- Gujarat
- વડોદરામાં ગણેશ મહોત્સવ અગાઉ શાંતિ ડહોળવાનો પ્રયાસ, બાપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકાયા
વડોદરામાં ગણેશ મહોત્સવ અગાઉ શાંતિ ડહોળવાનો પ્રયાસ, બાપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકાયા
આવતીકાલથી ગણેશ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. 10 દિવસ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ગણેશ મહોત્સવનું ઉમળકાભેર ઉજવણી કરવામાં આવશે. પરંતુ એ અગાઉ વડોદરામાં કેટલાક અસમાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. અહી બાપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે માહોલ થોડો ગરમાયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઑગસ્ટની રાત્રે 3:00 વાગ્યે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે શહેરનો માહોલ ગરમ થઈ ગયો હતો.
ગણેશજીની મૂર્તિ પર પર ઈંડા ફેંકવામાં આવતા ભારે હોબાળો થયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકોની સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને ઈંડાં ફેકનાર તત્વો સામે કાર્યવાહી કરવા ગણેશ મંડળ દ્વારા અરજી આપવામાં આવી હતી. આ બનાવવાની જાણ થતા કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ ભાજપના કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ ઘટનાને વખોડી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોસામે પગલાં ભરવા માગણી કરી હતી.
આ મામલે DCP એન્ડ્રૂ મેકવાને જણાવ્યું હતું કે, આરોપી સામે કડક કાર્યવાહી કરાશે. આ ઘટના રાત્રિના 3:00 વાગ્યાના આસપાસની છે. શંકાસ્પદોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ CCTV ફૂટેજની તપાસ પણ કરી રહ્યા છે. હાલમાં અજાણ્યા ઇસમો સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવામાં આવશે.
આ મામલે નિર્મલ ભક્ત યુવક મંડળના સભ્ય સત્યમે જણાવ્યું હતું કે, અમે ગણેશજીની મૂર્તિને લઈને જઈ રહ્યા હતા, ત્યારે ત્રીજા માળે પરથી કોઈએ ઈંડા ફેંક્યા હતા. અમે તાત્કાલિક સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે તેમની સામે પણ ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના રાત્રે કિશનવાડી કૃષ્ણ તળાવથી પાણીગેટ થઈને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મજાર માર્કેટમાં બની હતી. આ ઘટના હિન્દુઓના તહેવારને બગાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હોઈ શકે છે. આવી ઘટનાઓથી વડોદરા અને ગુજરાતનો માહોલ બગડી શકે છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 આરોપીને રાઉન્ડઅપ કર્યા છે. આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. હાલમાં સિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવ પેદા કર્યો છે અને પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
વડોદરા સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા ઇયસમો સામે ગુનો નોંધ્યો છે. તપાસ માટે ACP, DCP, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને FSLની ટીમો સક્રિય થઈ છે. સવારે 4:00 વાગ્યે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ આ ઘટનાને ષડયંત્ર ગણાવી. સાથે જ તેમણે પોલીસ પાસે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માગ કરી છે.

