- Gujarat
- મુંબઈ- અમદાવાદ હાઇવે પર રોજ લાંબો ટ્રાફિક જામ, વાહન ચાલકો બોલ્યા- ટોલટેક્સ લો તેનો વાંધો નથી, પરંતુ....
મુંબઈ- અમદાવાદ હાઇવે પર રોજ લાંબો ટ્રાફિક જામ, વાહન ચાલકો બોલ્યા- ટોલટેક્સ લો તેનો વાંધો નથી, પરંતુ..
સતત ત્રીજા દિવસે મુંબઈ-અમદાવાદ હાઇવે પર આજે ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે. વાહનચાલકોને 5-5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાવાની નોબત આવતા હેરાન-પરેશાન થઈ ગયા છે. જાંબુવાબ્રિજથી લઈને પુનિયાદ ગામ સુધી ટ્રાફિકજામ થતા વાહનોની લાંબી લાઇન લાગી છે. જાંબુઆબ્રિજ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે, જોકે અત્યાર સુધી આ ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યું છે.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર ગઈકાલે પણ 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને આજે પણ બીજા દિવસે 15 કિલોમીટર ટ્રાફિકજામ થયો છે, જેને કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયા છે. લોકો કલાકોથી ટ્રાફિક જામમાંમાં ફસાયેલા છે જેથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નાના બાળકો ભૂખ્યાં-તરસ્યાં ટ્રાફિકમાં ફસાયા છે. અગાઉ જાંબુવાબ્રિજ પર નવો રોડ બનાવી દેવામાં આવ્યો હતો, જોકે ફરી વરસાદ ચાલુ થતા મુંબઈ-અમદાવાદ હાઇવે પરના જાંબુવાબ્રિજ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેને કારણે એક તરફ ટ્રાફિકજામ સર્જાયો છે. આ સિવાય પોરબ્રિજ પર પણ ટ્રાફિકજામ છે.
અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અમે મુંબઈથી નીકળ્યા છીએ અને દિલ્હી જવાનું છે. રાત્રે 11:00 વાગ્યાથી ટ્રાફિકમાં ફસાયા છીએ. અમે પરેશાન થઈ ગયા છીએ. સરકાર ટોલટેક્સ વસૂલ કરે છે, પરંતુ સારા રસ્તા આપતી નથી. તમે ક્યાંય પણ જાઓ, આ સરકાર તમને લૂંટી લેવાની છે. ટોલટેક્સ લો એનો વાંધો નથી, પરંતુ સારા રોડ તો બનાવો એવી અમારી માગણી છે.
અનિલભાઈએ જણાવ્યું હતું કે, અમે પરમ દિવસે રાત્રે મુંબઈથી નીકળ્યા હતા, હજી અમદાવાદ પણ પહોંચ્યા નથી. મગજ ખરાબ કરી નાખે એવો ટ્રાફિક છે. અત્યારે વડોદરા પહોંચ્યા છીએ. અમારે ઘરે જઈને ગણપતિની તૈયારી કરવાની છે, પરંતુ અમે ઘરે ક્યારે જઈશું તેની ખબર નથી. અમારે મુંબઈથી અમદાવાદ કંપનીના સામાનની ડિલિવરી કરવાની છે, પરંતુ સામાન સમયસર પહોંચાડી નહીં શકીએ.
એક ટ્રક ચાલકે જણાવ્યું હતું કે સુરતથી રાત્રે 12:00 વાગે નીકળ્યો હતો, અત્યારે સવારે 8:00 વાગ્યે વડોદરા પહોંચ્યો છું. ટ્રાફિકમાં ખૂબ જ હેરાનગતિ થઈ છે. રાતથી ટ્રાફિકમાં ફસાયા છીએ. ટોલટેક્સ ભરીએ છીએ અને ખાડામાં ચાલીએ છીએ, બીજું કંઈ છે નહીં. જનતાને હેરાનગતિ છે. આ ટ્રાફિકમાંથી ચા પીવા પણ જઈ શકતા નથી.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોમાસાના સમયમાં ભારે ટ્રાફિકજામ સર્જાય છે. સાંકડા બ્રિજ પર મોટા-મોટા ખાડા પડી જતા ટ્રાફિક ધીમો ચાલે છે અને ટ્રાફિકજામ સર્જાય છે, જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ જાય છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે.

