- Sports
- ‘મારા દીકરાને ઇગ્નોર કરવામાં આવે છે, બીજા ખેલાડીઓને..’, સિલેક્ટર્સ પર કેમ રોષે ભરાયા વોશિંગટન સુંદરન...
‘મારા દીકરાને ઇગ્નોર કરવામાં આવે છે, બીજા ખેલાડીઓને..’, સિલેક્ટર્સ પર કેમ રોષે ભરાયા વોશિંગટન સુંદરના પિતા?
વોશિંગટન સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતાં અણનમ સદી ફટકારી અને ભારતને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં મદદ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે રવિન્દ્ર જાડેજા સાથે મળીને 200 રનની ભાગીદારી કરી અને 206 બોલમાં 101 રન બનાવીને અણનમ પાછો ફર્યો. આ પ્રદર્શન બાદ પણ તેના પિતા એમ. સુંદરે સિલેક્ટર્સ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેના દીકરાને સતત તકો આપવામાં આવતી નથી.
વોશિંગટન સુંદરે જાન્યુઆરી 2021માં ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું, જે ભારત માટે ઐતિહાસિક જીત સાબિત થઈ હતી. જોકે, ત્યારબાદ તેણે અત્યાર સુધી માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી મોટાભાગની છેલ્લા 12 મહિનામાં આવી છે. માન્ચેસ્ટર ટેસ્ટની બીજી ઇનિંગમાં રિષભ પંતની ઈજાને કારણે, વોશિંગટન સુંદરને નંબર 5 પર બેટિંગ કરવાની તક મળી. તેણે આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને શાનદાર ટેક્નિકથી બેટિંગ કરી. તેના પ્રદર્શન બાદ તેના પિતાએ સ્પષ્ટ કહ્યું કે સુંદરને સતત 5-10 મેચ રમવાની તક આપવી જોઈએ.
શું બોલ્યા વોશિંગટન સુંદરના પિતા?
એમ. સુંદરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘વોશિંગટન સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે છતા તેની અવગણના કરવામાં આવે છે. અન્ય ખેલાડીઓને સતત તકો મળે છે, પરંતુ મારા દીકરાને નહીં. તે 2021માં ચેન્નાઈમાં ટર્નિંગ પીચ પર ઇંગ્લેન્ડ સામે અણનમ 85 રન બનાવી ચૂક્યો છે અને અમદાવાદમાં પણ 96* રન બનાવ્યા હતા. જો તેણે બંને ઇનિંગ્સમાં પણ સદી ફટકારી હોત, તો પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોત. શું અન્ય કોઈ ભારતીય ખેલાડી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો છે? હવે વોશિંગટન માનસિક રીતે વધુ મજબૂત થઈ ગયો છે અને તેનું જ પરિણામ આજે લોકો જોઈ રહ્યા છે.’

