- Entertainment
- 'સાંપ્રદાયિક ભેદભાવ'ના નિવેદન પર વિવાદ વધતા રહેમાને નવો વીડિયો બનાવવો પડ્યો
'સાંપ્રદાયિક ભેદભાવ'ના નિવેદન પર વિવાદ વધતા રહેમાને નવો વીડિયો બનાવવો પડ્યો
જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન હાલમાં તેમના એક વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે અગાઉ આશંકા વ્યક્ત કરી હતી કે બોલિવૂડમાં તેમને કામ ન મળવા પાછળ સાંપ્રદાયિકતા કારણભૂત હોઈ શકે છે. આ નિવેદન પર દેશભરમાં હોબાળો મચતા આખરે રહેમાને વીડિયો જાહેર કરી સફાઈ આપવી પડી છે.
રહેમાને બીબીસી એશિયન નેટવર્કને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બોલિવૂડમાં છેલ્લા 8 વર્ષોમાં સત્તાનું સંતુલન બદલાયું છે અને બિન-ક્રિએટિવ લોકો નિર્ણયો લઈ રહ્યા છે, જેના કારણે તેમની પાસે હવે કામ આવતું નથી. તેમણે વિકી કૌશલની ફિલ્મ 'છાવા' ને 'વિભાજનકારી પ્રોજેક્ટ' ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેણે સમાજમાં વિભાજનને પ્રોત્સાહન આપ્યું છે.
આ નિવેદન બાદ ગીતકાર જાવેદ અખ્તર અને ગાયક શાન સહિતના કલાકારોએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આમાં કોઈ પણ પ્રકારનો સાંપ્રદાયિક એંગલ હોઈ શકે નહીં.
વિવાદ વધતા રહેમાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. રહેમાને કહ્યું હતું કે, ભારત તેમનું 'ઘર', 'પ્રેરણા' અને 'ગુરુ' છે અને તેમને ભારતીય હોવા પર ગૌરવ છે. મારો ઈરાદો ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનો રહ્યો નથી, પરંતુ ક્યારેક ઈરાદાને ખોટી રીતે સમજવામાં આવે છે. તેમણે સંગીતને લોકો સાથે જોડાવા અને સંસ્કૃતિને સન્માન આપવાનું માધ્યમ ગણાવ્યું હતું. રહેમાને પોતાના વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે 'રામાયણ' માટે હંસ ઝિમર સાથે કામ કરવું અને યુવા નાગા સંગીતકારો સાથેના કામનો ઉલ્લેખ કરી ભારતની વિવિધતાની ઉજવણીના ઉદાહરણો આપ્યા હતા.

તેમણે ઉમેર્યું કે ભારત દેશ દરેકને અભિવ્યક્તિની આઝાદી આપે છે અને અલગ-અલગ સંસ્કૃતિઓના અવાજને અપનાવે છે. અંતમાં રહેમાને જણાવ્યું કે તેઓ એવા સંગીત માટે પ્રતિબદ્ધ છે જે ભૂતકાળનું સન્માન કરે, વર્તમાનની ઉજવણી કરે અને ભવિષ્યને પ્રેરણા આપે.

