- Gujarat
- રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા
રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતભરમાં મનમૂકીને વરસી રહ્યો છે. આજે સવારના 6:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધીમાં રાજ્યના 75 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભાવનગરમાં મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં શહેર અને ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સ્ટેશન રોડ, ગાંધીબાગ, ખારજાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ત્યારે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 29 ઑગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં 2 સક્રિય વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.
આજે સુરત, તાપી અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા-છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે. એટલે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
જ્યારે આવતીકાલે એટલે કે 30 ઑગસ્ટે ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઑગસ્ટના રોજ સુરત, નવસારી, વલસાડ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે.
1 સપ્ટેમ્બરે વડોદરા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 સપ્ટેમ્બરે અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 3 સપ્ટેમ્બરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો 4 સપ્ટેમ્બરણા રોજ તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે સુરત, ભરુચ, છોટાઉદેપુર, પાટણ, બનાસકાંઠા, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, કચ્છ મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

