- National
- કોણ છે સુદર્શન રેડ્ડી, જેમને INDIA ગઠબંધને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, સી.પી. રાધાકૃષ્ણનને આપ...
કોણ છે સુદર્શન રેડ્ડી, જેમને INDIA ગઠબંધને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, સી.પી. રાધાકૃષ્ણનને આપશે ટક્કર
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષી INDIA ગઠબંધને પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને ગોવાના પૂર્વ લોકાયુક્ત જસ્ટિસ (રિટાયર્ડ) બી. સુદર્શન રેડ્ડીને INDIA બ્લોક દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ શાસક પક્ષના ઉમેદવાર અને ભાજપના નેતા સી.પી. રાધાકૃષ્ણનને સીધો પડકાર આપશે. આ જાહેરાત સાથે જ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી હવે ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આગામી મહિને 9 સપ્ટેમ્બરે થશે અને નામાંકન માટેની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ એટલે કે આવતીકાલે બુધવાર સુધી છે. NDAએ 2 દિવસ અગાઉ પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. તો આજે વિરોધ પક્ષોની બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે.
કોણ છે સુદર્શન રેડ્ડી?
જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી આંધ્ર પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. તેમનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ આંધ્ર પ્રદેશના રંગા રેડ્ડી જિલ્લાના અકુલા માયલારમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે વર્ષ 1971માં ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને હૈદરાબાદમાં એક વરિષ્ઠ વકીલ કે. પ્રતાપ રેડ્ડીના માર્ગદર્શનમાં સિવિલ અને બંધારણીય બાબતોમાં પ્રેક્ટિસ શરૂ કરી. 8 ઑગસ્ટ 1988ના રોજ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ કેન્દ્ર સરકાર માટે એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સીલની જવાબદારી નિભાવી. જસ્ટિસ રેડ્ડીએ વર્ષ 1991માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે તેમની ન્યાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા અને ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયોનો હિસ્સો રહ્યા.
સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર્ડ થયા બાદ તેમને ગોવાના પહેલા લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેમણે ઈમાનદાર અને કડક છબીવાળા અધિકારીના રૂપમાં કામ કર્યું. તેમણે કોઈપણ દબાણ વિના ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરી અને પારદર્શિતાની હિમાયત કરી.
INDIA ગઠબંધનને કેમ પસંદ આવ્યા?
સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારીને INDIA ગઠબંધને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તે બંધારણ, ન્યાયપાલિકા અને પારદર્શિતાના પક્ષધાર ચહેરાને રજૂ કરી રહ્યું છે. વિપક્ષનું માનવું છે કે, રેડ્ડીની સ્વચ્છ છબી અને ન્યાયિક અનુભવ તેમને ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હવે રેડ્ડીનો મુકાબલો ભાજપના નેતા અને તામિલનાડુના વરિષ્ઠ રાજનેતા સી.પી. રાધાકૃષ્ણન સાથે થશે. રાધાકૃષ્ણન 2 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ભાજપે રાષ્ટ્રીય રાજનીતિ અને સંગઠનમાં તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને ઉમેદવાર બનાવ્યા છે.

