- National
- આ મુદ્દે ઓવૈસીએ કર્યું મોદી સરકારનું સમર્થન, પણ સરકારને એક સવાલ પણ પૂછી લીધો
આ મુદ્દે ઓવૈસીએ કર્યું મોદી સરકારનું સમર્થન, પણ સરકારને એક સવાલ પણ પૂછી લીધો

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના સરકારના પગલાનું સમર્થન કર્યું છે. સાથે તેમણે સરકારને એવો પણ સવાલ કર્યો કે, જો આપણે પાકિસ્તાનને પાણી નહીં આપીએ તો આપણે તેને સ્ટોર ક્યાં કરીશું. 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઓવૈસીએ તેને એક સાહસિક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે, ‘ખૂબ સારી વાત છે કે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, પરંતુ આપણે પાણી ક્યાં રાખીશું? કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે, અમે તેને સમર્થન આપીશું. આ કોઈ રાજનીતિક મુદ્દો નથી.

ઓવૈસીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદો ભારતને પહેલગામ હુમલાનો કડક જવાબ આપવાનો અધિકાર આપે છે. કેન્દ્ર સરકાર આતંકવાદી ગ્રુપને આશ્રય આપનાર દેશ સામે કાર્યવાહી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદો આપણને પાકિસ્તાન સામે આત્મરક્ષામાં હવાઈ અને નૌકાદળ નાકાબંધી કરવાની અને પાકિસ્તાનને હથિયારોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પણ મંજૂરી આપે છે. ઓવૈસીએ બૈસરન મેદાનમાં થયેલા હુમલા દરમિયાન સુરક્ષા પ્રતિક્રિયામાં થયેલા વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે પૂછ્યું કે, બૈસરન મેદાનમાં CRPFની તૈનાતી કેમ નહોતી? ક્વિક રીએક્શન ટીમ (QRT)ને ત્યાં પહોંચવામાં એક કલાક કેમ લાગી ગયો? આ હુમલાઓ દરમિયાન, લોકોને તેમના ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી. આ ટારગેટેડ અને ઘોર સાંપ્રદાયિક હુમલો છે.

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હીમાં બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા, ઓવૈસીએ સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સ્વાગત કર્યું, અને કહ્યું કે સરકારે આતંકવાદી સંગઠનોને આશ્રય આપનારા દેશ સામે કાર્યવાહી કરવામાં સંકોચ ન કરવો જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા, કિરેન રિજિજૂ, એસ જયશંકર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં એકજૂથ સહેવા પર સામાન્ય સહમતી બની. પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી લીધી છે.
Related Posts
Top News
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ, દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
Opinion
