- Gujarat
- ગુજરાતમાં જિલ્લા ગ્રાહક કમિશનોના પ્રમુખો અને સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ
ગુજરાતમાં જિલ્લા ગ્રાહક કમિશનોના પ્રમુખો અને સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ
ભારતભરમાં વિવિધ રાજ્યોમાં ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ગ્રાહકની ફરિયાદના નિવારણથી રચાયેલી જિલ્લા કમિશનમાં પ્રમુખો/સભ્યોની જગ્યાઓ મોટી સંખ્યામાં ખાલી પડી છે. દેશભરમાં જિલ્લા ગ્રાહક કમિશનમાં ખાલી પડેલી જગ્યાઓના આંકડાઓના સંદર્ભમાં ઉત્તરપ્રદેશ, ગુજરાત અને બિહાર અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવે છે.
ગુજરાત રાજ્યમાં 38 જિલ્લા ગ્રાહક કમિશનો પૈકી 26 ગ્રાહક કમિશનોમાં પ્રમુખ - ન્યાયાધીશની જગ્યા તેમજ સભ્યોની કુલ સંખ્યા 76 પૈકી 46 સભ્યોની સંખ્યા ખાલી પડી છે. જેને કારણે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ન્યાય મેળવવામાં ગ્રાહકોને વિલંબ અને કઠિનાઈનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં 38 જિલ્લા કમિશનના પ્રમુખો પૈકી 26 પ્રમુખોની જગ્યા ખાલી પડી છે અને 8 જિલ્લા કમિશનોના પ્રમુખોની મુદત તારીખ 31/03/2026 ના રોજ પૂરી થાય છે. એ જ રીતે જિલ્લા કમિશનોમાં 76 મેમ્બર્સની સંખ્યા પૈકી હાલમાં 46 મેમ્બર્સની જગ્યા ખાલી પડેલી છે. અને બાકીની જગ્યા તારીખ 31/032026 ના રોજ પૂર્ણ થાય છે. જે સંજોગોમાં તારીખ 1 એપ્રિલ 2026 થી ગુજરાત રાજ્યના મોટાભાગના ગ્રાહક જિલ્લા કમિશનોના પ્રમુખ/મેમ્બર્સની તમામ જગ્યાઓ ખાલી પડી જશે. અને ગ્રાહકને ખાસ ન્યાય આપવા માટે રચાયેલું માળખું નબળું પડશે.
અત્રે એ પણ નોંધનીય છે કે સુરત જિલ્લામાં બે જિલ્લા ગ્રાહક કમિશનો કાર્યરત છે. જે પૈકીના મેઈન કમિશનના પ્રમુખની મુદત અગાઉ પૂર્ણ થઇ છે. અને એડિશનલ કમિશનના પ્રમુખની મુદત તારીખ 31/12/2025 ના રોજ પૂર્ણ થઈ છે. વધુમાં એડિશનલ જિલ્લા કમિશનમાં મેમ્બર્સની બે જગ્યા પણ ખાલી છે. સુરત જિલ્લાના બે કમિશનો મળીને હાલમાં લગભગ 10,000 થી વધુ ગ્રાહકોની ફરિયાદ પેન્ડિંગ છે એટલે કે 20,000 પક્ષકારો ન્યાયની રાહ જુએ છે. કામગીરી ઠપ થઈ ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલીન ગ્રાહક સુરક્ષા બાબતોના સ્વ. રામવિલાસ પાસવાને ખાસ રસ લઈને ગ્રાહકોની ફરિયાદોનો વધુ અસરકારક રીતે નિવારણ આવે તે માટે નવો ગ્રાહક સુરક્ષા ધારો 2019 અમલમાં મૂક્યો છે.
અત્રે એ નોંધનીય છે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ગણેશકુમાર રાજેશ્વરરાવ સેલુકર તથા અન્ય વિરુદ્ધ મહેન્દ્ર ભાસ્કર લીમયે તથા અન્યના કેસમાં મેં 2025 માં કરેલ હુકમમાં નિર્દેશ આપ્યો હતો કે, “જિલ્લા કમિશનોના પ્રમુખો તેમજ સભ્યોની નવી નિમણૂક નવા નિયમો બનાવીને કરવામાં આવે અને એ રીતે નવી નિમણૂક થાય ત્યાં સુધી કાર્યવાહી અટકી ન જાય તે માટે જે તે ગ્રાહક કમિશનના પ્રમુખ/સભ્યને તેના હોદ્દાની મુદત નવી નિમણૂક થાય ત્યાં સુધી લંબાવી આપવી એટલે કે જે તે પ્રમુખ/સભ્યને તેના હોદ્દા પર નવી નિમણૂક થાય ત્યાં સુધી Extension આપવું.” એમ જણાવેલ છે.
વધુમાં તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 17567/2025 ના કામમાં નીચે મુજબ ઠરાવેલ છે.:- “At the same time, it is hoped that an appropriate decision may be taken by the state at the earliest, wereby the interest of consumers at large may not be jeopardized”
ગ્રાહક સુરક્ષાના જાણીતા એડવોકેટ શ્રેયસ દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈ/ઈશાન શ્રેયસ દેસાઈનો સંપર્ક કરતા તેમણે સુરત જિલ્લાના તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાના ગ્રાહક કમિશનોના પ્રમુખો તેમજ સભ્યોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોતાની મુદત લંબાવી આપવા માટે સરકારને અરજી કરેલ હોવાનું જાણવા મળ્યું છે. મોદી સરકારે છેવાડાના ગ્રાહકને પણ ન્યાય મળી રહે તે માટે નવો ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં મુકેલ છે. જે હેતુ સાર્થક થઈ શકે તે માટે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે આપેલ નિર્દેશો અને નામદાર ગુજરાત હાઇકોર્ટે કરેલ સૂચન મુજબની ગુજરાત સરકાર દ્વારા અમલવારી અપેક્ષિત છે. ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની ગુજરાત સરકારે વિકાસના અનેક કાર્યો કર્યા છે. આ પ્રકરણમાં પણ બનતી ત્વરાએ નિર્ણય થશે એવું મનાય છે.

