- Politics
- કેજરીવાલની હાજરીમાં પાટીદાર મહિલા આગેવાન જિગીષા પટેલ AAPમાં જોડાયા
કેજરીવાલની હાજરીમાં પાટીદાર મહિલા આગેવાન જિગીષા પટેલ AAPમાં જોડાયા
પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીષા પટેલ વિધિવત રીતે રાજકારણમાં પ્રવાશી ચૂક્યા છે. ગુરુવારે રાજકોટ, અમદાવાદ હાઇ-વે પર આવેલા પ્રભુ ફાર્મમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં તેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP)માં સામેલ થઈ ગયા.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જિગીષા પટેલે જણાવ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટીમાં જોડાવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. 10 વર્ષથી સમાજ માટે લડી રહ્યા છીએ અને તાજેતરમાં સરદાર યાત્રામાં 12 દિવસ ગુજરાતમાં અનેક જગ્યાએ ફર્યા ત્યારે વડીલોએ મને રાજકારણમાં જોડાવવા કહ્યું હતું. એટલે મેં AAPમાં જોડાવવા નિર્ણય લીધો છે. ગોંડલની જનતાને પણ ભરોસો આપવા માટે રાજકીય પાર્ટીમાં જોડાવવા નિર્ણય લીધો છે. બધા સમાજને સાથે રાખી AAP ચાલી રહી છે. ગામેગામ દરેક સમાજના લોકો AAPને સ્વીકારી રહી છે અને હવે પરિવર્તનની લહેર અહિયાંથી જોવા મળશે. બે પાર્ટીથી લોકો થાકી ગયા છે માટે હવે AAP સાથે, ભરોસા સાથે લોકો જોડાઈ રહ્યા છે. હાલમાં AAP મજબૂત વિપક્ષ તરીકે જનતાના અવાજ ઉઠાવી રહી છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં હું એક કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જોડાઈ છું. મારી કોઈ અપેક્ષા નથી. પાર્ટી જે કામ કે જવાબદારી સોંપશે એ હું નિભાવીશ. હાલમાં હું કોઈ કમિટમેન્ટ સાથે પાર્ટીમાં જોડાઈ નથી. આવતા દિવસોમાં ચૂંટણી આવશે તેમાં પણ હું પાર્ટીને જીતાડવા માટેના સંપૂર્ણ પ્રયાસ કરીશ. મારે જનતાના હક માટે લડવું છે અને તેના માટે સારી રાજકીય પાર્ટી મળી છે અને એટલા માટે હું AAPમાં જોડાઈ છું.
કોણ છે જિગીષા પટેલ?
જિગીષા પટેલ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી છે. જિગીષા પટેલ પાટીદાર સમાજની કુર્મી સેનાના મહિલા અધ્યક્ષ પણ છે. પાટીદાર સમાજના મત કબજે કરવા AAPએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. તમણે ગોંડલમાં અલ્પેશ કથીરિયા સાથે મળીને ગણેશ ગોંડલ સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું.
તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-12ના મહિલા કોર્પોરેટરના પતિ મૌલિક દેલવાડીયા AAPમાં સામેલ થયા હતા. ભાજપના કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા કે જેઓ વોર્ડ નંબર 12ના પૂર્વ મહામંત્રી છે, તેમને પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું.

AAPમાં સામેલ થયા બાદ મૌલિક દેલવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના થાય છે. મારા પત્ની ભાજપના કોર્પોરેટર છે. અમારા વિસ્તારના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા છે, જેમણે સ્થાનિકોના પ્રશ્નો પણ નથી સાંભળ્યા. આ મામલે પૂર્વ શહેર પ્રમુખ મુકેશ દોશીને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી. આમ છતા કોઈ પરિણામ ન મળતા AAPમાં જોડાવા નિર્ણય લીધો છે.

