- Gujarat
- સૌરાષ્ટ્રમાં જૂના જોગીઓ ફરીથી સક્રિય થતા રાજકીય અટકળો તેજ, અચાનક આ 2 નેતા અમિત શાહને મળવા પહોંચી ગયા...
સૌરાષ્ટ્રમાં જૂના જોગીઓ ફરીથી સક્રિય થતા રાજકીય અટકળો તેજ, અચાનક આ 2 નેતા અમિત શાહને મળવા પહોંચી ગયા દિલ્હી
સૌરાષ્ટ્રના રાજકીય ગલિયરામાં ફરી એક વખત જૂના જોગીઓ સક્રિય થતાં ચર્ચાઓનું બજાર ગરમ છે. અરવિંદ રૈયાણી બાદ હવે પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ ચર્ચામાં આવ્યા છે. ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી, જેને લઈને રાજકીય ગાલિયારામાં ચર્ચાઓ તેજ થઈ છે. આ મુલાકાતને ગોવિંદ પટેલે ‘શુભેચ્છા મુલાકાત’ ગણાવી છે, પરંતુ રાજકીય વિશ્લેષકો તેને સૌરાષ્ટ્રમાં ભાજપની આગામી રણનીતિ સાથે જોડી રહ્યા છે.
ગોવિંદ પટેલ અચાનક જ કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા છે, ત્યારે હવે તેઓ પણ રાજકોટના રાજકારણમાં ફરી સક્રિય થાય છે કે કેમ તે પણ જોવાનુ રહ્યું. એવી ચર્ચા છે કે, રાજ્યસભાના સાંસદ રામભાઈ જ ગોવિંદ પટેલને લઈને દિલ્હી ગયા હતા અને રાજકોટમાં ભાજપની પરિસ્થિતી શું છે? ભાજપના નેતાઓ સંગઠન અને શાસનમાં શું-શું કરી રહ્યા છે? તે સહિતના મુદ્દે અમિત શાહને વાકેફ કરવામાં આવ્યા.
બીજી તરફ આક્રમક મિજાજ માટે જાણીતા રામભાઇ મોકરિયાએ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા સ્ટેટસમાં પોસ્ટ મૂકી છે અને ચોક્કસ નેતાઓને જાણે મેસેજ આપતા હોય તેવી પંક્તિઓ મૂકી છે. આ પંક્તિમાં જણાવાયું છે કે, ‘ચમચા ક્યારેય સમજદાર નથી હોતા અને જે સમજદાર હોય છે તે ક્યારેય કોઈના ચમચા નથી બનતા. સાચાને સાચું અને ખોટાને ખોટુ કહેતા શીખો કોઇના ચમચા ન બનો.’ બીજી પંક્તિમાં ‘કારેલામાં ગમે તેટલી ખાંડ નાખો તે ક્યારેય મીઠો ન થાય તેના સ્વભાવમાં જ કડવાશ છે. તે જ રીતે મતલબી લોકોને ગમે તેટલું માન આપો તેને પોતાના બનાવવાની કોશિશ કરો પણ તે કદી તમારા થશે નહીં.’ આમ, રામભાઈની આ બંને પોસ્ટ પણ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.
આ અગાઉ જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી બાદ ગોવિંદ પટેલે મુલાકાત કરતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલને ફરી સક્રિય થવા કેન્દ્રના મોવડી મંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થવાથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
રાજકોટ શહેર ભાજપમાં સંગઠનની વાત હોય, મહાનગરપાલિકાના હોદ્દેદારોની વાત હોય કે વર્તમાન ધારાસભ્યો આ તમામ ક્ષેત્રે ખાનગીમાં ખેચતાણ થઇ રહી છે. પાર્ટીના પીઢ અને જૂના આગેવાનોને વર્તમાન આગેવાનો સાઈડ પર કરી દેવાયા છે, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાને મનપાના એક હોદ્દેદાર મોકો મળે ત્યારે આંખે કરવા તત્પર હોય છે, પરંતુ આ પીઢ નેતાઓએ હવે પોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું છે.
ગોવિંદ પટેલે પાટીદાર સમાજની નારાજગીની વાતને ફગાવતા કહ્યું કે, ‘પાટીદારોમાં કોઈ નારાજગી નથી. મારા જેવા સેંકડો કાર્યકર્તાઓ પાર્ટી માટે સતત કામ કરી રહ્યા છે. વિપક્ષ તો ચૂંટણી વખતે આક્ષેપો કરતો જ હોય છે.’ ગોવિંદ પટેલની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને સંગઠનમાં ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ગોવિંદ પટેલ જેવા અનુભવી નેતાઓને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના સમર્થનને મજબૂત કરવા માટે સક્રિય કરવામાં આવી શકે છે. પાટીદાર સમાજ, જે રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેના સમર્થનને ટકાવી રાખવા ભાજપ નવા-જૂના નેતાઓનું મિશ્રણ કરી રહી હોવાનું મનાય છે.
રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા ફેરફાર થયા છે. બે વર્ષથી હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે. અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી છે. ગણેશ મહોત્સવ કાર્યક્રમથી અરવિંદ રૈયાણીની રી-એન્ટ્રી થઈ છે. ભાજપે રૈયાણીને મહત્ત્વની જવાબદારી સોંપી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. મનપા ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

