- National
- જો અમેરિકાની વાત માની લીધી હોત તો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ જાત ભારત, જાણો દોસ્તીવાળું કનેક્શન
જો અમેરિકાની વાત માની લીધી હોત તો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ જાત ભારત, જાણો દોસ્તીવાળું કનેક્શન
હાલમાં પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની અમેરિકા યાત્રા અને ત્યાંની રાજદ્વારી બેઠકોએ નવી ચર્ચાઓને જન્મ આપી દીધો છે. એ સ્પષ્ટ થતું જઇ રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન સાથે ફરી એક વખત પોતાની રણનીતિક દોસ્તીને મજબૂત કરી રહ્યું છે. આ દોસ્તીનો સંદેશ માત્ર આર્થિક કે સૈન્ય મદદ સુધી સીમિત નથી, પરંતુ તેની પાછળ એક વ્યાપક ભૂ-રાજનીતિક એજન્ડા છુપાયેલો છે. આ પહેલી વખત નથી, જ્યારે અમેરિકા પોતાની વૈશ્વિક રણનીતિઓને આગળ વધારવા પારંપારિક ભાગીદાર ભારત પર પરોક્ષ દબાણ લાવી રહ્યું છે. સૌથી પહેલા વાત કરીએ રશિયા સાથે ભારતના સંબંધોની. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ, ત્યારે અમેરિકાએ ભારત પર એવી અપેક્ષા રાખી હતી કે ભારત રશિયાથી દૂરી બનાવી લે. પરંતુ ભારતે પોતાના રણનીતિક હિતોને પ્રાથમિકતા આપી અને સ્પષ્ટ કર્યું કે તે કોઈ બ્લોકનો હિસ્સો નથી. અમેરિકાની નજરમાં આ એક સ્વતંત્ર, પરંતુ અસહજ પગલું હતું.
ભારતને પ્રતિબંધોની ચેતવણી આપી
આ સિવાય, અમેરિકાએ ભારત અને રશિયા વચ્ચે થયેલી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડીલને લઈને અમેરિકાએ CAATSA કાયદાનો સંદર્ભ આપતા ભારતને પ્રતિબંધોની ચેતવણી આપી હતી. જોકે અંતે ભારતને તેમાંથી છૂટ આપવામાં આવી હતી, પરંતુ સમગ્ર પ્રક્રિયા અમેરિકાની રણનીતિના બેવડા વલણને દર્શાવે છે. એક તરફ તે ભારતને ક્વાડ જેવી ભાગીદારીમાં સામરિક ભૂમિકા આપવાની વાત કરે છે, બીજી તરફ ભારતની રક્ષા જરૂરિયાતો પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરે છે. એવી જ રીતે, ઈરાન સાથે ભારતના સંબંધ પણ અમેરિકાની વૈશ્વિક રણનીતિના ભોગ બનતા રહ્યા છે. પછી તે ચાબહાર પોર્ટની ભાગીદારી હોય કે સસ્તા ક્રૂડ ઓઇલનો પુરવઠો, અમેરિકા વારંવાર ભારત પર ઈરાનથી દૂર રહેવા માટે દબાણ કરી રહ્યું છે. તેની સીધી અસર ભારતની ઉર્જા સુરક્ષા અને ક્ષેત્રિય પ્રભાવ પર પડે છે.
આ બધી ઘટનાઓ વચ્ચે જો અમેરિકા પાકિસ્તાનને ફરી એક વખત સૈન્ય સહયોગ અને કૂટનીતિક સમર્થન આપે છે, તો તે ભારત માટે ન માત્ર રણનીતિક ચિંતાનો વિષય છે, પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ એક ગંભીર સંકેત છે. અમેરિકા એ ભૂલી જાય છે કે પાકિસ્તાન આજે પણ ઘણા આતંકવાદી સંગઠનોનો પાલક અને પોષક છે અને એવામાં તેની સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવવા ભારત વિરોધી તાકતોને પ્રોત્સાહિત કરવાનું છે. અમેરિકાનો આ વ્યવહાર દર્શાવે છે કે તેની મિત્રતા ‘સહૂલિયત પર આધારિત’ છે. જ્યારે તેને રશિયા વિરુદ્ધ ભારતની જરૂરિયાત હોય છે, ત્યારે તે મિત્રતાના ગીત ગાય છે, પરંતુ જ્યારે પાકિસ્તાનની જરૂરિયાત હોય છે, ત્યારે તે ભારતની સુરક્ષા ચિંતાઓને નજરઅંદાજ કરી દે છે.
ભારત માટે શું જરૂરી છે
ભારત માટે હવે એ જરૂરી છે કે તે પોતાની વિદેશ નીતિને હજી વધારે સ્પષ્ટતા અને આત્મનિર્ભરતા સાથે પરિભાષિત કરે. તેણે પોતાની રણનીતિક સંતુલન નીતિને બનાવી રાખતા રશિયા, ફ્રાન્સ, ઈરાન અને ASEAN જેવા દેશો સાથે સહયોગ વધારવો પડશે. સાથે જ અમેરિકા સાથે પણ સંવાદ અને ભાગીદારી ચાલુ રાખવી પડશે, પરંતુ દબાણમાં આવીને પોતાના દીર્ઘકાલીન હિતો સાથે સમાધાન ન કરવું જોઈએ. તેની સાથે જ, ભારતને પોતાના રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે, જેથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ સામે સુરક્ષા નીતિઓ નબળી ન પડે.
કુલ મળીને, અમેરિકા-પાકિસ્તાનની આ નિકટતા અને ભારત પર પરોક્ષ દબાણ એક મોટો રણનીતિક સંકેત છે. ભારતે તેના માટે વૈશ્વિક સમીકરણમાં સંતુલન સાથે, દૃઢતાપૂર્વક પોતાની ભૂમિકા ભજવવી પડશે. કેમ કે આજની દુનિયામાં એ જ દેશો ટકે છે, જે પોતાના હિતો માટે સ્પષ્ટ વિચાર અને આત્મવિશ્વાસ સાટે ઉભા રહે છે.

