- Entertainment
- ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે'ના કલાકારો રાજકોટના મૉલમાં પહોંચતા અફરાતફરી, એક બાળકી માંડ-માંડ બચી
‘લાલો: કૃષ્ણ સદા સહાયતે'ના કલાકારો રાજકોટના મૉલમાં પહોંચતા અફરાતફરી, એક બાળકી માંડ-માંડ બચી
2 ડિસેમ્બરની સાંજે 'લાલો કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રૃહાદ ગોસ્વામી સહિતની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. શહેરના ક્રિસ્ટલ મૉલમાં ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ફેંસ ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓવરક્રાઉડને કારણે અનેક બાળકો ફસાઇ ગયા હતા. આ દરમિયાન એક બાળકીનો જીવ માંડ-માંડ બચ્યો હતો. મૉલના એસ્કેલેટરના પગથિયે બાળકી પટકાઈ હતી. 2 વ્યક્તિએ દેવદૂત બની બાળકીનો જીવ બચાવ્યો હતો.
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ઓવર ક્રાઉડના દબાણને કારણે બાળકી મૉલના એસ્કેલેટરના પગથિયા પર જોરથી પટકાય છે. જો સમયસર કોઈએ મદદ ન કરી હોત તો બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોત અથવા તો તેને જીવ પણ ગુમાવવો પડ્યો હોત. જોકે, આ સમયે સદભાગ્યે ત્યાં હાજર 2 વ્યક્તિઓ દેવદૂત બનીને બાળકીની મદદે આવ્યા હતા અને સમયસર બંનેએ બાળકીનો હાથ પકડી તાત્કાલિક ભીડમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા મૉલમાં આવી ઘટના બની હતી.
આ ઘટનામાં ઘણા નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના વીડિયો સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા હતા. તો બીજી તરફ જોકે, પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ફિલ્મના કલાકારોને તાત્કાલિક સ્થળ પરથી સુરક્ષિત રવાના કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ આ કલાકારોએ રાજકોટમાં પોતાના પ્રમોશનનો કાર્યક્રમ ટૂંકાવ્યો હતો.
બીજી તરફ આ બાબતની જાણ થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ક્રિસ્ટલ મૉલ પર દોડી આવ્યો હતો. જ્યાં સ્થાનિક પોલીસ અને પ્રાઈવેટ બાઉન્સરોએ ભારે જહેમત બાદ ભીડને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો.
મૉલમાં હાજર લોકોએ આયોજકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોને જોવા માટે તેમનો જે ઉત્સાહ હતો તે વ્યવસ્થાના અભાવે ભયમાં ફેરવાઈ ગયો. આ પ્રકારના મોટા કાર્યક્રમોમાં પોલીસ બંદોબસ્તની સાથે જ સ્વયંસેવકોની પૂરતી સંખ્યા હોવી અનિવાર્ય છે, જેનો અહીં અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવે અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા થાય તેવી માગ લોકોએ કરી હતી.
આ ઘટનાએ જાહેર કાર્યક્રમોના આયોજનની સુરક્ષા અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા બંદોબસ્તની જવાબદારી મૉલ ઓથોરિટી અને કાર્યક્રમના આયોજકોની હોય છે, પરંતુ આ મામલે તેમની ઘોર બેદરકારી સામે આવી છે.

