- National
- ‘મારા માટે ઠીક નહીં રહે..’, CJI ગવઈએ જસ્ટિસ વર્માના કેસમાં સુનાવણીથી પોતાને કેમ કર્યા અલગ?
‘મારા માટે ઠીક નહીં રહે..’, CJI ગવઈએ જસ્ટિસ વર્માના કેસમાં સુનાવણીથી પોતાને કેમ કર્યા અલગ?
અલ્લાહબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તેમની અરજી પર વહેલી તકે સુનાવણી થાય. આ અરજી એક ઇન-હાઉસ તપાસ સમિતિના એ રિપોર્ટને રદ કરવા માટે દાખલ કરવામાં આવી છે, જેમાં તેમને રોકડ કાંડમાં ખોટા આચરણને દોષી ઠેરવવામાં આવ્યા છે. જસ્ટિસ વર્માએ આ બાબતને ગંભીર ગણાવી છે અને તાત્કાલિક સુનાવણી કરવાની અપીલ કરી છે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈને અનુરોધ કર્યો હતો કે આ અરજીને વહેલી તકે સૂચિબદ્ધ કરવામાં આવે કેમ કે તેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ બંધારણીય સવાલ ઉઠાવવામાં આવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, ‘મારે બેન્ચની રચના કરવી પડશે.’ નોંધનીય છે કે CJI બી.આર. ગવઈએ આ અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી લીધા છે. તેમણે કહ્યું છે કે, તેમના માટે આ કેસની સુનાવણી કરવી ઉચિત નહીં હોય કેમ કે તેઓ જસ્ટિસ વર્મા સાથે જોડાયેલા વિવાદ પર વાતચીતનો હિસ્સો હતા.
CJIએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે, કોર્ટ તેના પર નિર્ણય લેશે અને જસ્ટિસ વર્માની અરજીની સુનાવણી માટે યોગ્ય બેન્ચની નિમણૂક કરશે. જસ્ટિસ વર્માએ પોતાની અરજીમાં ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની 8 મેની ભલામણને રદ કરવાની માગ કરી છે, જેમાં સંસદને તેમની વિરુદ્ધ મહાભિયોગ કાર્યવાહી શરૂ કરવાની વાત કહેવામાં આવી હતી.
આ ભલામણ તપાસ સમિતિના રિપોર્ટના આધાર પર કરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ વર્માને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ તપાસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુની આગેવાનીમાં થઈ હતી. સમિતિએ 10 દિવસ સુધી તપાસ કરી, 55 સાક્ષીઓની પૂછપરછ કરી અને એ જગ્યાઓની મુલાકાત લીધી, જે જગ્યા પર 14 માર્ચે રાત્રે 11:35 વાગ્યે જસ્ટિસ વર્માના દિલ્હી હાઇકોર્ટના જજ રહેતા તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી.
આ આગ જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાને લાગી હતી. આ ઘટના દિલ્હી હાઈકોર્ટમાં તેમની પોસ્ટિંગ દરમિયાન થઈ હતી. આ ઘટના દરમિયાન તેમના ઘરમાંથી મોટી માત્રમાં રકમ રોકડ મળી આવી હતી. ત્યારબાદ, તપાસ સમિતિએ જસ્ટિસ વર્મા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જસ્ટિસ વર્માનું આચરણ શંકાસ્પદ હતું, જેના કારણે તેમની સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી. જસ્ટિસ વર્મા હવે અલ્લાહબાદ હાઈકોર્ટમાં છે અને આ કેસમાં પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યા છે. તેમની અરજીમાં આ તપાસ અને તેના પરિણામોને પડકારવામાં આવ્યો છે.

