- National
- ન એમ્બ્યુલન્સ મળી, ન સહારો; થેલીમાં 4 મહિનાના બાળકના દેહને લઈ જવા મજબૂર થયા પિતા
ન એમ્બ્યુલન્સ મળી, ન સહારો; થેલીમાં 4 મહિનાના બાળકના દેહને લઈ જવા મજબૂર થયા પિતા
ઝારખંડથી રૂવાડા ઊભા કરી દે તેવી એક ઘટના સામે આવી છે, જેને જોઈને સમગ્ર તંત્રએ શરમથી ડૂબી મરવું જોઈએ. એક પિતાએ તેના 4 મહિનાના બાળકનો મૃ*તદેહ થેલી લઈને જવું પડ્યું. સરકારી હોસ્પિટલ મૃ*તદેહને લઈ જવા માટે વાહન પણ આપી ન શકી. જે દિવસે આ ઘટના બની તે દિવસે ઝારખંડના આરોગ્ય મંત્રી બિહારની એ ડૉક્ટરને રાજ્યમાં સરકારી નોકરી આપી રહ્યા હતા, જેનો હિજાબ નીતિશ કુમારે ખેંચ્યો હતો. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આરોગ્ય મંત્રીને પોતાના જ રાજ્યની આવી પરિસ્થિતિ દેખાતી નથી.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ ઘટના ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં બની હતી. 18 ડિસેમ્બરના રોજ ચાઇબાસા નજીકના બાલા બારીજોડી ગામના રહેવાસી આદિવાસી સમુદાયના ડિમ્બા ચાતોંબાનું બાળક બીમાર પડ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં બાળકને ખૂબ તાવ આવી ગયો હતો અને તેણે ખાવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ડિમ્બા તેના બાળકને સદર હોસ્પિટલ લઈ ગયો. બાળકને બચાવી ન શકાયું. સારવાર દરમિયાન 19 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા.
https://twitter.com/BJP4Jharkhand/status/2002378458127794450?s=20
અહેવાલ મુજબ, ત્યારબાદ પરિવારે બાળકના મૃ*તદેહને લઈ જવા માટે હોસ્પિટલ પાસે વાહન માગ્યું, તો કહેવામાં આવ્યું કે અત્યારે કોઈ વાહન ઉપલબ્ધ નથી. પરિવારનો આરોપ છે કે તેમણે કલાકો સુધી વાહન માટે રાહ જોઈ, પરંતુ હોસ્પિટલે કોઈ વ્યવસ્થા ન કરી. પરિવારના જણાવ્યા મુજબ, હોસ્પિટલ વહીવટીતંત્રે ન તો બીજી કોઈ વ્યવસ્થા કરી કે ન તો કોઈ સહાનુભૂતિ દર્શાવી. ત્યારબાદ પરિવારને પ્લાસ્ટિકની બેગમાં બાળકનો મૃતદેહ લઈ જવા મજબૂર થવું પડ્યું. રિપોર્ટ મુજબ, તે સમયે મૃતક બાળકના પિતાના ખિસ્સામાં માત્ર 100 રૂપિયા હતા. મજબૂરીમાં તેણે નજીકની દુકાનમાંથી 20 રૂપિયાની પ્લાસ્ટિકની થેલી ખરીદી અને તેમાં પોતાના 4 મહિનાના પુત્રનો મૃ*તદેહ મૂકી દીધો. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક દર્દીના સહાયકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે ડિમ્બાએ બચેલા પૈસાથી ચાઇબાસાથી નોઆમુન્ડી સુધીના બસનું ભાડું આપવું પડ્યું. નોઆમુન્ડીથી તેને તેમના ગામ બડા બલજોરી સુધી ચાલીને જવું પડ્યું.
જોકે, હોસ્પિટલ વહીવટીતંત્રએ આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેઓ વાહનની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, તેમણે બાળકના પરિવારને થોડા વધુ કલાક રાહ જોવા કહ્યું હતું, પરંતુ તેઓ મૃ*તદેહને બેગમાં ભરીને હોસ્પિટલથી જતા રહ્યા. ચાઈબાસા સિવિલ સર્જન ડૉ. ભારતી મિંજે અખબારને જણાવ્યું કે, ‘અમે મૃ*તદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સ આપતા નથી. તેના માટે એક અલગ શબવાહિની સેવા છે અને અમારી પાસે જિલ્લામાં માત્ર એક જ વાહન છે. અમે બાળકના પરિવારને 2 કલાક રાહ જોવા કહ્યું, કારણ કે તે સમયે શબવાહિની મનોહરપુરમાં હતી, પરંતુ તેઓ ન માન્યા અને મૃ*તદેહને બેગમાં લઈને જતા રહ્યા.
જ્યારે આ મામલો સામે આવ્યો, ત્યારે વિપક્ષી દળોએ સરકારને ઘેરવાની શરૂ કરી દીધી. ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવી. આરોગ્ય મંત્રી ઇરફાન અન્સારીએ કહ્યું કે સરકાર દરેક જિલ્લા હોસ્પિટલ માટે 4 શબવાહિની ખરીદશે. આના પર આશરે 15 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, જેથી કટોકટીમાં કોઈ પરિવારને અપમાનનો સામનો ન કરવો પડે. મંત્રીએ એવો પણ દાવો કર્યો કે આ મામલાની તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જાતે જ ચાલ્યો ગયો હતો. તેમના મતે, તે સમયે 2 શબવાહિની વાહન હાજર હતા, જેમાંથી એક બગડી ગયું હતું, જ્યારે બીજું રસ્તામાં હતું.

