પાછો ફરવાનો હતો ત્યારે હવે નવી ઈજા થઈ છે. અહેવાલો અનુસાર, બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે તાલીમ દરમિયાન હાર્દિકને પગમાં ઈજા થઈ હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના પાછા ફરવામાં વિલંબ થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે 3 મેચની T20I શ્રેણી રમવાનું છે. એવી અપેક્ષા છે કે, પસંદગીકારો આ અઠવાડિયે નવી દિલ્હીમાં T20I મેચો માટે ટીમ પસંદ કરવા માટે મળશે અને ટૂંક સમયમાં બેંગલુરુમાં સ્વસ્થ થઈ રહેલા ખેલાડીઓની ફિટનેસ સ્થિતિ અંગે અપડેટ કરવામાં આવશે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા કોઈ સમસ્યા વિના સંપૂર્ણ ગતિએ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, પરંતુ પગની સમસ્યાને કારણે, તેને થોડા સમય માટે બોલિંગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તે ટૂંક સમયમાં બોલિંગ ફરી શરૂ કરશે, પરંતુ અફઘાનિસ્તાન શ્રેણી માટે જરૂરી ફિટનેસ સ્તર સુધી પહોંચવા માટે ખૂબ જ ઓછો સમય બાકી છે. આ બાબત પર નજીકથી નજર રાખતા એક સૂત્ર કહે છે કે, 'બેટિંગ અને મૂવમેન્ટમાં કોઈ મોટી સમસ્યા નહોતી, પરંતુ CoEને મંજૂરી આપતા પહેલા સંપૂર્ણપણે સંતુષ્ટ થવાની જરૂર પડશે.'
હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયા માટે ખુબ મહત્વનો ખેલાડી માનવામાં આવે છે. તે આગામી વર્ષના 50-ઓવરના વર્લ્ડ કપમાં પણ મહત્વનો ખેલાડી બની શકે છે. આ સંદર્ભમાં, તેની ફિટનેસ ખુબ જ મહત્વપૂર્ણ છે. જો કે, તે છેલ્લા બે થી ત્રણ વર્ષથી ઇજાઓથી પીડાય છે. 2018માં તેને પીઠની ઇજા થઈ હતી, જેના કારણે તેને ટેસ્ટ ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. તેનું ધ્યાન મર્યાદિત ઓવરના ફોર્મેટ પર છે, પરંતુ છેલ્લા બે થી ત્રણ વર્ષમાં ઈજાને કારણે તે ઘણી મેચો ચૂકી ગયો છે.
હાર્દિક પંડ્યા છેલ્લે 8 માર્ચ, 2026ના રોજ ભારત માટે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં રમ્યો હતો. ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. ODIમાં, હાર્દિકે આ ફોર્મેટમાં ભારત માટે છેલ્લી મેચ 9 માર્ચ, 2025ના રોજ રમી હતી. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તે લાંબા સમયથી બહાર છે. હાર્દિકે છેલ્લી ટેસ્ટ 2018માં રમી હતી.

