- Politics
- મુંબઈમાં ભાજપે શિંદેને સાઇડલાઇન કર્યા? આ પાર્ટી સાથે થઈ શકે છે મોટું ગઠબંધન
મુંબઈમાં ભાજપે શિંદેને સાઇડલાઇન કર્યા? આ પાર્ટી સાથે થઈ શકે છે મોટું ગઠબંધન
મુંબઈમાં મેયરપદની ચૂંટણી અગાઉ ફરી એકવાર મોટા ઉથલપાથલની અટકળો તેજ થઈ ગઈ છે. એવી ચર્ચા છે કે શિવસેના (UBT) બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં ભાજપને સમર્થન આપી શકે છે. માનવમાં આવી રહ્યું છે કે, આનો હેતુ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને રાજકીય રીતે અલગ પાડવાનો છે, જેઓ સતત ભાજપ પર મુંબઈના મેયર પદ તેમના જૂથને આપવા માટે દબાણ કરી રહ્યા છે.
આ રાજકીય હિલચાલને ત્યારે વધુ વેગ મળ્યો, જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેની 100મી જન્મજયંતિ નિમિત્તે સોશિયલ મીડિયા પર એક મહત્ત્વપૂર્ણ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ બાદ, ભાજપ, શિવસેના (UBT) અને MNS વચ્ચે સહયોગની શક્યતા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
MNSના પ્રમુખ રાજ ઠાકરેએ તેમની પોસ્ટમાં રાજકીય સુગમતાનો સંકેત આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘બાળાસાહેબને પણ રાજકારણમાં ઘણી વખત લચીલું વલણ અપનાવવું પડ્યું, પરંતુ મરાઠી લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં, પરંતુ વધુ મજબૂત થયું. આ જ સંસ્કાર અમને મળ્યા છે. જો બદલાયેલા રાજકારણમાં મને ક્યારેય થોડું લચીલું વલણ અપનાવવું પડે, તો તે ક્યારેય અંગત સ્વાર્થ કે લાભ માટે નહીં હોય.’
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શિવસેના (UBT) ફ્લોર ટેસ્ટ દરમિયાન ગેરહાજર રહી શકે છે. જો આવું થાય છે, તો ભાજપ માટે મેયર પદ સાથે-સાથે સ્ટેન્ડિંગ કમિટી અને ઇમ્પ્રૂવમેન્ટ કમિટી જેવા મહત્ત્વના પદો કબજે કરવાનું સરળ બની શકે છે. અહેવાલો અનુસાર, રાજ ઠાકરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે, અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ આ જ દિશામાં સંકેત આપે છે.
શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાર્ટી ભાજપ સાથે જવા પર વિચારી કરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં એકનાથ શિંદેની શિવસેના સાથે કોઈ સમાધાન નહીં થાય. રાઉતે શિંદેને ‘ગદ્દાર’ ગણાવતા કહ્યું કે, ગદ્દારો સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. તેમણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદે જૂથ સાથે MNSના ગઠબંધન પર પણ નારાજગી વ્યક્ત કરી.
હાલના BMC આંકડાઓ પર નજર કરીએ તો, 227 સભ્યોના ગૃહમાં 89 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શિવસેના (UBT)ને 66 બેઠકો મેળવી છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 29 બેઠકો અને કોંગ્રેસને 21 બેઠકો મળી છે. સત્તા માટે જરૂરી બહુમતી 114 છે, જે કોઈ એક પાર્ટી પાસે નથી.

