- Sports
- સાઇના નેહવાલની નિવૃત્તિ, ઓલિમ્પિક સહિત બેડમિન્ટનના આ ઇવેન્ટમાં 18 મેડલ જીત્યા
સાઇના નેહવાલની નિવૃત્તિ, ઓલિમ્પિક સહિત બેડમિન્ટનના આ ઇવેન્ટમાં 18 મેડલ જીત્યા
સાઇના નેહવાલે બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સાઇનાએ 2023માં પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ઘૂંટણની ઇજા સામે ઝઝૂમી રહી હતી, જેના કારણે તેણે આખરે બેડમિન્ટનને અલવિદા કહી દીધું. સાઇનાની કારકિર્દીનું સૌથી મોટું મેડલ 2012 લંડન ઓલિમ્પિકમાં આવ્યું હતું, જ્યાં તેણે બ્રોન્ઝ જીત્યું હતું. તે બ્રોન્ઝને પોતાના નામે કરતા જ સાઇના ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ગઈ હતી.
સાઇના નેહવાલે પોતાની નિવૃત્તિને લઈને પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘તેનું શરીર હવે સાથ આપી રહ્યું નહોતું, એવામાં તે પોતાની રમત રમવાની ચાલુ નહીં રાખી શકે. તેણે પોતાની શરતો પર રમત રમવાનું શરૂ કર્યું હતું અને પોતાની શરતો પર જ વિદાઇ લેશે. એવામાં નિવૃત્તિની જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. સાઇનાએ જણાવ્યું કે તેણે ઘૂંટણ ખરાબ થવાને કારણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. તેના મતે, ખરાબ ઘૂંટણને કારણે હાઇ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ કરવી સરળ નહોતી.
સાઇના નેહવાલે 2012 લંડન ઓલિમ્પિકમાં તો બ્રોન્ઝ મેડલ જીત્યું જ, પરંતુ અન્ય બેડમિન્ટન ઇવેન્ટ્સમાં પણ અનેક મેડલ જીત્યા છે. ભારતની સ્ટાર શટલર, સાઇના નેહવાલે ઓલિમ્પિક સહિત 7 મુખ્ય બેડમિન્ટન ઇવેન્ટ્સમાં કુલ 18 મેડલ જીત્યા છે. સાઇના નેહવાલે વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીત્યા હતા, જેમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
તેણે એશિયન ચેમ્પિયનશિપમાં 3 બ્રોન્ઝ મેડલ અને ઉબર કપમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ સહિત 5 મેડલ જીત્યા હતા, જેમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે. સાઇનાએ એશિયન ગેમ્સમાં પણ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સાઇનાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યું છે.
સાયના નેહવાલ 2015માં વિશ્વની નંબર-1 શટલર પણ રહી. પુરસ્કારોની વાત કરીએ તો સાઇના નેહવાલને વર્ષ 2009માં અર્જૂન એવોર્ડ અને વર્ષ 2010માં મેજર ધ્યાનચંદ એવોર્ડથી નવાજવામાં આવી હતી. વર્ષ 2010માં જ તેને પદ્મશ્રી અને પછી 2016માં તેને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી.

