- Gujarat
- ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર બાદ દાદાના મંત્રીમંડળમાંથી આ મંત્રીઓની છૂટ્ટી થવાની સંભાવના
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર બાદ દાદાના મંત્રીમંડળમાંથી આ મંત્રીઓની છૂટ્ટી થવાની સંભાવના
8 તારીખથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, ત્યારબાદ ભુપેન્દ્ર પટેલ સરકારમાં મોટા બદલાવો થાય તેવી સંભાવના છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ હાઇકમાન્ડે વર્ષ 2021માં જે પ્રકારનો નિર્ણય લીધો હતો, કંઈક એવો જ નિર્ણય આ વખતે પણ લેવાઇ શકે છે. આ દાદાના મંત્રીમંડળમાંથી ઘણા જેટલા મંત્રીઓની છુટ્ટી થઈ જાય તેવો માહોલ દેખાઇ રહ્યો છે.
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેમના મંત્રીમંડળમાં 16 મંત્રીઓને જગ્યા અપાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ કક્ષાના 8 અને રાજ્યકક્ષાના 8 મંત્રીનો સમાવેશ થાય છે. ત્યારથી મંત્રીમંડળમાં એકપણ બદલાવ કરાયો નથી. બીજી તરફ હવે વર્ષ 2027ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ હાઇકમાન્ડે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિધાનસભાના ચોમાસું સત્ર બાદ દાદાના મંત્રીમંડળનુ વિસ્તરણ થઇ શકે છે.
દાદાના કેબિનેટમાંથી આ મંત્રીઓની થઈ શકે છે છુટ્ટી
હાલમાં મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની કુલ સંખ્યા 17 છે. નિયમ મુજબ કુલ 26 મંત્રીઓને જગ્યા આપી શકાય છે. રાજકીય નિષ્ણાંતોના મતે અત્યારે મંત્રીમંડળમાંથી જે મંત્રીઓની છુટ્ટી થવાની સંભાવના છે તેમાં કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ મળીને સમાવેશ થાય છે. જે મંત્રીઓની છુટ્ટી થવાની સંભાવના છે તેમાં નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, શિક્ષણ મંત્રી કુબર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, મત્સ્ય અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના નામ સામેલ છે.
આ નવા નવા ચહેરાઓને દાદાના કેબિનેટમાં જગ્યા ળશે?
ભાજપના જ મોટા નેતાઓએ નામ ન પ્રકાશિત કરવાની શરતે જણાવ્યું હતું કે, એ કહેવું મુશ્કેલ જ નહીં, અશક્ય છે કારણ કે મંત્રીમંડળમાંથી કોની છુટ્ટી કરવી અને કોને જગ્યા આપવી તેનો નિર્ણય માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ લેશે પરંતુ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.
જે નેતાઓને દાદાના મંત્રીમંડળમાં જગ્યા મળી શકે તેવા નેતાઓ પર નજર કરીએ તો તેમાં સંગીતા પાટીલ, જયેશ રાદડિયા, હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઇ અને અર્જુન મોઢવાડિયાને સામેલ કરી શકાય છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્તમાન સ્પીકર શંકર ચૌધરીને પણ સ્પીકરપદ પરથી રાજીનામું અપાવીને કેબિનેટમાં જગ્યા આપી શકાય છે.
સરકારમાં સૌથી વધુ એક્ટિવ ગણાતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલને પ્રમોશન મળી શકે છે. કેમકે આ બંને મંત્રીઓની સ્વચ્છ છબી છે, સાથે જ બંને યુવાન છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના ખાસ વિશ્વાસુ છે. બંનેને રાજ્યકક્ષામાંથી કેબિનેટ કક્ષાના મંત્રી બનાવી શકાય છે. આ ઉપરાંત જગદીશ પંચાલને જો કેબિનેટમાં જગ્યા ન મળે તો તેમણે ગૃહનો સ્વતંત્ર હવાલો સોંપી શકાય છે. જો કે ગૃહનો હવાલો અન્ય કોઇ નવા અને યુવાન ચહેરાને મળવાની શક્યતાઓ પણ છે. અત્યારે તો બસ આ અનુમાન છે, પરંતુ દાદાની કેબિનેટમાં બદલાવ થશે કે નહીં? અને બદલાવ થશે તો કયા નેતાઓની છુટ્ટી થશે અને કયા નેતાઓને મંત્રી મંડળમાં સામેલ કરાશે એ આગામી સમયમાં જ ખબર પડશે.

