- National
- EVM દ્વારા યોજાયેલી સરપંચ ચૂંટણીનો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, હારેલા ઉમેદવારને વિજેતા જાહેર કરાયા
EVM દ્વારા યોજાયેલી સરપંચ ચૂંટણીનો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, હારેલા ઉમેદવારને વિજેતા જાહેર કરાયા
'ન્યાયતંત્રમાં હજુ પણ આશા છે. અમે સુપ્રીમ કોર્ટથી સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ. આ નિર્ણયથી ન્યાયતંત્રમાં અમારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.'
સુપ્રીમ કોર્ટના આદેશ પર EVMની ફરીથી ગણતરી કરવામાં આવી ત્યારે હરિયાણાના મોહિત કુમારે આ વાત કહી હતી અને લગભગ ત્રણ વર્ષ પછી તેમને સરપંચ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
મોહિત કુમાર કહે છે કે, આ ભૂલથી થયું છે કે જાણી જોઈને તે જાણવું ખુબ મુશ્કિલ, પરંતુ તેની તપાસ થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના રોજ પોતાના આદેશમાં હરિયાણાના સોનીપત જિલ્લાના બુઆના લાખુ ગામના મોહિત કુમારને લગભગ સાડા ત્રણ વર્ષની કાનૂની લડાઈ પછી 51 મતોથી ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યા હતા.

હકીકતમાં, 2 નવેમ્બર 2022ના રોજ યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં, સાત ઉમેદવારોમાંથી એક ઉમેદવાર કુલદીપ સિંહને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ પછી, મોહિત કુમારે આ પરિણામને કોર્ટમાં પડકાર્યું હતું. બીજી તરફ કુલદીપે કહ્યું કે, તેમને વિજયનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાથી, તે માન્ય હોવું જોઈએ.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી કરવામાં આવેલી મતગણતરી મુજબ, આ ગામમાં કુલ 3,767 મત પડ્યા હતા. તેમાંથી 1,051 મત મોહિત કુમારને અને 1,000 મત કુલદીપ સિંહને મળ્યા.
આ મતગણતરી સુપ્રીમ કોર્ટના OSD (રજિસ્ટ્રાર)ની દેખરેખ હેઠળ બંને પક્ષો અને તેમના વકીલોની હાજરીમાં કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
ન્યાયાધીશ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને N. કોટિશ્વર સિંહની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'OSD (રજિસ્ટ્રાર) દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલ રિપોર્ટ પ્રથમ નજરમાં કોઈ શંકા પેદા કરતો નથી, ખાસ કરીને જ્યારે સમગ્ર પુનઃગણતરીનું વીડિયોગ્રાફી કરવામાં આવ્યું હોય અને પરિણામો પર બંને પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા સહી કરવામાં આવી હોય.'

આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે પુનઃગણતરીથી સંતુષ્ટ છીએ. અપીલકર્તાને પાણીપત જિલ્લાના ગ્રામ પંચાયત બુઆના લાખુના સરપંચ જાહેર કરવા જોઈએ.'
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં પાણીપતના ચૂંટણી અધિકારીને બે દિવસમાં આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડવાનો નિર્દેશ આપ્યો હતો.
હકીકતમાં, 2 નવેમ્બર 2022ના રોજ યોજાયેલી સરપંચ ચૂંટણીમાં કુલદીપ સિંહને 313 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.
મોહિત કુમારે આ નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી હતી.
કેસના રેકોર્ડ મુજબ, અપીલકર્તાની તરફેણમાં સુનાવણી કરતી વખતે, પાણીપતના ચૂંટણી ટ્રિબ્યુનલના એડિશનલ સિવિલ જજ (સિનિયર ડિવિઝન)એ 22 એપ્રિલ 2025ના રોજ બૂથ નંબર 69ના મતોની ફરીથી ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો.
