- Gujarat
- બંગાળી દંપતિ સોનીની દુકાને જતું અસલી ઘરેણા સાથે નકલીને બદલી દેતું, જૂનાગઢ પોલીસે ઝડપ્યા
બંગાળી દંપતિ સોનીની દુકાને જતું અસલી ઘરેણા સાથે નકલીને બદલી દેતું, જૂનાગઢ પોલીસે ઝડપ્યા
થોડા દિવસ અગાઉ અમદાવાદથી એક મહિલા ઝડપાઇ હતી, જે સોનીઓને ત્યાં જઈને સોનાની વીંટી ખરીદવાના બહાને જતી અને પછી કર્મચારીની નજર ચૂકવીને અસલી સોનાની વીંટી લઈને બગસરાની વીંટી મૂકી દેતી હતી અને પછી વીંટી ન પસંદ આવી હોવાનું કહી જતી રહેતી મહિલા પકડાઈ હતી. હવે આવું જ કાર્ય કરતું બંગાળી દંપતિ જૂનાગઢ પોલીસના હાથે ચઢ્યું છે.
કેશોદના સોની બજારમાં આવેલી ‘પાલા પ્રિયમ જ્વેલર્સ’ના માલિક નરેન્દ્ર પાલાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતા કહ્યું કે, 10 તારીખે સાંજે 6:00 વાગ્યે તેમની દુકાને એક કપલ આવ્યું હતું. દેખાવમાં બંગાળી લાગતા આ દંપતીએ દાગીના પસંદ કરી પોતાની પાસે રહેલો એક હાર વેપારીને આપી વિશ્વાસમાં લીધા હતા કે, ‘આ હાર તમે અત્યારે રાખો, પરંતુ તેને ભાંગતા નહીં, અમે 2 દિવસમાં બાકીના પૈસા ટ્રાન્સફર કરી અમારો હાર લઈ જઈશું.’
આ કપલે ચાલાકીપૂર્વક વેપારી પાસેથી 2,62,000ની કિંમતના બે સોનાની ચેન અને ઉપરથી 22,000 રૂપિયા રોકડા હાંસલ લીધા હતા. કુલ 2,85,000 રૂપિયાનો ચૂનો લગાવીને તેઓ ફરાર થઈ ગયા હતા. વેપારીને શંકા જતા તેણે હારની તપાસ કરી તો તે નકલી હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ વેપારીએ આરોપીઓએ આપેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો તો સ્વીચ ઓફ આવી રહ્યા હતા. વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. CCTV ફૂટેજમાં આ કપલ કેદ થઈ ગયું હતું, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
જૂનાગઢ SP સુબોધ ઓડેદરાએ આ અંગે જણાવ્યું હતું કે, આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ 30 ગ્રામનો એવો હાર બનાવતા હતા, જેમાં 20 ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી 10 ગ્રામ સોનાનું વરખ ચડાવવામાં આવતું હતું. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા.
વેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ આ કેસની તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. PI કુનાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, આ કપલ વડોદરા આસપાસ છે, જેના આધારે ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી દંપતીને ઝડપી પાડ્યું હતું. આ ઓપરેશન દ્વારા ગુજરાતમાં સક્રિય એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે.’
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવાતું હતું. તેમના દ્વારા કપલને તૈયાર નકલી ઘરેણાં આપવામાં આવતા હતા. આ કપલને દરેક સફળ છેતરપિંડીના બદલામાં 7 હજાર રૂપિયાનું કમિશન મળતું હતું. તેઓ ખૂબ સાવધાની રાખતા અને એક શહેરમાં માત્ર એક જ વેપારીને નિશાન બનાવી તરત જ બીજું શહેર પકડી લેતા હતા જેથી સ્થાનિક પોલીસ તેમને પકડી ન શકે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ કપલે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના 15 વિવિધ રાજ્યોના 56 શહેરોમાં આ પ્રકારે છેતરપિંડી કરી છે. અત્યાર સુધીની કબૂલાત મુજબ તેમણે લગભગ 900 ગ્રામ જેટલા સોનાના અસલી ઘરેણાં વેપારીઓ પાસેથી પડાવ્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે તપાસ ચાલુ છે. જૂનાગઢ જિલ્લામાં જ 10-12 સોની વેપારીઓ આ ગેંગનો શિકાર થયા હોવાની શક્યતા છે.
હાલમાં પકડાયેલા બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને પણ આ અંગે મેસેજથી જાણ કરી છે. જે કોઈ વેપારી આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તેમને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે, જેથી આ ગુનેગારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

