- National
- રાજકોટના રાજેશે દિલ્હીના CMને લાફા મારી દીધા, કારણ હતું કૂતરાઓ...
રાજકોટના રાજેશે દિલ્હીના CMને લાફા મારી દીધા, કારણ હતું કૂતરાઓ...
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જન સુનાવણી દરમિયાન હુમલો થયો હતો. તેમના માથામાં ઈજા થઈ હતી. દિલ્હી પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને ગૃહ મંત્રાલયને આ અંગે જાણ કરવામાં આવી છે. આરોપી ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતીમાં આરોપીએ પોતાનું નામ સાકરિયા રાજેશ ખીમજી બતાવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ શખ્સનો કોઈ સંબંધી જેલમાં છે. તેને છોડાવવા માટે અરજી લઈને ગયો હતો. શખ્સના સંબંધીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન દિલ્હી પોલીસે ગુજરાત પોલીસને શખ્સ બાબતે વધુ જાણકારી એકત્ર કરવા માટે સંપર્ક કર્યો છે અને તેનો આધારકાર્ડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીની માતાએ કહ્યું કે, તે રખડતા કુતરાઓ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હી પહોંચ્યો હતો. શખ્સ માનસિક રૂપે બીમાર છે અને તે પ્રાણી પ્રેમી હોવાનો દાવો કર્યો છે.
રાજેશના માતાએ જણાવ્યું હતું કે, તે રવિવારે ઉજ્જૈન જવાનું કહી નીકળ્યો હતો. તે પશુપ્રેમી છે. દિલ્હીમાં કૂતરાના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો. તેની માનિસક હાલત ઠિક નથી ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે.
આ અગાઉ પણ તે દિલ્હીની યાત્રા કરી ચૂક્યો છે. આરોપી એક રિક્ષા ચાલક પરિવારમાંથી આવે છે. રાજકોટ પોલીસ આરોપીની માતાને પૂછપરછ માટે લઈ ગઈ છે. માતાએ જણાવ્યું હતું કે, તેને ખબર નહોતી કે તે દિલ્હીના મુખ્યમંત્રીને ત્યાં જશે.
કહેવામાં આવી રહ્યું છે કે દસ્તાવેજો સોંપ્યા બાદ શખ્સે અચાનક મુખ્યમંત્રી પર હુમલો કરી દીધો. આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે જણાવ્યું હતું કે આરોપીનો કોઈ રાજનીતિક પાર્ટી સાથે સીધા સંબંધ પુષ્ટિ થઈ નથી, પરંતુ હુમલા અગાઉ તેના નિવેદનો સંકેત આપે છે કે તે દિલ્હીમાં પોતાની સ્થિતિને લઈને અસંતુષ્ટ પાર્ટી સાથે જોડાયેલો હોઈ શકે છે.
દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે આરોપીએ મુખ્યમંત્રીનો હાથ પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ધક્કા-મુક્કી થઈ અને તેમનું માથું ટેબલના ખૂણા પર વાગ્યું હતું. ડૉક્ટરોએ ગુપ્તાની સ્થિતિ સ્થિર હોવાનું કહ્યું છે, જોકે તેઓ આઘાતમાં છે. સચદેવાએ એ પણ સ્પષ્ટતા કરી કે પથ્થરમારવા કે થપ્પડ મારવાની અટકળો પૂરી રીતે ખોટી છે. રેખા ગુપ્તાને ‘મજબૂત મહિલા’ ગણાવતા તેમણે કહ્યું કે, તેઓ પોતાના દૈનિક કામ અને જન સુનાવણી ચાલુ રાખશે.
દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આ ઘટનાને ‘રાજકીય ષડયંત્ર’ ગણાવી. તેમણે કહ્યું કે, ‘તેઓ દિવસ-રાત દિલ્હી માટે વિચારે છે. વિપક્ષ આ સહન કરી શકતું નથી કે મુખ્યમંત્રી કલાકો સુધી જનતા વચ્ચે બેસીને તેમની સાથે સીધી વાતચીત કરે છે.’ આ ઘટના પાછળ રાજનીતિક ષડયંત્રની ગંધ આવે છે અને પોલીસ બધી હકીકતો સામે લાવશે.
https://twitter.com/ANI/status/1958065332804890687
ઘટનાની પ્રત્યક્ષદર્શી અંજલિએ કહ્યું કે, ‘આ ખોટું છે. દરેકને જન સુનાવણીનો અધિકાર છે. હું ત્યાં ઉપસ્થિત હતી. આરોપી વાત કરી રહ્યો હતો અને અચાનક તેણે થપ્પડ મારી દીધી. પોલીસ તેને તાત્કાલિક લઈ ગઈ.’ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, DCP ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
આ હુમલા પર રાજનીતિક પ્રતિક્રિયાઓ પણ તેજ થઈ ગઈ છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું કે, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જો દિલ્હીના મુખ્યમંત્રી સુરક્ષિત નથી તો સામાન્ય માણસ કે મહિલાની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે?’ પૂર્વ મુખ્યમંત્રી અને AAPના ધારાસભ્ય આતિશીએ પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, ‘લોકશાહીમાં મતભેદ અને વિરોધ માટે જગ્યા છે, પરંતુ હિંસા માટે કોઈ જગ્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી કે પોલીસ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરશે અને મુખ્યમંત્રી પૂરી રીતે સુરક્ષિત રહે.

