- Entertainment
- સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ
નિધિ દત્તા અને અનુરાગ સિંહની ફિલ્મ 'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દેશભરમાં રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મમાં સની દેઓલનું પુનરાગમન થયું છે. સાથે જ આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ દેખાય છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન, એવા પણ અહેવાલો છે કે, આ ફિલ્મ 6 દેશોમાં રિલીઝ થશે નહીં, અને તેનું કારણ છે પાકિસ્તાન.
હકીકતમાં, 'બોર્ડર 2' 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. તેને ભારતની સાથે સાથે પુરા વિશ્વમાં રિલીઝ કરવામાં આવી છે. જો કે, આ ફિલ્મ પાકિસ્તાન વિરોધી હોવાને કારણે, ફિલ્મ 'ધુરંધર'ની જેમ, મિડલ ઇસ્ટમાં પણ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ફિલ્મની વાર્તાને કારણે છ ગલ્ફ દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ત્યાંના સિનેમાઘરોમાં રિલીઝ થશે નહીં. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બોર્ડર 2 હવે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પ્રદર્શિત કરવામાં નહીં આવે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલનો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્યો છે કે આ છ દેશોમાં ફિલ્મ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જોકે, આ ફિલ્મ પાકિસ્તાન વિરોધી હોવાને કારણે, તેઓ ત્યાં આવા વિષયો પર આધારિત ફિલ્મો રિલીઝ કરવાનું ટાળે છે. જોકે, ફિલ્મ ધુરંધરને પણ આ છ દેશોમાં રિલીઝ કરવામાં આવી ન હતી, છતાં તેણે રેકોર્ડબ્રેક બોક્સ ઓફિસ કલેક્શન હાંસલ કર્યું. હવે સની દેઓલની ફિલ્મ પર પણ આવી જ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.
અહીં તમને બતાવી દઈએ કે, 1997માં આવેલી ફિલ્મ બોર્ડર 2 કલાક અને 56 મિનિટ લાંબી હતી, જ્યારે બોર્ડર 2નો રનટાઇમ 3 કલાક અને 16 મિનિટ છે. સની દેઓલે આ ફિલ્મ માટે રૂ. 50 કરોડ ફી લીધી હતી. ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા રૂ. 12.5 કરોડની કમાણી કરી છે. તેનું બજેટ લગભગ રૂ. 275 કરોડ હોવાનું જાણવા મળ્યું છે, જે હાંસલ કરવું તેના માટે ખૂબ મુશ્કેલ ન હોવું જોઈએ.
સૂત્રએ ઉમેર્યું, 'જો ફિલ્મ ભારત અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં દર્શકો સાથે જોડાય છે, તો તેની કમાણીની કોઈ મર્યાદા રહેશે નહીં. 'ધૂરંધર' પણ ગલ્ફમાં રિલીઝ થઈ ન હતી, છતાં તેણે બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. રણવીર સિંહની 'ધૂરંધર'ને UAE, સાઉદી અરેબિયા, કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનમાં પણ રિલીઝ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આમ છતાં, 'ધૂરંધર' 2025ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની.'
આંતરરાષ્ટ્રીય વિતરક પ્રણવ કાપડિયાએ જણાવ્યું હતું કે, ગલ્ફ માર્કેટમાં રિલીઝ ન થવાને કારણે ફિલ્મને વિદેશમાં આશરે રૂ. 90 કરોડનું નુકસાન થયું હતું. આમ છતાં, ફિલ્મની એકંદર કમાણી પર ખાસ અસર પડી નથી.
નિર્માતાઓને વિશ્વાસ છે કે, ફિલ્મ 'બોર્ડર 2' ફિલ્મ 'ધૂરંધર'ની જેમ જ ચાલશે. તેમનું માનવું છે કે, જો ફિલ્મની વાર્તા, દેશભક્તિ અને લાગણીઓ દર્શકો સાથે સુસંગત બને છે, તો તે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી શકે છે. હવે બધાની નજર તેના પર છે કે, શું સની દેઓલની 'બોર્ડર 2' 2026ની સૌથી મોટી બ્લોકબસ્ટર બનશે.

