- Business
- રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!
લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા ફેરફારો કર્યા છે. હવે ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે, રેલ્વેએ એક નવી ફોર્મ્યુલા શોધી કાઢી છે. રેલ્વેએ અનરિઝર્વ્ડ (જનરલ) કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક નવો નિયમ બનાવ્યો છે. જનરલ કોચ, જ્યાં 75-80 સીટ જ હોય છે, પરંતુ મુસાફરોની સંખ્યા 400થી 500 સુધી થઇ જતી હોય છે. આ સમસ્યા હવે ટૂંક સમયમાં સમાપ્ત થઇ જશે.
રેલ્વેના નવા નિયમ હેઠળ, હવે અનરિઝર્વ્ડ (જનરલ) કોચમાં ફક્ત 150 ટિકિટ જ આપવામાં આવશે. એટલે કે ફક્ત 150 લોકોને જ જનરલ ટિકિટ આપવામાં આવશે. આ ટ્રાયલ હાલમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કરવામાં આવી રહી છે. જો તે સફળ થાય છે, તો તેને દેશભરમાં લાગુ કરી શકાય છે. ટ્રાયલ માટે ઉપયોગમાં લેવાતું સોફ્ટવેર ફક્ત તે જ ટ્રેનોની ટિકિટોની ગણતરી કરશે, જે તે સમયના ત્રણ કલાકમાં રવાના થવાની હશે.
અત્યાર સુધી, રેલવે તરફથી અનરિઝર્વ્ડ (જનરલ) કોચમાં ટિકિટ આપવાની મર્યાદા અંગે કોઈ નિયમ નહોતો, તેથી આ બોગીઓમાં ખુબ જ ભારે ભીડ રહેતી હતી. જે કોચમાં 75-80 સીટો હોય છે, ત્યાં 400 લોકો મુસાફરી કરતા હતા. આ અનિયંત્રિત ભીડને નિયંત્રિત કરવા માટે, હવે અનરિઝર્વ્ડ (જનરલ) કોચમાં ટિકિટ આપવાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી રહી છે. જે હેઠળ ટ્રેનો જ્યાંથી ઉપડે છે તે મૂળ સ્ટેશનથી ફક્ત 150 ટિકિટ જ આપવામાં આવશે. જ્યારે, વચ્ચે આવતા સ્ટેશનો પર કુલ ક્ષમતાના માત્ર 20 ટકા જ ટિકિટ આપવામાં આવશે.
માત્ર જનરલ કોચ જ નહીં, રેલવેએ સ્લીપર અને AC કોચમાં વેઇટિંગ ટિકિટની મર્યાદા પણ નક્કી કરી છે. નવા નિયમ મુજબ, AC કોચમાં ઉપલબ્ધ સીટોના 60 ટકા અને સ્લીપર કોચમાં સીટોની ક્ષમતાના 30 ટકા સુધી વેઇટિંગ ટિકિટ આપવામાં આવશે. રેલવેના આ પ્રયાસોથી ટ્રેનોમાં અને પ્લેટફોર્મ પર ભીડ ઓછી થઈ જશે.
આજથી, તત્કાલ ટિકિટ બુકિંગ માટે OTP ફરજિયાત બનાવવામાં આવ્યો છે. 15 જુલાઈથી, તત્કાલ ટિકિટનું બુકિંગ OTP વગર નહીં થાય. ટિકિટ બુક કરતી વખતે, આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે, જે બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જ દાખલ કરવાનો રહેશે.

