- Gujarat
- ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ 40 કિમી ફરવાને બદલે લોકો કોઈપણ સુરક્ષા વગર હોડીમાં નદી પાર કરે છે
ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ 40 કિમી ફરવાને બદલે લોકો કોઈપણ સુરક્ષા વગર હોડીમાં નદી પાર કરે છે
વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ 9 જુલાઈએ તૂટી પડ્યો હતો જેમાં કેટલાક વાહનો મહિસાગર નદીમાં ખાબક્યા હતા, જેના કારણે 21 લોકોના મોત થઈ ગયા હતા. ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવાનો એકમાત્ર શોર્ટકટ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે લોકોને હવે એકમાત્ર રસ્તો વાસદ થઈને જવું પડશે. જેના માટે વાહનચાલકોને 50 કિલોમીટર વધારાનો ફેરાવો ખાવો પડશે.
ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ પુલ નીચે મહિસાગર નદીમાં હવે અધુ એક દુર્ઘટનાની સંભાવના વર્તાઇ રહી છે. ગંભીરા બ્રિજ તૂટવાને ગંભીરાથી પાદરા જવા માટે લોકોએ જમીન માર્ગે 60 કિમીનો ફેરાવો ખાવો પડે તેમ છે. એટલે નોકરી-ધંધાર્થે વહેલા જવું હોય તો તેમના માટે એક માત્ર વિકલ્પ છે મહિસાગર નદી. જેના કારણે લોકો જીવના જોખમે નાવડમાં સવારી કરીને જવા મજબૂર થયા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે મુસાફર બોટ, સેફ્ટી જેકેટ જેવી સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો મોટી નાવ દુર્ઘટના થવાની સંભવનાને નકારી શકાય તેમ નથી. માછીમારી કરવા માટે ઉપયોગમાં લેવાતી નાવની મદદથી મુસાફરોને એક કિનારાથી બીજા કિનારે લઇ જતા નાવિકો અને અવર-જવર કરતા લોકો પ્રશાસન પાસે માગ કરી રહ્યા છે કે, તેમને સેફ્ટીની સુવિધા પૂરી પાડવામાં આવે.
નોંધનીય છે કે, ગંભીરા બ્રિજ તૂટી જવાની દુર્ઘટનાને આજે 19 દિવસ પૂરા થયા છે. તંત્ર માત્ર પ્રશાસનિક કામગીરી પર ધ્યાન આપી રહ્યું છે. પરંતુ પાદરા અને આણંદ જિલ્લાના મહિસાગર નદી કિનારાના લોકોને અવર-જવર માટે પડી રહેલી પરેશાની પર કોઈનું ધ્યાન જ નથી. જેના કારણે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહિસાગર નદીને કિનારે આવેલા પાદરા તાલુકાના ગામો તેમજ આણંદ જિલ્લાના મહિસાગર નદીને કિનારે આવેલા ગામોના લોકો નોકરી-ધંધા માટે પાદરા-આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં જવા માટે મહિસાગર નદીમાં માછીમારીની નાવ દ્વારા કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના જીવના જોખમે અવર-જવર કરવા મજબૂર થયા છે.
નોકરી-ધંધા માટે અવર-જવર કરતા આ મુસાફરોને નાવ દ્વારા માછીમારીનો વ્યવસાય કરતા નાવિકો સેવા પૂરી પાડી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન હોવાને કારણે નદીમાં પાણી પણ વધારે છે. એવામાં લોકો જીવના જોખમે પોતાના ગંતવ્ય તરફ જવા મજબૂર થઈ રહ્યા છે.
વડોદરા જિલ્લા કલેકટર ડૉ. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, હાલ ચોમાસું હોવાથી અમે બીજી કોઇ વ્યવસ્થા પૂરી પાડી નહીં શકીએ. આમ પણ નદીમાં નાવ, બોટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતા, હાલમાં આ પ્રવૃત્તિઓ ચાલી રહી હશે તો અમે બંધ કરાવીશું. રોજગારી માટે અપ-ડાઉન કરતા તેમજ શાળા કૉલેજોમાં જતા વિદ્યાર્થીઓ માટે વડોદરા અને આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા ST બસોની સુવિધા કરવામાં આવી છે. કંપનીઓ સાથે બેઠક કરીને તેમને પણ કર્મચારીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા કહેવામા આવ્યું છે. પરંતુ, હાલ ચોમાસું હોવાથી નદીમાં મુસાફરોના અપ-ડાઉન માટે બીજી કોઇ સુવિધા કરી શકાય તેમ નથી.
નાવ ચાલક નરેન્દ્ર માળીએ જણાવ્યું હતું કે ગંભીરા પુલ તૂટી ગયા બાદ રોજ 300-400 લોકો નોકરી-ધંધા માટે એક કિનારાથી બીજા કિનારે જવા માટે આવે છે. જેમાં કિનારાના ગામના ગરીબ લોકો પણ હોય છે. રોજગારી માટે મુસાફરો પણ જીવના જોખમે અમારી નાવમાં બેસે છે. અમને પણ મુસાફરોને એક કિનારાથી બીજા કિનારે લઈ જતા ડર લાગે છે. અમે એક નાવમાં 5થી વધુ લોકોને બેસાડતા નથી. છતા અમે મુસાફરોને એક કિનારાથી બીજા કિનારે લઈ જવાનું જોખમ લઈ રહ્યા છે. સ્થાનિક નાવીકોએ કહ્યું કે પ્રશાસન દ્વારા નોકરી-ધંધાર્થે જતા લોકોને પડી રહેલી મુશ્કેલીનો ઉકેલ વહેલી તકે લાવવામાં નહીં આવે તો અમે આ સેવા પણ બંધ કરી દઈશું. તંત્ર દ્વારા મુસાફર બોટ તેમજ સેફ્ટીના જેકેટ સહિતની સુવિધાઓ પૂરી પાડશે તો જ અમે આગામી દિવસોમાં નોકરી-ધંધાર્થે જતા મુસાફરોને એક કિનારાથી બીજા કિનારે લઈ જવાની સેવા પૂરી પાડીશું. અમે હાલ માછી મારીનો ધંધો બંધ કરી લોકોને એક કિનારાથી બીજા કિનારે લઇ જવાની સેવા પૂરી પાડી રહ્યા છે.
ગંભીરાથી પાદરા નોકરી માટે અપ-ડાઉન કરતા અલ્પેશ નિજામા અને રસિક પઢિયારે જણાવ્યું હતું કે, નોકરી અમારી મજબૂરી છે. ફરીને આવવાથી દોઢ થી બે કલાકનો સમય બગડે છે અને 200 રૂપિયા પેટ્રોલના ખર્ચ થાય છે. અમને અને અમારા પરિવારને નાવમાં નદી પાર કરવાનો ડર લાગે છે. પ્રશાસન દ્વારા સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે.

