- Gujarat
- ઓરિસ્સાની પેટર્ન પ્રમાણે ગુજરાતમાં પણ મહાનગરમાં કોંગ્રેસ નીમી શકે છે બે પ્રમુખ
ઓરિસ્સાની પેટર્ન પ્રમાણે ગુજરાતમાં પણ મહાનગરમાં કોંગ્રેસ નીમી શકે છે બે પ્રમુખ
કેન્દ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા તાજેતરમાં ઓરિસ્સાના સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. અશોક ગેહલોતે કરેલી જાહેરાત પ્રમાણે ઓરિસ્સાના 33 જિલ્લા પૈકી 28 જિલ્લામાં પ્રમુખ અને કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે પ્રમાણસર વસ્તી ધરાવતા પાંચ જિલ્લામાં કોંગ્રેસે સિંગલ પ્રમુખની નિમણૂંક કરી છે.
કોંગ્રેસ વર્તુળો મુજબ ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસ નવા માળખું રચવા જઈ રહી છે. રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસમાં નવી ટીમ આવી રહી છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ટોચના હોદ્દાઓ પર નવી નિમણૂંક કરી દેવામાં આવી છે અને યુવાઓની સાથે સિનિયર કોંગ્રેસીઓને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
અગાઉ ચર્ચા થઈ હતી કે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રમુખ અને કાર્યકારી પ્રમુખની નિમણૂંક થઈ શકે છે અને આના માટે કોંગ્રેસ દ્વારા ફોર્મ્યુલા પણ ઘડી કાઢવામાં આવી હતી. ગુજરાતના સિટી વિસ્તારોમાં કોગ્રેસની સ્થિતિ અત્યંત કફોડી છે અને સાવ જ કંગાળ દેખાવ થયો હોવાની કેન્દ્રીય કોંગ્રેસે ગંભીર નોંધ લીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાથી અમૂક જ ડગલા પાછળ રહી ગઈ હતી અને આ બધામાં સિટી વિસ્તારોમાં કોંગ્રેસને મરણતોલ ફટકો પડ્યો હોવાથી સિટી વિસ્તારોના સંગઠનને સક્ષમ અને મજબૂત કરવા માટે પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ એમ બે પ્રમુખ બનાવવાની વિચારણા કરવામાં આવી હતી.
હાલ પ્રદેશ કોંગ્રેસ દ્વારા પેનલમાં મૂકવામાં આવ્યા છે. સુરતમાં પ્રમુખ તરીકે જે નામો ચર્ચામાં આવી રહ્યા છે તેમાં જયેશ લીલીયાવાળા સૌથી ટોપ પર ચાલી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક કોંગ્રેસીઓ દ્વારા ધનસુખ રાજપુતનું નામ પણ રજૂ કરવામાં આવ્યું છે અને પ્રમુખ પદની રેસમાં અશોક જીરાવાળા, ડીપી વેકરીયા જેવા પાટીદાર નેતાઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે. જો બે પ્રમુખની ફોર્મ્યુલા આવી તો સંભવત: લધુમતિ સમાજમાંથી પણ કોઈની લોટરી લાગી શકવાની પાક્કી સંભાવના પ્રવર્તી રહી છે.
દિલ્હી કોંગ્રેસે સિટી વિસ્તારોમાં બબ્બે પ્રમુખ નીમવાના નિર્ણયનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હોવાનું લાગી રહ્યું છે અને આ ફોર્મ્યુલા ગુજરાતમાં પણ લાગુ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

