- National
- સરકારે મહિલા IAS અધિકારી દુર્ગા શક્તિ પાસેથી 1.63 કરોડ રૂપિયા માંગ્યા
સરકારે મહિલા IAS અધિકારી દુર્ગા શક્તિ પાસેથી 1.63 કરોડ રૂપિયા માંગ્યા
ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ IAS અધિકારી દુર્ગા શક્તિ નાગપાલને નોટિસ ફટકારી છે, જેમાં રૂ. 1.63 કરોડના વળતરની માંગણી કરવામાં આવી છે. આ મામલો 2015માં તેમને ફાળવવામાં આવેલા સરકારી બંગલાને લગતો છે. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે, મે 2022થી ફેબ્રુઆરી 2025 સુધી તેમણે બાંગ્લા પર ગેરકાયદેસર કબજો કરી રાખ્યો હતો, જ્યારે તેમને એપ્રિલ 2022માં જ બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું.
દુર્ગા શક્તિ નાગપાલ ઉત્તર પ્રદેશ કેડરના 2010 બેચના IAS અધિકારી છે. તેઓ હાલમાં લખીમપુર ખેરીના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) છે. 19 માર્ચ, 2015ના રોજ, તેમણે તત્કાલીન કૃષિ મંત્રી રાધા મોહન સિંહના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકેનો કાર્યભાર સંભાળ્યો, ત્યારપછી તેમને ટાઇપ-6A શ્રેણીનો બંગલો ફાળવવામાં આવ્યો. માસિક 6,600 રૂપિયા ભાડું અને પાણીનો ચાર્જ ચૂકવવા સાથે તેઓ બંગલામાં રહેવા લાગ્યા.
2019નું વર્ષ આવ્યું, અને કૃષિ મંત્રાલયમાં તેમની નિમણૂક 7 મેના રોજ પૂરી થઈ. જોકે, વાણિજ્ય મંત્રાલયમાં કામ કરતી વખતે અને 2021માં તેમના કેડરમાં પાછા ફર્યા પછી પણ તેઓએ બંગલામાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારપછી, કૃષિ મંત્રાલય હેઠળ આવતા IARIએ તેમને ઘરનો કબજો સોંપવાની માંગ કરતી ઘણી નોટિસો મોકલી હતી. એવો આરોપ છે કે IAS નાગપાલે તે બંગલો ખાલી કર્યો ન હતો.
IARI રેકોર્ડ્સ અનુસાર, સંસ્થા 2020થી તેમને બંગલો ખાલી કરવા વિનંતી કરી રહી હતી. IAS નાગપાલે જાન્યુઆરી 2022 સુધી સમય લંબાવવાની વિનંતી કરી. IARIએ સંમતિ આપી અને એપ્રિલ 2022 સુધી બંગલામાં રહેવાની પરવાનગી આપી. તેમણે એવી પણ શરત મૂકી કે, જો તેઓ એપ્રિલના અંત સુધીમાં પણ બંગલો ખાલી નહીં કરે, તો તેમની પાસેથી બજાર દરના આધારે દર મહિને 92,000 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે, જે ધીમે ધીમે વધતું જશે.
સમય પસાર થયો. ઘણી નોટિસો મોકલ્યા પછી, જ્યારે IAS નાગપાલે બંગલો ખાલી ન કર્યો, ત્યારે IARIએ દિલ્હી પોલીસની મદદ લીધી, અને તે રીતે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને ઘર ખાલી કરવાની ફરજ પડી. 2 મેના રોજ, IARIએ તેમને મે 2022થી ફેબ્રુઆરી 2025ના સમયગાળા માટે 'નુકસાન ચાર્જ' તરીકે રૂ. 1.63 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરતી નોટિસ ફટકારી.
IAS નાગપાલે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, તેમણે કૃષિ મંત્રાલય પાસેથી મુદત વધારવાની વિનંતી કરી હતી, જે મંજૂર પણ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, 'મેં ભાડું પણ ચૂકવ્યું છે અને ત્યારપછી ઘર ખાલી કર્યું છે. જોકે, કાગળ પર કેટલીક ખામીઓને કારણે, તેઓએ વધારાનો 'દંડ ચાર્જ' ઉમેર્યો છે, જે કાલ્પનિક અને ખોટો છે. મેં તે માફ કરવા માટે વિનંતી કરી છે, જે પ્રક્રિયા હેઠળ છે. રાજ્ય સરકારે પણ 26 જૂન (આ વર્ષે)ના રોજ મંત્રાલયને એક પત્ર મોકલ્યો હતો જેમાં માફીની વિનંતી કરવામાં આવી હતી.'
IAS નાગપાલે જણાવ્યું હતું કે, તેઓએ તેમના માતાપિતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે મુદત વધારવાની વિનંતી કરી હતી. તેમણે સમજાવ્યું કે તેના પિતાની બાયપાસ સર્જરી અને માતાના ઘૂંટણના રિપ્લેસમેન્ટને કારણે ઘર ખાલી કરવામાં વિલંબ થયો હતો. આ મામલો હાલમાં પેન્ડિંગ છે.
IAS અધિકારી દુર્ગા શક્તિ નાગપાલ તેમની અડગ શૈલી અને ખાણકામ માફિયાઓ સામે કડક કાર્યવાહી માટે જાણીતા છે. તેમનો તત્કાલીન CM અખિલેશ યાદવ સાથે પણ સીધી ટક્કર થઇ હતી. આ ઘટના 2013ની છે. તે સમયે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી, અને દુર્ગા શક્તિ નાગપાલ ગૌતમ બુદ્ધ નગર (સદર)ના SDM તરીકે પોસ્ટેડ હતા.
આ તે સમય હતો જ્યારે IAS નાગપાલ ખાણકામ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, 28 વર્ષીય, ગતિશીલ યુવાન IAS અધિકારીએ યમુના નદી ખાદરમાં રેતીથી ભરેલી 300 ટ્રોલીઓ જપ્ત કરી હતી. તેમણે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યમુના અને હિંડોન નદીઓમાં ખાણકામ માફિયાઓ પર નજર રાખવા માટે ખાસ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી અને તેનું નેતૃત્વ કર્યું. જ્યારે તેમનું નામ હેડલાઇન્સમાં આવ્યું, ત્યારે આ મામલો ઉત્તર પ્રદેશની રાજધાની અને રાજકીય વર્તુળોમાં પહોંચ્યો.
આ સમય દરમિયાન, તેમના પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી રહેલી મસ્જિદની દિવાલ તોડી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેનાથી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવાની શક્યતા હતી. સમાજવાદી પાર્ટી સરકારે IAS નાગપાલને સસ્પેન્ડ કર્યા, દલીલ કરી કે તેમના પગલાથી સાંપ્રદાયિક સૌહાર્દ જોખમમાં મુકાઈ શકે છે. આ નિર્ણય પછી, વિપક્ષે અખિલેશ સરકાર પર હુમલો કર્યો. IAS એસોસિએશને પણ તત્કાલીન CMના આ પગલાની ટીકા કરી હતી.
અંતે, અખિલેશ યાદવે દુર્ગા શક્તિ નાગપાલ સાથે મુલાકાત કરી. નાગપાલે CM સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો અને તેમને આ બાબતની જાણ કરી. સંતુષ્ટ થઈને, અખિલેશ યાદવે થોડા કલાકોમાં જ તેમને ફરીથી નોકરી પર બેસાડી દીધા. હાલમાં, IAS નાગપાલ લખીમપુર ખેરીના જિલ્લા મેજિસ્ટ્રેટ છે.

