- National
- CM કહે છે- ‘માખણચોર નહોતા ભગવાન શ્રીકૃષ્ણ!’ આ ટેગ ખોટો, ચલાવીશું અભિયાન
CM કહે છે- ‘માખણચોર નહોતા ભગવાન શ્રીકૃષ્ણ!’ આ ટેગ ખોટો, ચલાવીશું અભિયાન
આપણે ઘણીવાર કથાવાંચકોને ભજન કે સત્સંગ વગેરેમાં ભગવાન કૃષ્ણને ‘માખણચોર’ કહેતા સાંભળ્યા છે, પરંતુ હવે મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારને આ ‘માખણચોર’ શબ્દ સામે આપત્તિ છે. આ આપત્તિ એટલી બધી છે કે મધ્ય પ્રદેશ સરકાર આ અંગે એક અભિયાન ચલાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે પોતે કહ્યું છે કે, ભગવાન કૃષ્ણએ કંસનો વિરોધ કરવાનો એક રસ્તો શોધી કાઢ્યો હતો અને તેમને ‘માખણચોર’ નામ આપવામાં આવ્યું જે ખોટું છે. રાજ્યનો સંસ્કૃતિ વિભાગ હવે ભગવાન પર પગેલા આ ટેગને દૂર કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવશે. તેમાં, કથાવાંચકો અને ધર્મગુરુઓને પણ અપીલ કરવામાં આવશે. મુખ્યમંત્રી પોતે પણ આ સંદર્ભમાં વિવિધ મંચ પર પોતાની વાત રાખશે.
જ્યારે મુખ્યમંત્રીએ જન્માષ્ટમીના અવસર પર આ પ્રકારના ચેતના અભિયાનની જાહેરાત કરી, ત્યારે રાજ્યના સાંસ્કૃતિક વિભાગે પણ તેના પર કામ કરવાનું ચાલુ કરી દીધું. મુખ્યમંત્રીના સાંસ્કૃતિક સલાહકાર શ્રીરામ તિવારીએ પુષ્ટિ કરી છે કે, સરકાર આ અંગે એક અભિયાન ચલાવશે. શ્રીરામ તિવારીના મતે, સાંસ્કૃતિક વિભાગ લોકો વચ્ચે જશે. લોકોને કહેવામાં આવશે કે માખણ ચોરી કરવી એ ભગવાન કૃષ્ણનો કંસની નીતિઓ સામેનો બળવો હતો. તિવારીના મતે, સંતો અને મહંતોએ પણ ‘માખણ ચોર’નો ટેગ દૂર કરવાની સહમતિ આપી છે.
જન્મષ્ટમીના અવસર પર મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યુ હતું કે, ભગવાન કૃષ્ણને માખણ ચોર કહેવું કેમ ખોટું છે. મુખ્યમંત્રીના મતે, તે સમયે ગોકુળમાં હજારો ગાયો હતી અને માખણ ત્યાંથી કંસના ઘરે જતું હતું. ભગવાન કૃષ્ણ આ વાતથી ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે કંસ આપણું માખણ ખાઈને આપણાં પર જ અત્યાચાર કરી રહ્યો છે. આ ગુસ્સો વ્યક્ત કરવા માટે તેમણે ગોપાલોની એક ટોળી બનાવી હતી. તેમણે બધાને કહ્યું હતું કે- આપણું માખણ ખાવ અને માટલું ફોડી દો, પરંતુ આપણા દુશ્મન કંસ સુધી માખણ ન પહોંચવું જોઈએ. જાહેર છે રીતે કૃષ્ણનો હેતુ બળવાનો સંદેશ આપવાનો હતો, ન કે માખણ ચોરીનો. ભગવાન કૃષ્ણની આ કહાની ચોરીની નથી, પરંતુ પ્રેમ, સરળતા અને લીલાનું પ્રતિક છે.
બીજી તરફ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘરે મોહન યાદવ સરકારના આ અભિયાનનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પોતાનો ઇતિહાસ લખવા માગે છે, ભગવાન કૃષ્ણની લીલાઓને બદલવા માગે છે જે યોગ્ય નથી. અમે પણ માનીએ છીએ કે ભગવાને માખણ ચોર્યું નથી, પરંતુ મુખ્યમંત્રી કેમ નથી કહેતા કે તેમણે લોકોના મત ચોરીને મધ્ય પ્રદેશમાં પોતાની સરકાર કેમ બનાવી? ઉમંગ સિંઘરે કહ્યું કે, સરકાર અસલી મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવા અભિયાન ચલાવી રહી છે.

