- National
- આને કહેવાય શોખ! શખ્સે 1 લાખના ટુવ્હીલર માટે ખરીદી 14 લાખની VIP નંબર પ્લેટ
આને કહેવાય શોખ! શખ્સે 1 લાખના ટુવ્હીલર માટે ખરીદી 14 લાખની VIP નંબર પ્લેટ
શોખ મોટી વસ્તુ છે અને લોકો પોતાના શોખને પૂરા કરવા માટે કંઈ પણ કરે છે. આવો જ એક મામલો હિમાચલ પ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાના નવા સ્કૂટરના VIP નંબર માટે 14 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. રસપ્રદ વાત એ છે કે સ્કૂટરની કિંમત માત્ર 1 લાખ રૂપિયા છે. VIP ફેન્સી નંબરો પ્રત્યે પ્રેમનો આ અનોખો મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે હાલમાં જ એક નવું સ્કૂટર ખરીદ્યું છે. તે પોતાના સ્કૂટર માટે VIP નંબર ઇચ્છતો હતો. ત્યારબાદ તેણે હિમાચલ પ્રદેશ પરિવહન વિભાગ દ્વારા આયોજિત ઓનલાઈન હરાજી કરી અને પછી સૌથી વધુ 14 લાખ રૂપિયાની બોલી લગાવીને નંબર પ્લેટ (HP 21C-0001) ખરીદી.
કહેવામાં આવી રહ્યું છે કે, આ ઓનલાઈન હરાજીમાં માત્ર 2 લોકોએ ભાગ લીધો હતો. જેમાં સોલન જિલ્લાના બદ્દીના એક વ્યક્તિએ આ નંબર માટે 13.5 લાખ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. પરંતુ સંજીવ કુમારે 14 લાખ રૂપિયાની બોલી લગાવીને આ નંબર હાંસલ કરી લીધો. VIP નંબર પ્લેટની હરાજીની આ આખી રકમ રાજ્ય સરકારના ખજાનમાં જમા કરાવી દેવામાં આવી છે, જેથી કોઈપણ વધારાના ખર્ચ વિના આવક થઈ છે. પરિવહન અધિકારીઓના મતે, આ રાજ્યમાં ટૂ-વ્હીલર માટે જાહેર કરાયેલો સૌથી મોંઘો રજીસ્ટ્રેશન નંબર હોઈ શકે છે.
સંજીવ કુમારે કહ્યું કે, તેને ખાસ અને અનોખા નંબરો એકત્રિત કરવાનો શોખ છે, અને તે પોતાના નવા સ્કૂટર માટે પણ એવો જ એક VIP નંબર ઇચ્છતો હતો. તેણે કહ્યું કે, ‘ઝનૂનની કોઈ કિંમત નથી હોતી, જ્યારે તમે કંઈક અસાધારણ ઇચ્છો છો, તો તમે કિંમત જોતા નથી.’ સંજીવના પુત્ર દિનેશ કુમારે કહ્યું કે, ‘અમે નંબર માટે ઓનલાઈન અરજી કરી હતી. અન્ય એક વ્યક્તિ પણ આ રેસમાં હતો, પરંતુ અમે સૌથી વધુ બોલી લગાવીને આ નંબર હાંસલ કરી લીધો.’

