- Gujarat
- અમદાવાદના PSIએ ફરિયાદ કરવા આવેલા કંપનીના માલિકને કહ્યું ‘નીકળ એ લુખ્ખા… મારું પોલીસ સ્ટેશન છે!’
અમદાવાદના PSIએ ફરિયાદ કરવા આવેલા કંપનીના માલિકને કહ્યું ‘નીકળ એ લુખ્ખા… મારું પોલીસ સ્ટેશન છે!’
પોલીસ લોકોની સુરક્ષા, લોકોની ફરિયાદ સાંભળવા અને વિવાદોના ઉકેલ માટે હોય છે, પરંતુ કોઈ પોલીસ અધિકારી જ જ્યારે તોછડું વર્તન કરે ત્યારે ખાખી વર્દી પર ડાઘ લાગી જતો હોય છે. અમદાવાદથી પણ ખાખીને ડાઘ લગાવનારો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરાએ ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIએ દુર્વ્યવહાર કર્યો.
તેમણે ફરિયાદ લગાવવા આવેલા કંપનીના માલિકને નીકળ એ લુખ્ખા, બધાના નામ લખો, હજી અહીં બેસીશ તો હજુ લુખ્ખો કહીશ, મારું પોલીસ સ્ટેશન છે અહીં મારું ચાલશે, બધી હોશિયારી નીકળી જશે હમણાં’ કહી દુર્વ્યવહાર કર્યો હતો. હવે મનમાં સવાલ થતો હશે કે PSIએ કંપનીના માલિક સાથે આવો વ્યવહાર કેમ કર્યો? PSIએ આવો વ્યવહાર એટલે કર્યો કારણ કે કંપનીનો માલિક પોતાની ગાડીના બોનટ પર બેઠો હતો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કોઇક કાર્યક્રમમાં થયેલી માથાકૂટ બાબતે યુવકો બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જોકે આ મામલે બંને પક્ષનું સમાધાન થઈ ગયું હતું. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોસ્ટી નામનો યુવક તેના મિત્રો સાથે બોપલ સ્ટેશન ફરિયાદ કરવા ગયો હતો. પોલીસ સ્ટેશનમાંથી આશિષ અને અન્ય યુવકોને બહાર ઊભા રહેવાનું કહેતા આશિષ અન્ય મિત્રો સાથે પોલીસ સ્ટેશનની બહાર ઉભો હતો. આશિષના પગમાં સર્જરી કરાવી હોવાથી આશિષ એકલો પોતાની ગાડીના બોનટ પર બેઠો હતો.
આશિષની નજીક જ કેટલાક પોલીસકર્મીઓ ઊભા હતા.આશિષ મિત્રો સાથે વાત કરતો હતો ત્યારે એક સાદા કપડામાં પોલીસકર્મીએ આશિષને તુકારો કરીને નીચે ઉતરવા કહ્યું હતું. જેથી આશિષ નીચે ઉતરી ગયો હતો અને શાંતિથી વાત કરવા જણાવ્યું હતું ત્યારે ત્યાં હાજર PSI પણ જોતા હતા. PSIએ દૂરથી જ આશિષને લુખ્ખો કહ્યો હતો.
મળતી માહિતી મુજબ, PSI જયેશ કાલોતરાએ આશિષની નજીક આવીને પણ ‘લુખ્ખા આ મારું પોલીસ સ્ટેશન છે, નીકળ અહીંથી, નામ લખી કહીને અંદર પૂરવાની ધમકી આપી હતી.આશિષે પગમાં પરેશાની હોવાનું કહ્યું છતા PSIએ આશિષને કહ્યું કે ફરીથી ગાડી પર બેસીશ તો લુખ્ખો જ કહીશ.
આ બાબતે ફરિયાદી યુવક આશિષ કોસ્ટીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, ‘અમે અમારા મિત્રની ફરિયાદ લખાવવા બોપલ પોલીસ સ્ટેશન ગયા હતા. ફરિયાદ લખી લીધા પછી રાઈટર સાહેબે કહ્યું કે તમે થોડીવાર એવું હોય તો બહાર રાહ જુઓ. તો અમે બહાર જઈ રહ્યા હતા, ત્યારે જોયું કે PSI જયેશભાઈ તેમના 8-10 સાથીઓ સાથે મીટિંગ કરી રહ્યા હતા. તેમની આજુબાજુમાં બેસવાની જગ્યા હતી, પરંતુ તેમની મીટિંગ ચાલતી હોવાથી તેમને ખલેલ ન પહોંચે તે માટે અમે થોડે દૂર અમારી કાર પાસે જઈને ઉભા રહ્યા.’
