- National
- હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી
હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી
દેશમાં હાઈવે અને એક્સપ્રેસવેનું જાળ ઝડપથી વિસ્તરી રહ્યું છે. નવા માર્ગોનું નિર્માણ તો થઈ રહ્યું જ છે, સાથે સાથે જૂના હાઈવે પણ આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડ થઈ રહ્યા છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હાઈવેને વધુ સ્માર્ટ બનાવવા માટે એક અનોખું પગલું ભરી રહી છે. ટૂંક સમયમાં દેશભરના હાઈવે પર QR કોડવાળા ડિજિટલ સાઇન બોર્ડ્સ લગાવવામાં આવશે.
મુસાફરી દરમિયાન જો કોઈ યાત્રી આ QR કોડને મોબાઇલમાં સ્કેન કરશે, તો તેને તરત જ સફર સંબંધિત તમામ જરૂરી માહિતી મળશે.
ક્યાં મળશે QR કોડ બોર્ડ?
આ બોર્ડ હાઈવેની સાઇડ પર, ટોલ પ્લાઝા, ટ્રક પાર્કિંગ, રેસ્ટ એરિયા તેમજ હાઈવેના પ્રારંભ અને અંત સ્થળે લગાવવામાં આવશે.
શું માહિતી મળશે?
હાઈવેનો નંબર, લંબાઈ અને તેની બનાવટ કે મરામતની વિગત, ઇમરજન્સી સંપર્ક નંબર: 1033 હેલ્પલાઇન, ટોલ મેનેજર, પ્રોજેક્ટ એન્જિનિયર અને NHAI ઓફિસ, નજીકની સુવિધાઓની માહિતી: હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, પેટ્રોલ પંપ, ટોયલેટ, હોટલ-રેસ્ટોરન્ટ, ટોલ પ્લાઝા, ટ્રક પાર્કિંગ, પંક્ચર રિપેર સેન્ટર અને ઇ-ચાર્જિંગ સ્ટેશન્સનું લોકેશન જેવી માહિતી મળશે.
શું થશે ફાયદો?
આ પહેલથી યાત્રીઓને સફરમાં મદદ મળશે, ખાસ કરીને ઇમરજન્સી વખતે તરત સાચી માહિતી પ્રાપ્ત થશે. અત્યાર સુધી લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરતા હતા, જેમાં સાઇબર ફ્રોડનો ભોગ બનવાની શક્યતા રહેતી. હવે માત્ર એક QR કોડ સ્કેન કરીને જ તમામ માહિતી સુરક્ષિત રીતે મળશે.
સરકારના આ પગલાથી હાઈવે પર સુરક્ષા વધશે અને મુસાફરી વધુ સરળ તથા સુવિધાજનક બનશે.