આ આદેશ હેઠળ, ચૂંટણી અધિકારીને 7 મે 2025 સુધીમાં બૂથ નંબર 69 પર મતોની ફરીથી ગણતરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરંતુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 1 જુલાઈ 2025ના રોજ આ આદેશો રદ કર્યા હતા.
મોહિત કુમાર કહે છે, 'આખો વિવાદ ફક્ત બૂથ નંબર 69 વિશે હતો. મારા મત બીજા ઉમેદવારને જમા કરવામાં આવ્યા હતા. તેમણે ક્રમ બદલી નાખ્યો હતો. હું પાંચમા નંબર પર હતો અને મને 254 મત મળ્યા, પરંતુ કુલદીપ સિંહને પાંચમા નંબર પર દર્શાવવામાં આવ્યા હતા અને મને છઠ્ઠા નંબર પર જાહેર કરવામાં આવ્યો હતો.'
'મારા નામે ફક્ત 7 મત નોંધાયા હતા. આ બધું ગણતરી દરમિયાન કરવામાં આવેલા કાગળની કાર્યવાહીમાં થયું હતું. આ કોઈ મિલીભગતનું પરિણામ હતું કે ભૂલનું તે જાણવું મુશ્કેલ છે. આ તપાસનો વિષય છે.'
મોહિત કહે છે, 'તે સાંજે અમારી પાસે પુનઃગણતરીની વિડિઓ રેકોર્ડિંગ હતી. અમે બધા સાથે મળીને પાણીપતના ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓને મળ્યા હતા.'
મોહિત કુમારે વધુમાં કહ્યું, 'બીજી બાજુ, કુલદીપ સિંહને પહેલાથી જ પ્રમાણપત્ર મળી ગયું હતું અને તેના આધારે કુલદીપ સિંહ હાઇકોર્ટમાં ગયા હતા. તેમની દલીલ હતી કે, એકવાર પ્રમાણપત્ર બહાર પડી ગયા પછી, તે જ પરિણામ માન્ય ગણવામાં આવશે.'
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, જ્યારે મામલો 31 જુલાઈ, 2025ના રોજ સુનાવણી માટે આવ્યો, ત્યારે કોર્ટે ચૂંટણી અધિકારીને કોર્ટ રજિસ્ટ્રાર સમક્ષ તમામ EVM મશીનો અને મતદાન રેકોર્ડ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.
આ સાથે જ, રજિસ્ટ્રારને ફક્ત એક જ નહીં પરંતુ પાંચેય બૂથના મતોની ગણતરી કરવાનું કહેવામાં આવ્યું.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, 'જો કે, 31 જુલાઈ, 2025ના અમારા આદેશ મુજબ મતોની ગણતરી હવે પૂર્ણ થઈ ગઈ હોવાથી, હાઇકોર્ટના નિર્ણયને ટકાવી રાખી શકાય નહીં અને તેને રદ કરવામાં આવે છે.'
કાનૂની લડાઈ જીતીને સરપંચ બનેલા મોહિત કુમારના મતે, આ ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષપાત કે પાર્ટીની ભાવના સામેલ ન હતી.
તેઓ કહે છે કે તેઓ 'ફક્ત સત્ય બહાર લાવવા માંગતા હતા.'
લાંબી કાનૂની લડાઈ લડવાની પ્રેરણા અંગે, મોહિત કહે છે, 'લોકોનો ટેકો અને વિશ્વાસ હતો. મનમાં ફક્ત એક જ વાત હતી કે સત્ય બહાર લાવવાનું જ છે. તેથી જ હું સતત તેમાં કાર્યરત રહ્યો.'
તેઓ કહે છે, 'મેં 14 ઓગસ્ટે શપથ લીધા. ગ્રામજનો ખુશ છે. તેમણે મારામાં જે વિશ્વાસ દર્શાવ્યો હતો તે મે જાળવી રાખ્યો છે. હું તેમના વિશ્વાસ પર ખરો ઉતરીશ.'

