- Gujarat
- ગુજરાતમાં વરસાદી રાઉન્ડની આગાહી: 31 જુલાઈ સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં વરસાદી રાઉન્ડની આગાહી: 31 જુલાઈ સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજાની બીજા રાઉન્ડની શક્યતાઓ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર 23થી 25 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરાપ અને છૂટાછવાયા વરસાદનો માહોલ છવાશે, જ્યારે 26 જુલાઈથી એક સક્રિય સિસ્ટમ રાજ્ય પર સીધી અસર કરશે, જેના કારણે 31 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની શક્યતા છે.
પ્રાથમિક તબક્કાની આગાહી (23થી 25 જુલાઈ):
દક્ષિણ ગુજરાતમાં હળવા થી લઇ ભારે ઝાપટાની સંભાવના, ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા-સામાન્ય ઝાપટા,કચ્છમાં સામાન્ય વરસાદ, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાના સંભાવના છે.
મુખ્ય સિસ્ટમ:
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેમાંથી 70% હિસ્સો દરિયામાં અને 30% જમીન પર છે. આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને આગળ જઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
આ સિસ્ટમ 26 જુલાઈની રાત્રે અથવા 27 જુલાઈથી ગુજરાતને અસર કરવાની શરૂઆત કરશે. સૌપ્રથમ છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે.
વિસ્તારવાર આગાહી (26થી 31 જુલાઈ):
મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ,ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા 26થી 31 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમનો ટ્રેક જો આજ સ્થિતિમાં જ રહે, તો ગુજરાતના 80થી 90 ટકા વિસ્તારમાં સાર્વત્રિક અને અસરકારક વરસાદ જોવા મળશે. જોકે ટ્રેકમાં હળવો ફેરફાર પણ મોટો ફરક પાડી શકે છે.

