- National
- ‘પહેલગામ જેવી ઘટનાઓને અવગણી નહીં શકાય..’ જમ્મુ-કશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ પર SCએ આમ શા...
‘પહેલગામ જેવી ઘટનાઓને અવગણી નહીં શકાય..’ જમ્મુ-કશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ પર SCએ આમ શા માટે કહ્યું?
જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સાથે જોડાયેલી અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘પૂર્ણ રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેતી વખતે પહેલગામ જેવી ઘટનાઓને અવગણી નહીં શકાય. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અગાઉ જમીની હકીકત પર નિર્ણય લેવામાં આવશે.’ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું કે, આ મુદ્દા પર નિર્ણય લેતી વખતે જમીની હકીકતને અવગણી નહીં શકાય. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ સતત પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગ કરી રહ્યા છે.
મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાનીવાળી બેન્ચે તાજેતરની પહેલગામ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘આવી ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય છે અને તેને ધ્યાનમાં રાખવી જરૂરી છે.’ આ કેસમાં ઉપસ્થિત રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા તરફ પગલાં ઉઠાવી રહી છે, પરંતુ હાલમાં ત્યાં કેટલીક અજીબોગરીબ પરિસ્થિતિઓ બની છે. તેમણે યાદ અપાવ્યું કે ચૂંટણી બાદ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું આશ્વાસન અગાઉથી જ અપાઈ ચૂક્યું છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સવાલ હવે કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે તે સ્પષ્ટ નથી.
મહેતાએ કોર્ટને આગ્રહ કર્યો કે, ‘તેમને સરકારનો સત્તાવાર અભિપ્રાય રજૂ કરવા માટે 8 અઠવાડિયાનો સમય આપવામાં આવે.’ સુપ્રીમ કોર્ટે આ વિનંતી સ્વીકારતા કેસની આગામી સુનાવણી 8 અઠવાડિયા બાદ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે એ પણ સંકેત આપ્યો કે, આ મુદ્દા પર કોઈપણ નિર્ણય લેતી વખતે સુરક્ષા અને સ્થિરતાના પાસાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. જહૂર અહમદ ભટ અને કાર્યકર્તા ખુર્શીદ અહમદ મલિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામા આવ્યું છે કે, રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં સતત થઈ રહેલો વિલંબ જમ્મુ-કાશ્મીરના નાગરિકોના અધિકારોને ગંભીર રીતે પ્રભાવિત કરી રહ્યો છે અને સંઘવાદની વિભાવનાનું પણ ઉલ્લંઘન છે.
અરજદારોનો તર્ક છે કે, સમયમર્યાદામાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત ન કરવો એ સંઘવાદનું ઉલ્લંઘન છે, જે બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો છે. અગાઉની સુનાવણીમાં SG તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે, ‘કેન્દ્રીય ગૃહ મંત્રાલય કોઈ વિશિષ્ટ સમયસીમા નહીં બતાવી શકે અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગશે.’ મે 2024માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયને પડકારતી સમીક્ષા અરજીઓને એમ કહેતા ફગાવી દીધી હતી કે, રેકોર્ડમાં કોઈ ત્રુટિ સ્પષ્ટ નથી અને આ કેસને ખુલ્લી કોર્ટમાં સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

