- National
- ભારતીય રાજદૂતને બે પત્નીઓ... કેવી રીતે? સુપ્રીમ કોર્ટ પણ આ 'રમત' પર આશ્ચર્યચકિત!
ભારતીય રાજદૂતને બે પત્નીઓ... કેવી રીતે? સુપ્રીમ કોર્ટ પણ આ 'રમત' પર આશ્ચર્યચકિત!
સુપ્રીમ કોર્ટમાં બે લગ્નોનો એક જટિલ કેસ સામે આવ્યો છે. પતિ ક્યુબામાં ભારતના રાજદૂત છે. તેમણે પહેલા લગ્ન 1994માં એક ચર્ચમાં કર્યા હતા. તેઓ કુકી જાતિના છે. આસામના દિમા હાસાઓ જિલ્લામાં ગામના વડીલોની પંચાયત જેવી સમિતિએ સ્થાનિક રિવાજોવાળા કાયદા હેઠળ આ લગ્નને તોડી નાખ્યું હતું. ત્યાર પછી અધિકારીએ બીજા લગ્ન કર્યા. પહેલી પત્નીએ કોર્ટનો સંપર્ક કર્યો. સુપ્રીમ કોર્ટમાં કેસ આવે તે પહેલાં, 2022માં ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયથી મામલો કાયદેસર રીતે જટિલ બન્યો.
હા, હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે પરંપરાગત રીતે લગ્નને રદ કરી શકાતા નથી. કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે શું ચર્ચમાં કુકી જાતિના પુરુષ અને સ્ત્રીના લગ્નને સ્થાનિક નિયમોના આધારે ગામ સમિતિ અને વડીલોની સંસ્થા દ્વારા પતિની માંગ પર તોડી શકાય છે?
ગુવાહાટી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, એકવાર ખ્રિસ્તી લગ્ન અધિનિયમ 1872 હેઠળ ચર્ચમાં લગ્ન થઈ જાય, પછી ગામના વડીલોને સંડોવતા કાનૂની વ્યવહારો દ્વારા તેને રદ કરી શકાતું નથી. કોર્ટે કહ્યું હતું કે આવા લગ્નને છૂટાછેડા અધિનિયમ 1869ની કલમ 10 મુજબ હાઈકોર્ટ અથવા જિલ્લા ન્યાયાધીશ સમક્ષ શરૂ કરાયેલી કાર્યવાહી દ્વારા જ રદ કરી શકાય છે.

આ નિર્ણય સાથે, ક્યુબામાં ભારતીય રાજદૂત થોંગકોમાંગ આર્મસ્ટ્રોંગ ચાંગસન એક વિચિત્ર વૈવાહિક સંકટમાં ફસાઈ ગયા, કારણ કે તેમની હવે બે પત્નીઓ થઇ ગઈ હતી. તેમણે તેમની પહેલી પત્ની નિખોલ ચાંગસન સાથે ચર્ચમાં લગ્ન કર્યા હતા. ઔપચારિક છૂટાછેડા લીધા પછી, તેમણે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા. બંને લગ્નોથી તેમને એક-એક પુત્રી છે. હવે સુપ્રીમ કોર્ટે રાજદ્વારી ચાંગસન પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવી નથી.
સુપ્રીમ કોર્ટના આદેશ પર મધ્યસ્થીનો પ્રયાસ નિષ્ફળ ગયો. ચાંગસનની અપીલ પર, ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે મૌખિક રીતે કહ્યું કે, હાઈકોર્ટનો નિર્ણય કાયદેસર રીતે યોગ્ય છે. ભારતીય વિદેશ સેવા અધિકારીના લગ્નને લગભગ 15 વર્ષ થયા છે તે નોંધીને, કોર્ટે આ કાનૂની રીતે જટિલ મુદ્દાનો ઉકેલ શોધવાનો અને પહેલી પત્નીને નવું જીવન શરૂ કરવામાં મદદ કરવાનો નિર્ણય લીધો.
રાજદૂતે કહ્યું કે, તેઓ તેમની પહેલી પત્ની નિખોલને દર મહિને 20,000 રૂપિયા આપી રહ્યા છે અને તેમને દિલ્હીમાં એક ઘર આપ્યું છે. નિખોલે કોર્ટને જણાવ્યું કે, તેમણે પોતાની પુત્રીનો ઉછેર એકલા જ કર્યો છે. પહેલી પત્નીએ આરોપ લગાવ્યો કે, પતિએ કાવતરું કરીને તેમને તેમની પુત્રી (29)થી અલગ કરી દીઘી છે.
રાજદૂત તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું કે, પિતા તેમની પુત્રીનો ખર્ચ ઉઠાવી રહ્યા છે, જે બેંગલુરુમાં પોતાની કારકિર્દી બનાવી રહી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પતિએ વડીલોને પોતાની સાથે મેળવીને ગુપ્ત રીતે લગ્ન તોડી નાખ્યા હતા. ન્યાયાધીશ કાંતની આગેવાની હેઠળની બેન્ચે પહેલી પત્નીને કહ્યું, 'અમને તે વ્યક્તિ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. હાઈકોર્ટનો નિર્ણય તમારા પક્ષમાં છે અને તમે સામાજિક અને માનસિક રીતે પીડાઈ રહ્યા છો, પરંતુ શું તમે નવેસરથી જીવન શરૂ કરવાનો કોઈ રસ્તો વિચારી શકો છો?'
રસપ્રદ વાત એ છે કે, આસામમાં કુકી જનજાતિની સૌથી મોટી ગવર્નિંગ બોડી, કુકી ઇન્પી એ કહ્યું છે કે, કુકી રિવાજ કાયદો ન તો ચર્ચમાં કરવામાં આવતા ખ્રિસ્તી લગ્નને વિસર્જન કરી શકે છે અને ન તો તે કોઈપણ દંપતીને દંપતીની ઇચ્છા વિરુદ્ધ ફરીથી મળવા માટે દબાણ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિખોલ માટે તેની પુત્રીને મળવું અને ભવિષ્ય વિશે ચર્ચા કરવી ફાયદાકારક હોઈ શકે છે. કોર્ટે રાજદૂતને બેંગલુરુની ટિકિટની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. રાજદૂતને 3 લાખ રૂપિયા ચૂકવવાનું પણ કહેવામાં આવ્યું છે, જેથી માતા તેની પુત્રીને મળી શકે. જસ્ટિસ કાંતે કહ્યું, 'જો સમાધાનની કોઈ શક્યતા હોય, તો પુત્રી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.'

