- Sports
- ભારતે પાકિસ્તાનને હરાવી 9મી વાર એશિયા કપ જીત્યો, પરંતુ ટ્રોફી સ્વીકારવામાં વિવાદ
ભારતે પાકિસ્તાનને હરાવી 9મી વાર એશિયા કપ જીત્યો, પરંતુ ટ્રોફી સ્વીકારવામાં વિવાદ
ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને એશિયા કપ 2025માં ઐતિહાસિક નવમી જીત મેળવી. પરંતુ ફાઈનલ પછીના પુરસ્કાર વિતરણ સમારંભમાં અચાનક વિવાદ ઉભો થયો, જ્યારે ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાની ના પાડી દીધી.
પુરસ્કાર વિતરણમાં તણાવ
મેચ પછી નકવી સ્ટેજ પર ટ્રોફી લઈને ઊભા રહ્યા, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. એક કલાક સુધી ચર્ચા ચાલી, પરંતુ ભારત પોતાના નિર્ણય પર અડગ રહ્યું. ભારતીય ટીમે પ્રસ્તાવ મૂક્યો કે ટ્રોફી યુએઈ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ખાલિદ અલ ઝરોની અથવા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ આપે, પરંતુ નકવીએ એ વાત નકારી કાઢી.
ટ્રોફી હેડક્વાર્ટરમાં જમા
પરિસ્થિતિ એટલી તંગ બની કે નકવી સ્ટેજ છોડીને બહાર નીકળી ગયા. ACCના અધિકારીઓ પણ ટ્રોફી લઈને તેમના પાછળ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રોફી ACCના દુબઈ હેડક્વાર્ટરમાં જમા રાખવામાં આવી છે.
અનોખી ઉજવણી
ટ્રોફી વિના જ ભારતીય ટીમે પોતાની જીતનો જશ્ન મનાવ્યો. ખેલાડીઓએ મેદાનમાં હાથ ઉપર ઉંચા કરીને “કાલ્પનિક ટ્રોફી” ઉઠાવવાનો પોઝ આપ્યો અને પછી સોશિયલ મીડિયા પર કોફીના કપ અને ટ્રોફી ઈમોજી સાથેની તસવીરો શેર કરી.
રાજકીય છાપ?
નકવી પાકિસ્તાનમાં પ્રભાવશાળી રાજકીય નેતા છે અને તેમના ભારત-વિરોધી નિવેદનો માટે ચર્ચામાં રહે છે. એવું માનવામાં આવે છે કે આ મુદ્દે તેઓએ પોતાના દેશની છબિ બચાવવા માટે જ ટ્રોફી આપવા પર અડગ રહેવાનો નિર્ણય કર્યો હતો.

