- Health
- ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?
ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા જોખમી પરિબળોએ પણ ભારતીયોમાં હૃદય રોગનું જોખમ વધાર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય રોગીઓના દર્દીઓની સંખ્યામાં કેટલી ઝડપથી વધારો થયો છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં હૃદય સંબંધિત દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે.
મુંબઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ફાર્મારેકના નવા અહેવાલ મુજબ, 2021થી 2025 દરમિયાન હૃદયની બીમારીઓ સંબંધિત દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે, જે હૃદયની બીમારીના દર્દીઓની વધેલી સંખ્યા તરફ પણ નિર્દેશ કરે છે. ભારતમાં હૃદયની બીમારીઓની દવાઓનું વેચાણ જૂન 2021માં 1,761 કરોડથી વધીને જૂન 2025 સુધીમાં 2,645 કરોડ થયું છે. આ આંકડો દર વર્ષે 10.7 ટકાના દરે વધી રહ્યો છે. આ રિપોર્ટ પછી, સ્વાસ્થ્ય નિષ્ણાતો ભારતમાં હૃદયની બીમારીઓ સંબંધિત ખતરા સામે કડક પગલાં લેવાની વાત કરી રહ્યા છે.
દવાઓના વેચાણમાં વધારો વિવિધ ઉંમરના લોકો દ્વારા સામનો કરવામાં આવતી હૃદયની બીમારીઓની સમસ્યાઓ તરફ નિર્દેશ કરે છે, જેમાં લિપિડ્સ ઘટાડવા, હૃદયના ધબકારા અટકી જવા અને એન્ટિ-એન્જિનલ સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણમાં મોટો વધારો જોવા મળ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે એન્ટિ-એન્જિનલ એટલે એવી દવાઓ અને સારવાર જેનો ઉપયોગ હૃદય રોગ સાથે સંકળાયેલા દુખાવાને દૂર કરવા અથવા અટકાવવા માટે કરવામાં આવે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 'એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઇડ' રિપોર્ટ મુજબ, 2022માં હૃદયરોગના હુમલાથી 32,457 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2021માં આ સંખ્યા 28,413 હતી.
અમેરિકન લાઇબ્રેરી ઓફ મેડિસિનના 2024ના અહેવાલમાં જણાવાયું છે કે ભારતના શહેરી વિસ્તારોમાં કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD)નું વલણ 1960ના દાયકામાં 1-2 ટકાથી વધીને તાજેતરના વર્ષોમાં 10-12 ટકા થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં, તે 2-3 ટકાથી વધીને 4-6 ટકા થઇ ગયું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતમાં 40-69 વર્ષની વયના લોકોમાં 45 ટકા મૃત્યુ માટે હૃદયરોગ જવાબદાર છે. 2016માં, ભારતમાં કુલ મૃત્યુમાંથી 27 ટકા મૃત્યુ હૃદયરોગના કારણે થયા હતા.
નિષ્ણાતો કહે છે કે, આ તીવ્ર વધારા માટે કેટલાક કારણો હોઈ શકે છે. આ વિશે વાત કરતા, ચાઇલ્ડ હાર્ટ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. વિકાસ કોહલીએ કહ્યું, 'હૃદયની બીમારીઓ માટે દવાઓના પ્રિસ્ક્રિપ્શનમાં વધારો થયો છે, કારણ કે ડોકટરો રોગોને વહેલા શોધી રહ્યા છે. હવે દવાઓ અને હાર્ટ ફેલીયરની સારવાર ખૂબ જ પ્રારંભિક તબક્કામાં શરૂ કરી દેવામાં આવે છે.'
તેમણે વધુમાં કહ્યું, 'છેલ્લા પાંચ વર્ષમાં સેક્યુબિટ્રિલ અને એપ્લેરેનોન જેવી દવાઓના વેચાણમાં 83 ટકાનો વધારો જોવા મળ્યો છે. અમે એમ્બ્રીસેન્ટન, સેલેક્સીપેગ અને ટેડાલાફિલ જેવી બાળકોમાં હૃદયની બીમારીઓ માટે દવાઓની માંગમાં પણ વધારો જોયો છે ,જે પલ્મોનરી હાયપરટેન્શન જેવા રોગોથી પીડાતા બાળકો માટે જીવનરક્ષક છે, તેથી વેચાણના આંકડા વધ્યા છે. પરંતુ આ ખરેખર એ પણ સૂચવે છે કે દેશ હૃદય સ્વાસ્થ્ય સંકટના સ્કેલને સમજી રહ્યો છે.'
આ બધાની સાથે, કાર્ડિયોલોજિસ્ટ્સ ચિંતાજનક પરિવર્તનની ચેતવણી પણ આપી રહ્યા છે. હૃદય રોગ હવે ફક્ત વૃદ્ધો સુધી મર્યાદિત નથી. 30 થી 40 વર્ષની ઉંમરના દર્દીઓમાં પણ તેનું નિદાન ઝડપથી થઈ રહ્યું છે.
ડૉ. કોહલીએ કહ્યું, 'દર બેમાંથી એક ભારતીય હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અથવા ડાયાબિટીસ જેવી જીવનશૈલીની સમસ્યાથી પીડાય છે. આ હવે વૃદ્ધો અથવા શહેરી જીવનશૈલી ધરાવતા લોકોની સમસ્યા સુધી જ માર્યાદિત નથી રહ્યું.'
'કોલેજના ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ પણ વધુ વજનવાળા છે. 2019થી 2022 દરમિયાન સ્થૂળતામાં 50 ટકાનો વધારો થયો છે. કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓ વધી રહી છે. યુવાનોમાં પણ, આ ઝડપથી વધી છે.'
આવા ચિંતાજનક આંકડાઓને ધ્યાનમાં રાખીને, જાહેર આરોગ્ય નિષ્ણાતો ભાર મૂકી રહ્યા છે કે, રોગ નિવારણ (રોગ અટકાવવાના પ્રયાસો) પર કેન્દ્રિત હોવું જોઈએ. હૃદયના સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં પરિવર્તન અંગે જાગૃતિ વધારવાની સાથે નીતિઓ બનાવવાની તાત્કાલિક જરૂર છે.
ડૉ. કોહલીએ કહ્યું, 'આપણે આ દવાઓના સહારે આ સંકટમાંથી બહાર નહીં નીકળી શકીએ. તેને અટકાવવું એને જ પ્રાથમિકતા આપવી પડશે.'

