- National
- બેંક લોકરને લઈ RBIએ નવા નિયમો બનાવ્યા, પાલન નહીં કરો તો લોકર સીલ થઈ શકે છે
બેંક લોકરને લઈ RBIએ નવા નિયમો બનાવ્યા, પાલન નહીં કરો તો લોકર સીલ થઈ શકે છે
શું તમે પણ બેંક લોકરનો ઉપયોગ કરો છો? જો હા, તો આ સમાચાર તમારા માટે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંક લોકર સુવિધાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. જો તમે હજુ સુધી બેંક લોકર માટે અપડેટેડ ભાડા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી, તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારું લોકર સીલ થઈ શકે છે અથવા તમે આ સેવાથી વંચિત રહી શકો છો. RBI દ્વારા બધી બેંકોને સૂચના આપવામાં આવી છે કે, બધા લોકર ધારકો માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા જરૂરી છે.
ભારતીય રિઝર્વ બેંકે ઓગસ્ટ 2021માં બેંકોને તમામ હાલના લોકર ધારકો સાથે નવા ભાડા કરાર પર હસ્તાક્ષર કરવા સૂચના આપી હતી. ગ્રાહકોની ફરિયાદો, તકનીકી ફેરફારો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને RBI દ્વારા આ સૂચના આપવામાં આવી હતી. જેથી ગ્રાહકોને આપવામાં આવતી લોકર સુવિધામાં પારદર્શિતા અને સુરક્ષા વધારી શકાય.
બધા લોકર ધારકોએ તેમની બેંક સાથે નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. જૂના કરારો હવે માન્ય રહેશે નહીં, અને નવા કરાર વિના લોકરની ઍક્સેસ અવરોધિત થઈ શકે છે. જો વપરાશકર્તાઓ નિર્ધારિત સમય મર્યાદામાં કરાર પર હસ્તાક્ષર નહીં કરે, તો બેંક તમારા લોકરને સીલ પણ કરી શકે છે. જો આવું થાય, તો તમારે તમારા લોકરની સામગ્રી મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
કેટલીક બેંકો હવે RBI અને સરકાર પાસેથી બિન-પાલન કરનારા ગ્રાહકોને અંતિમ નોટિસ મોકલવા અને જરૂર પડ્યે લોકરને સીલ કરવાની પરવાનગી માંગી રહી છે.
બેંકોએ RBIને માર્ચ 2024ની સમયમર્યાદા ડિસેમ્બર 2025 સુધી લંબાવવા કહ્યું છે. બેંકોનું કહેવું છે કે, ગ્રાહકોને ઓછામાં ઓછા 4 મહિનાનો વધારાનો સમય આપવો જોઈએ. RBIએ બેંકોને 1 જાન્યુઆરી, 2023 સુધીમાં નવા કરારો પર હસ્તાક્ષર કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ બેંકો તરફથી પૂરતી માહિતીના અભાવે અને ગ્રાહકો દ્વારા પ્રક્રિયા પૂર્ણ ન કરવાને કારણે સમયમર્યાદા બે વાર લંબાવવામાં આવી છે. જેમાં પ્રથમ વખત ડિસેમ્બર 2023 સુધી અને બીજી વખત માર્ચ 2024 સુધી સમયમર્યાદા લંબાવવામાં આવી હતી.
બે વાર સમયમર્યાદા લંબાવવા છતાં, 10 થી 20 ટકા ગ્રાહકોએ હજુ સુધી નવા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. જેના કારણે હવે બેંકો કડક પગલાં લેવાનું વિચારી રહી છે. બેંકો કહે છે કે, તેઓ ગ્રાહકોને વારંવાર રીમાઇન્ડર મોકલે છે, તેમ છતાં તેઓ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા નથી.
જો તમે પણ નવા ભાડા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી, તો પહેલા તમારી બેંકમાં જાઓ અને કરાર પર હસ્તાક્ષર કરો. જેમને એ ખબર નથી કે તેમણે સહી કરી છે કે નહીં, તેઓ તેમની બેંક શાખામાં જાઓ અને જાણો કે નવો કરાર પર હસ્તાક્ષર કરવા પડશે કે નહીં. બેંકની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર પણ તે વિશે માહિતી ઉપલબ્ધ છે.
નવા કરાર માટે, આધાર, પાન, પાસપોર્ટ વગેરે જેવા KYC દસ્તાવેજો અને લોકર સંબંધિત જૂના દસ્તાવેજો સાથે રાખો. જો નોમિનેશન કરવામાં આવ્યું નથી, તો આ પ્રસંગે નોમિની ઉમેરી લો.

