- National
- ‘સપનામાં આવ્યા હતા ભૈરવ બાબા’, દિલ્હીના CM પર હુમલો કરનારે સંભળાવી એવી કહાની કે પોલીસ પણ હેરાન રહી ગ...
‘સપનામાં આવ્યા હતા ભૈરવ બાબા’, દિલ્હીના CM પર હુમલો કરનારે સંભળાવી એવી કહાની કે પોલીસ પણ હેરાન રહી ગઈ
દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની તપાસમાં આરોપી રાજેશ ખીમજીની અજીબોગરીબ દલીલો પોલીસને પણ હેરાન કરી રહી છે. દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી પૂછપરછ દરમિયાન સતત એવી કહાનીઓ કહી રહ્યો છે, જે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ લાગે છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજેશે જણાવ્યું હતું કે, તે શિવ મંદિર બનાવીને પૂજા કરે છે. તેણે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને શિવલિંગમાં ભગવાન શિવના ભૈરવ સ્વરૂપના દર્શન થયા. રાજેશના જણાવ્યા અનુસાર, ભૈરવ સ્વરૂપમાં આવેલા કૂતરાએ જ તેને દિલ્હી જઈને પોતાની વાત રાખવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજેશ સોમવારે પોતાના ઘરથી ઉજ્જૈન પહોંચ્યો હતો, જ્યાં તેને ભૈરવ સ્વરૂપમાં આવેલા કૂતરાએ ફરીથી દિલ્હી જવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તે ટિકિટ વિના જ ટ્રેનથી નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. દિલ્હી પહોંચ્યા બાદ તેણે કોઈને મુખ્યમંત્રી રેખા ગુપ્તાના ઘરનું સરનામું પૂછ્યું અને મેટ્રોથી નીકળી પડ્યો, પરંતુ તે ખોટા સ્ટેશન પર ઉતરી ગયો અને રાહદારીઓને પૂછીને રિક્ષાથી મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાને પહોંચ્યો. તેણે રિક્ષાચાલકને 50 રૂપિયા આપ્યા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન રાજેશે જણાવ્યું કે, તે મુખ્યમંત્રીને દિલ્હીમાંથી કૂતરાઓને બહાર ન કરવાની અપીલ કરવા આવ્યો હતો, પરંતુ તેનો આરોપ છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેની વાત સાંભળી નહીં. જેથી ગુસ્સામાં આવીને તેણે મુખ્યમંત્રી પર હુમલો કરી દીધો.
રાજેશનું કહેવું છે કે, તે પોતાની સમસ્યા જણાવ્યા બાદ સાંજની ટ્રેનથી ગુજરાત પાછો ફરવાનો હતો. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજેશ આ વર્ષે મે મહિનામાં અયોધ્યા ગયો હતો, જ્યાં કોઈ મુદ્દા પર ધરણા કરવા દરમિયાન સિક્યોરિટી ગાર્ડ્સે તેને માર માર્યો હતો. હાલમાં, દિલ્હી પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલા પાછળ કોઈ મોટો હેતુ છે કે તે માત્ર તેના અંગત ગાંડપણનું પરિણામ હતું. પોલીસનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની પણ મદદ લઈ શકાય છે, કારણ કે ઘણી વખત આરોપીના નિવેદનોમાં અસંગત અને કાલ્પનિક વાતો સામે આવી રહી છે.