તેણે કહ્યું કે, મને પગમાં પરેશાની છે, તાજેતરમાં જ મારું 'હિપ રિપ્લેસમેન્ટ' થયું છે. વધુ સમય ઊભા રહેવાથી મને પગમાં દુઃખાવો થવા લાગે છે, એટલે હું મારી કારમાં જઈને બેઠો. ગણતરીની સેકન્ડોમાં જ પેલી મીટિંગમાં સિવિલ ડ્રેસમાં હાજર એક વ્યક્તિએ મને તોછડાઈથી કહ્યું. મેં તેમને વિનમ્રતાથી જવાબ આપ્યો, પરંતુ તેમણે વધુ ખરાબ રીતે વાત કરી. એટલે હું તરત જ નીચે ઉતરી ગયો. મેં તેમને માત્ર એટલું જ કહ્યું કે જો તમે આજ વાત મને માનપૂર્વક કહી હોત તો શું વાંધો હતો? આ સાંભળીને PSI સાહેબ ઉશ્કેરાઈ ગયા અને દૂરથી જ બૂમ પાડીને કહ્યું- ‘ચાલ એ લૂખ્ખા નીકળ...’
મને સમજાયું કે તેઓ જે રીતે અપશબ્દો બોલતા અમારી નજીક આવી રહ્યા હતા, કદાચ તેઓ મારમારી પણ કરી શકે તેમ હતા. એટલે મેં મારા મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો. કેમેરો ચાલુ કર્યા બાદ પણ તેઓ મને કહેતા હતા. તેમણે પોલીસકર્મીઓને મારા 3-4 મિત્રોના નામ લખી લેવાનું કહીને આડકતરી રીતે જેલમાં પૂરવાની ધમકી પણ આપી. મેં કોઈ એવો ગુનો નથી કર્યો કે અમારે જેલમાં જવું પડે. જ્યારે તેમણે મને 'લુખ્ખો' કહ્યો, ત્યારે મેં તેમને કહ્યું કે હું પણ એક કંપનીનો માલિક છું અને મારી નીચે 15-20 લોકોની ટીમ કામ કરે છે. તો મારે તેમને કહેવું તો પડે ને કે અમે લુખ્ખા નથી! તેમ છતા તેઓ સતત ગુસ્સો કરતા રહ્યા.
અંતે મારા મિત્રએ કહ્યું કે, ‘આશિષભાઈ, આપણી કોઈ ભૂલ નથી છતા આપણે આટલું બધું સાંભળ્યું અને અહીં આપણી આબરૂનું લીરેલીરા ઉડી રહ્યા છે, એટલે હવે આપણે અહીં રોકાવું નથી. ત્યારબાદ અમે તરત જ ત્યાંથી નીકળી ગયા. આ રીતે PSI જયેશભાઈએ અમારી સાથે ગેરવર્તન કર્યું છે.
https://twitter.com/ahmedabadmirror/status/2035307559054463006
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, આશિષ કોસ્ટી જણાવ્યું કે મારા પગમાં થોડા સમય અગાઉ જ સર્જરી કરાવી છે જેના કારણે હું લાંબા સમય સુધી ઉભો રહી શકતો નથી. મારા મિત્રો ઊભા હતા અને હું ગાડી પર બેઠો હતો ત્યારે મારી સાથે PSIએ ગેરવર્તણૂક કરીને લુખ્ખા જેવા શબ્દો કહ્યા છે. મને શાંતિથી પણ નીચે ઉતરવા કહ્યું હોત તો ઉતરી જાત.
આશિષે આ અંગે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને ફરિયાદ કરી તો તેમણે PSIનો બચાવ કરતા કહ્યું કે પોલીસ સ્ટેશનમાં યુવક ગાડી પર બેઠો હતો જે ખોટું છે, આ રીતે ન બેસવું જોઈએ.

