- National
- બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘ...
બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..
બિહાર પછી હવે મધ્યપ્રદેશમાં પણ નગર પાલિકા અને પંચાયતની મતદાર યાદીમાં છેતરપિંડીની શક્યતાને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરો અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને એવા ઘરોની ભૌતિક ચકાસણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે, જ્યાં 11 કે તેથી વધુ મતદારો નોંધાયેલા છે. ખાસ વાત એ છે કે, 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘરોની ઓળખ થઈ ગઈ છે, જેના કારણે રાજકીય હલચલ વધુ તીવ્ર બની ગઈ છે.
હકીકતમાં, હાલમાં બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારાના વિવાદ પછી, હવે મધ્યપ્રદેશમાં પણ મતદાર યાદીમાં અનિયમિતતાઓને લઈને હોબાળો મચી ગયો છે. રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટરોને એવા ઘરોની ભૌતિક ચકાસણી કરાવવાનો આદેશ આપ્યો છે, જ્યાં 11 કે તેથી વધુ મતદારો નોંધાયેલા છે. 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘરોની યાદી બહાર આવ્યા પછી રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું છે કે, ચૂંટણીમાં ખરીદી, વેચાણ અને હેરાફેરી કરવી સરકારની આદત બની ગઈ છે. મધ્યપ્રદેશમાં લોકશાહી ખતરામાં છે. દરેક મતદાર યાદીની કડક ચકાસણી થવી જોઈએ.
આ દરમિયાન, મધ્યપ્રદેશ રાજ્ય ચૂંટણી પંચના સચિવ અભિષેક સિંહે કહ્યું કે, તેને નકલી મતદાર યાદી કહેવું યોગ્ય નથી. અમે આ ડેટા જિલ્લાઓને તપાસ માટે મોકલ્યો છે. ભૌતિક ચકાસણી પછી જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
11થી 20 મતદારોની સંખ્યાના સરનામા-6,17,998, 21થી 30 મતદારોની સંખ્યાના સરનામા-49,928, 31થી 40 મતદારોની સંખ્યાના સરનામા-6,151, 41થી 50 મતદારોની સંખ્યાના સરનામા-1,373, 50થી વધુ મતદારોની સંખ્યાના સરનામા-779.
વિવાદ વધતાં રાજ્ય સરકારના મંત્રી કૈલાશ સારંગે કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી પંચની પ્રક્રિયા પર ત્યારે જ સવાલ ઉઠાવે છે, જ્યારે તે હારે છે. ચૂંટણી પંચ એક નિષ્પક્ષ સંસ્થા છે અને કોંગ્રેસ તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે.
જોકે, રાજકારણ ગરમાયું છે, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ચાલુ છે, પરંતુ ચૂંટણી પંચનું વલણ સ્પષ્ટ છે. તપાસ પછી જ નિર્ણય લેવામાં આવશે. હવે બધાની નજર ભૌતિક ચકાસણીના રિપોર્ટ પર ટકેલી છે, જે નક્કી કરશે કે તે માત્ર શંકા હતી કે મોટી ગેરરીતિ.

