- Sports
- શોએબ અખ્તરે જણાવ્યું- T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે કોણ ગેમ ચેન્જર સાબિત થશે
શોએબ અખ્તરે જણાવ્યું- T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે કોણ ગેમ ચેન્જર સાબિત થશે
2026નો T20 વર્લ્ડ કપ આગામી મહિને 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરશે, જેની ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે, જેમાં અભિષેક શર્મા અને જસપ્રીત બૂમરાહ જેવા મેચ વિનર ખેલાડીઓ હશે. પરંતુ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે અભિષેક શર્મા કે જસપ્રીત બૂમરાહ નહીં, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ભારત માટે T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ગેમ-ચેન્જર સાબિત થશે.
ભારતનો T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. તેણે 2025માં રમાયેલી 19, T20 ઇનિંગ્સમાં માત્ર 218 રન જ બનાવ્યા હતા. ગયા વર્ષે તેની સરેરાશ માત્ર 13.63 હતી. આમ છતા શોએબ અખ્તરનું માનવું છે કે સૂર્યકુમાર યાદવ 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સૌથી મોટો સ્ટાર બનીને ઉભરી આવશે.
શોએબ અખ્તરે PTV સ્પોર્ટ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી અને T20 વર્લ્ડ કપ જીતવા માટે એક મજબૂત દાવેદાર નજરે પડે છે. અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે જો ભારતીય ટીમે વર્લ્ડ કપ જીતવો હોય, તો કેપ્ટન સૂર્યકુમાર યાદવે રન બનાવવા જ પડશે, જે પાકિસ્તાનના બોલરના મતે ભારતીય ટીમ માટે મોટો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અખ્તરે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભારતે વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય, તો કેપ્ટને કોઈપણ કિંમતે રન બનાવવા જ પડશે.
સૂર્યકુમાર યાદવે ભારતીય T20 કેપ્ટન બન્યા બાદ એક પણ શ્રેણી હાર્યો નથી. સૂર્યકુમારની કેપ્ટન્સી હેઠળ, ભારતે 38માંથી 28 T20 મેચ જીતી છે અને માત્ર 6 મેચ જ હારી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનો જીતનો દર 80.55 છે. પરંતુ, કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવના વ્યક્તિગત પ્રદર્શનમાં ઘટાડો થયો છે.

