- World
- બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર યુરોપના આ દેશે ચીની કંપની કબ્જે કરી; ટ્રમ્પે ડ્રેગનને નવું ટેન્શન આપ્ય...
બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર યુરોપના આ દેશે ચીની કંપની કબ્જે કરી; ટ્રમ્પે ડ્રેગનને નવું ટેન્શન આપ્યું!
બીજા વિશ્વયુદ્ધ પછી હાલમાં યુરોપમાં એવું બન્યું કે જેની તમે કલ્પના પણ ન કરી શકો. પરંતુ ડચ સરકારે કંઇક એવા પ્રકારની જ હરકત કરી છે. તમે તમારા મગજ પર વધારે જોર આપો તે પહેલા ચાલો અમે તમને બતાવી દઈએ કે નેધરલેન્ડ્સે ચીનની એક બહુ મોટી કંપની પર પોતાનો કબજો કરી લીધો છે. ડચ સરકારે 'ગુડ્સ અવેલેબિલિટી એક્ટ' નામના શીત યુદ્ધના કાયદાનો ઉપયોગ કરીને પહેલી વાર આવો કબજો સંભાળ્યો છે, આ લગભગ 73 વર્ષ જૂનો કાયદો છે. એટલું જ નહીં, બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં કોઈ વિદેશી કંપનીના સરકારી કબજાનો આ પહેલો કિસ્સો છે.
નેક્સપેરિયા એ નેધરલેન્ડ્સના નિજમેગનમાં સ્થિત ડચ ચિપ ઉત્પાદક કંપની છે. તે કાર, મોબાઇલ ફોન અને ગ્રાહક ગેજેટ્સ માટે સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરે છે. આ ચિપ્સ યુરોપની ટેક ચેઇનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે 20 વર્ષ પહેલાં તેને ફિલિપ્સથી અલગ કરવામાં આવી હતી, પરંતુ 2019માં, ચીનની વિંગટેક ટેકનોલોજીએ તેને હસ્તગત કરી. તેથી હવે, આ કંપની ચીનની કહેવાય છે, પરંતુ તેનું મૂળ હજુ પણ યુરોપમાં છે.
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, 'ડચ સરકારે ચીનની માલિકીની કમ્પ્યુટર ચિપ ઉત્પાદક કંપની નેક્સપેરિયા પરનું નિયંત્રણ પોતાના કબ્જામાં લઇ લીધું છે, જેનાથી વૈશ્વિક બૌદ્ધિક સંપદા યુદ્ધ શરૂ થયું છે. જેમાં ચીન બધાનો દુશ્મન છે. આનો અર્થ એ છે કે, ચિપના મુદ્દાઓને લઈને દરેક દેશમાં બેઇજિંગ સાથે તણાવ વધ્યો છે.
જે રીતે ડચ સરકારે નેક્સપેરિયા પર કબજો મેળવ્યો, તે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં પહેલી વાર બન્યું છે. આ કાયદાનો ઉપયોગ શીત યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે, ડચ આર્થિક બાબતોના મંત્રાલયે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી, જેમાં કહ્યું કે તેઓએ 'ગુડ્સ અવેલેબિલીટી કાયદો' નામનો એક જૂનો, ભાગ્યે જ ઉપયોગમાં લેવાતો કાયદો લાગુ કર્યો છે. 'ગુડ્સ અવેલેબિલીટી કાયદો'એ ખૂબ જ જૂનો કાયદો છે, જે કટોકટીમાં માલના પુરવઠાને સુરક્ષિત રાખવા માટે રચાયેલ છે.
આ કાયદાના આધારે, ડચ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'ચીની કંપનીના શાસનમાં ગંભીર ખામીઓ છે, જે ડચ અને યુરોપિયન ભૂમિ પર મહત્વપૂર્ણ તકનીકી જ્ઞાનને જોખમમાં મૂકે છે.' આનો અર્થ એ છે કે, ટેકઓવર માટે ડચ સરકારનો કાર્યસૂચિ ખૂબ જ સ્પષ્ટ છે: તેનો હેતુ યુરોપિયન તકનીકી જ્ઞાનને કોઈપણ કિંમતે ચીનમાં ટ્રાન્સફર થતું અટકાવવાનો છે. આ સાથે જ, આર્થિક બાબતોના મંત્રી હવે કંપનીના નિર્ણયોને અટકાવી કરી શકે છે અથવા પલટી શકે છે, જો તે કંપની, ડચ-યુરોપિયન ભવિષ્ય અથવા મૂલ્ય શૃંખલાને નુકસાન પહોંચાડે છે અને સૌથી સારી વાત એ છે કે, નિયમિત ઉત્પાદન તો ચાલુ રહેશે.
ચીની પેરેન્ટ કંપની, વિંગટેકે, ડચ સરકારના આ પગલાનો સખત વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 'આ વાણિજ્યિક મુદ્દાઓનું રાજકીયકરણ છે.' તેમણે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, આ 'ભૌગોલિક રાજકીય પૂર્વગ્રહ પર આધારિત અતિશય હસ્તક્ષેપ છે, હકીકતો પર નહીં.' તેમનુ કહેવું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા બહાનું પાયાવિહોણું છે, જેના પગલે વિંગટેકના શેર શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ પર 10 ટકા ઘટી ગયા. કંપનીએ જણાવ્યું હતું કે, જ્યારે તેનું નિયંત્રણ 'કામચલાઉ પ્રતિબંધિત' છે, ત્યારે તેના આર્થિક લાભો તેમની પાસે જ રહેશે. તેઓ કાનૂની સહાય મેળવશે, શેરધારકોના અધિકારોનું રક્ષણ કરશે અને ચીની સરકાર પાસેથી સમર્થન મેળવશે. નેક્સપેરિયાએ હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.
આ ઘટનાએ ચિપ્સ જેવી અદ્યતન ટેકનોલોજીના નિયંત્રણ માટે ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ માટે આગ લગાવવાનું કામ કર્યું છે. આ ઘટના ચીન અને પશ્ચિમ વચ્ચેના ટેક યુદ્ધનો એક ભાગ છે. લોકો ડચ સરકારના આ પગલા માટે ટ્રમ્પને દોષી ઠેરવી રહ્યા છે, કારણ કે ટ્રમ્પે ગયા અઠવાડિયે જ ચીની માલ પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. ટ્રમ્પનું ધ્યાન ખાસ કરીને ચીનના રેયર અર્થ નિકાસ નિયંત્રણો પર છે, જેનાથી અમેરિકા નારાજ છે. ટ્રમ્પ બિલકુલ ઇચ્છતા નથી કે, ચીન કોઈપણ ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે, અને ટ્રમ્પની આ જ નીતિએ ચિપ નિકાસ નિયંત્રણો પર અમેરિકા અને નેધરલેન્ડ્સને એકબીજાની નજીક લાવ્યા છે. તેમનું એકમાત્ર ઉદ્દેશ્ય ચીનને ટેકનોલોજીમાં પાછળ ધકેલી દેવાનો છે.

